Charchapatra

‘હવે કોઇ મંદિર આંદોલન નહિ’ મોહન ભાગવત

હમણાં જ નાગપરમાં RSS કાર્યકરોના પ્રશિક્ષણ કાર્યક્રમના સમાપન સમારોહમાં મોહન ભાગવતે જણાવ્યું કે, હિન્દુભાઇઓએ મુસ્લિમભાઇઓ સાથે બેસીને તમામ વિવાદોનું સમાધાન કરવું જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે, કોઇ પણ સમુદાયે ઉગ્રવાદનો આશરો લેવો જોઇએ નહિ. દરેક વ્યકિતએ એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જોઇએ. હૃદયમાં કોઇ પણ ઉગ્રવાદ હોવો ન જોઇએ – ન તો શબ્દોમાં કે ન તો કાર્યમાં. બન્ને સમુદાય તરફથી ધાકધમકી આપવાની વાત ન થવી જોઇએ. RSSના વડા મોહન ભાગવતે જ્ઞાનવાપી વિવાદ અંગે કહ્યું કે, આ વિવાદનો શાંતિપૂર્વક ઉકેલ લાવવો જોઇએ. જો વાટાઘાટોથી મામલો ઉકેલાય નહિ, તો બન્ને પક્ષોએ કોર્ટનો નિર્ણય સ્વીકારવો જોઇએ. દરેક વખતે વિવાદ ઊભો કરવો યોગ્ય નથી. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, RSS હવે કોઇ મંદિર આંદોલન નહીં કરશે. હિન્દુઓએ સમજવું જોઇએ કે મુસ્લિમો તેમના પોતાના પૂર્વજોના વંશ જ છે અને ‘લોહીથી ભાઇઓ’ છે. ભારતમાં જો હિન્દુઓ અને મુસ્લિમો ભાતૃભાવનાથી સાથે રહેશે, તો ભારત હજુ વધુ પ્રગતિ કરી શકશે! હિન્દુઓએ પણ મંદિર – મસ્જીદના વિવાદનો અંત આણવો જોઇએ. હિન્દુ અને મુસ્લિમ ભાઇઓએ એકબીજા સાથે શાંતિથી હળીમળીને રહેવું જોઇએ. કાશ્મીરમાં પણ આતંકવાદીઓ જે આતંક ફેલાવી રહ્યા છે, તેનો મુસ્લિમ ભાઇઓએ ઉગ્ર વિરોધ કરવો જોઇએ. હિન્દુ – મુસ્લિમ એકતા જ દેશને આગળ લઇ જશે!
શિકાગો- ડો. કિરીટ એન. ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top