Charchapatra

પ્લાસ્ટિક વેસ્ટ

કોઈ પણ ધાર્મિક, સામાજિક કે રાજકીય પ્રસંગની ઉજવણી પછી પ્લાસ્ટિકની ચીજો જેવી કે સ્ટિક, ફ્લેગ, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમ સ્ટિક, ડેકોરેશનના થર્મોકોલ, પ્લાસ્ટિક કપ, ગ્લાસ, પ્લાસ્ટિક ચાકુ – ચમચી, ટ્રે, મીઠાઈ બોક્ષ તેમજ પેકેજીંગ, વેફરના રેપરના વેસ્ટનો ઢગલો નજરે પડે છે. આ વેસ્ટની અસરો ખતરનાક હોય છે. આ કચરો જમીનના સંપર્કમાં આવે અને જમીનના છિદ્રો બંધ થતા અંદરના જીવોને ઓક્સિજન ન મળતા મૃત્યુ પામે છે. પ્લાસ્ટિક પાણીમાં દ્રાવ્ય નથી, બળી શકતું નથી. બાળવામાં વધુ સમય લાગે અને ઝેરી ગેસ બને છે.

તે જગ્યાએ તણખલું ઊગતું નથી. આજે તો કૂવા, તળાવ, નદી, સમુદ્ર પ્રદુષિત થઈ ચૂક્યા છે. પ્રદૂષણની વિઘાતક અસર પશુ અને પ્રાણીઓ પર થાય છે. વૃક્ષો, છોડને નુકસાન પહોંચાડે છે. ગાયમાતાને જે અસર થાય છે, તે સૌ જાણે છે. દેશને પ્લાસ્ટિકમુક્ત બનાવવા નિયમો બનતા રહે છે. 2016માં 50 અને 2021માં 75 માઇક્રોન પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકાયો હતો. તેનું યોગ્ય અમલીકરણ થયું નથી, ત્યાં સરકારના વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2021નું નવું ગેજેટ પ્રસિધ્ધ થયું. તેમાં 1લી જુલાઈથી 120 માઈક્રોનથી ઓછી જાડાઈવાળી થેલીઓ પ્રતિબંધ લાગુ કરાયો છે.

ઘરપરાશની વસ્તુઓ વાપરવા 120 માઈક્રોનથી જાડા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો પડશે. આ ગેજેટનું યોગ્ય અને કડક અમલીકરણ થાય તે જોવાનું છે.  પ્લાસ્ટિકના રાક્ષસથી બચવા રિડયુઝ, રિયુઝ અને રિસાયકલ ફોર્મુલા અપનાવવી જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ. બહાર ખરીદી માટે નીકળો તો કાપડની થેલી લઈને જ નીકળવું જોઈએ. પ્લાસ્ટિક કચરાપેટીમાં નાખીએ. રિયુઝ કરી શકાય. સિંગલ યુઝ પ્લાસ્ટિક રિસાયકલ થતું નથી, તેને ના કહીએ. પૃથ્વી પર દરેક જીવને જીવવાનો હક્ક છે, માટે પર્યાવરણનું જતન કરવાની નાગરિક જવાબદારી નિષ્ઠાથી નિભાવીએ. માનવજીવનને સુરક્ષાનું આવરણ એટલે પર્યાવરણ…
નવસારી           – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top