Columns

જિંદગી પછીનું જીવન

આપણે જોયું કે શ્રદ્ધાથી રહિત લોકો ભગવાનના ધામને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ અનંતકાળ સુધી પાછા જન્મ અને મરણના ચક્રમાં ફરતા રહે છે. જન્મ-મૃત્યુના ભયથી પરલોક જ નહીં પરંતુ આ લોક પણ કેટલું સાર્થક બને છે તેને હવે સમજીએ. લગભગ 100 વર્ષ પૂર્વેની વાત છે. એક વ્યક્તિએ પોતાનું નામ છાપાના ‘બેસણાં’ના વિભાગમાં વાંચ્યું. તેને અતિ આશ્ચર્ય થયું. સમાચારપત્રવાળાઓએ હકીકતમાં ભૂલથી એમનું નામ છાપી દીધું હતું. આખી વિગત વાંચીને એ માણસ થોડીવાર માટે તો ખરેખર ચોંકી ઊઠ્યો. જ્યારે એણે પોતાની જાતને સંભાળી લીધી, ત્યારે એને વિચાર આવ્યો કે એના વિશે સમાચારપત્રમાં આવું કેમ છાપ્યું છે એ એણે જાણવું જોઈએ. સમાચારપત્રમાં એના વિશે લખ્યું હતું કે ‘ડાયનેમાઇટનો રાજા મૃત્યુ પામ્યો.’ અને ‘એ મૃત્યુનો સોદાગર હતો.’

આ વ્યક્તિ ડાયનેમાઇટનો શોધક હતો અને તેણે ‘મૃત્યુનો સોદાગર’ જેવા શબ્દો વાંચ્યા ત્યાં તેણે પોતાની જાતને પૂછ્યું, ‘શું લોકો મને આ રીતે યાદ કરશે?’ એ માણસ ભાવુક થઈ ગયો. એણે એવું નક્કી કરી લીધું કે એ બિલકુલ એવું નથી ઇચ્છતો કે લોકો એને ‘મૃત્યુના સોદાગર’ તરીકે યાદ કરે. એ દિવસથી એણે દુનિયામાં શાંતિ ફેલાવવા માટે કામ શરૂ કર્યું. એ માણસનું નામ હતું – આલ્ફ્રેડ નોબલ. આજે લોકો એમને નોબલ પારિતોષિકના જનક તરીકે જ યાદ કરે છે. ગીતા મૃત્યુસંસારવર્ત્મનિ(૮/૩) કહીને નિર્દેશ કરે છે કે આ સંસારમાં કાંઇક સાર્થક કરી જવું એ જ જન્મનો હેતુ છે. મોક્ષ તો અંતિમ પડાવ છે પરંતુ તેનો આરંભ શુભ કાર્યોથી થઈ શકે છે. તેથી જ કહ્યું છે –
જગતમાં જ્યારે તું આવ્યો હતો ત્યારે જગ હસતું રહ્યું અને તું રડતો રહ્યો.
હવે જીવી જા તું જિંદગી એવી કે તું જાય ત્યારે જગત રડે અને તું હસતો રહે.

જ્યારે એક બાળકનો જન્મ થાય છે ત્યારે સૌથી વધુ આનંદ કોને થાય છે? માતા-પિતા, સગાં-સંબંધી અને મિત્રોને. પરંતુ રડતું કોણ હોય છે? એ નવજાત શિશુ. જો કે આપણે જ્યારે આ દુનિયા છોડીને જઈએ છીએ ત્યારે એનાથી ઊલટું થવું જોઈએ. આપણને ખુશી થવી જોઈએ એ બાબતની કે જન્મ સમયે આપણને જેવી દુનિયા મળી હતી એના કરતાં વધુ સારી સ્થિતિમાં આ દુનિયાને છોડીને જઈ રહ્યા છીએ. હા, જ્યારે તમારી જિંદગી પછી પણ તમારા માટે કોઈ રડે છે, યાદ કરે છે તો સમજી લો કે તમે હજુ જીવિત છો. એટલે જિંદગી એવી જીવવી જોઈએ કે આપણા ગયા પછી લોકો આપણને યાદ કરે. સારી ભાવનાથી, નહિ કે ઘૃણાથી! લોકોના હૃદયમાં આપણી શાશ્વત સ્મૃતિ રહે તે માટે એક તત્ત્વચિંતક કહે છે, ‘આજ સુધી કોઈપણ વ્યક્તિનું સન્માન એ કારણથી નથી કરવામાં આવ્યું કે એણે દુનિયા પાસેથી શું અને કેટલું લીધું ? પણ હા, એટલા માટે જરૂર કરવામાં આવ્યું છે કે એણે દુનિયાને શું અને કેટલું દીધું.’

ચેન્નાઈના ડૉ. બદરીનાથ આંખના વિખ્યાત સર્જન છે. વર્ષો પહેલા તેઓની માસિક પાંચ લાખની પ્રેક્ટિસ હતી. પરંતુ એક વખત શંકરાચાર્યે તેઓને સહેજ ટકોર કરી અને નિ:સ્વાર્થ સેવા કરવા પ્રેરણા આપી. ગુરુના આ શબ્દો તેમને હૃદયમાં ઉતાર્યા. પોતાની વ્યક્તિગત મહેચ્છાને છોડીને લોક કલ્યાણમાં વૃત્તિ જોડી. તેઓએ શંકર નેત્રાલયની સ્થાપના કરી. જ્યાં દેશ વિદેશના લાખો દર્દીઓ નજીવી ફીમાં સારવાર લઈ રહ્યા છે. ‘બીજાનું ભલું કરવું.’, ‘બીજા માટે ઘસાવું.’ આવી પરોપકારી ભાવનાથી વ્યક્તિ સન્માનીય બને છે, આદરણીય બને છે, સ્મરણીય બને છે.

પ્રમુખસ્વામી મહારાજ પણ કહેતા કે ‘બીજાના સુખમાં આપણું સુખ.’ અને એ પ્રમાણે તેઓએ લાખો લોકોના વ્યક્તિગત પ્રશ્નોમાં સ્વજનની પેઠે રસ લઈને એનો ઉકેલ લાવી આપ્યાં. લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે તેઓ રોજના સેંકડોને મળતાં રહ્યા. એટલું જ નહિ, એક ગણતરી મુજબ 700000 કરતાંય વધુ પત્રો દ્વારા સ્વામીશ્રીએ લોકોને જીવનની દ્વિધામાંથી ઉકેલ આપ્યાં છે, સલાહ, સૂચન અને માર્ગદર્શન આપ્યાં. એટલે આજે તેઓના ધામગમનને વર્ષો વીતી ગયા છતાં લાખો લોકો તેઓને રોજ હૃદયપૂર્વક યાદ કરે છે. જો આપણી ઈચ્છા હોય કે લોકો આપણને યાદ રાખે અને બધાના હૃદયમાં આપણું સ્થાન હોય તો બીજા લોકો માટે આપણે ભોગ આપવા તત્પર થઇએ. સમયનો ભોગ, શક્તિનો ભોગ, નિસ્વાર્થ સેવાનો ભોગ અને આપણા કાર્યોથી સમાજને મદદરૂપ થવામાં ભોગ આપીએ. હા, મોક્ષની સાધના તો તેના આગળની વાત છે.

Most Popular

To Top