SURAT

તાપી નદીમાં પાણીની આવક વધતા કોઝવે મોડી રાતથી બંધ

સુરત: સુરત (Surat) સહિત સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. સુરત શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણ તાપી (Tapi) નદીમાં (River) પાણીની આવક વધી છે. તાપી નદીમાં પાણીના નવા નીર આવતા કોઝવે (causeway) ઓવરફ્લો (overflow) થયો છે. કોઝવે ઓવરફ્લો થતાં હાલ તેને બંધ (closed) કરી દેવાનો નિર્ણય લેવાયો છે. 10 જુલાઈ રવિવારથી લોકોના અવર-જવર માટે કોઝવે બંધ કરાયો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટરની છે.

સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગમે ત્યારે ઘોઘમાર વરસાદ તૂટી પડે તેવી શક્યતા જણાતી હતી. જો કે, શહેરમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ માંડ નોંધાયો હતો. દરમિયાન ઉકાઇ ડેમની ઉપરવાસ તેમજ તાપી નદીના સુરતથી ઉપરના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નદીમાં પાણીનો મોટો જથ્થો આવ્યો હોવાથી કાકરાપાર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં રાંદેર અને કતારગામને જોડતા વિયર કમ કોઝવેની સપાટીમાં વધારો થયો હતો. કોઝવે ભયજનક સપાટી 6 મીટર પાર થવાની અણી પર હોવાથી મોડી રાતે કોઝવે અવરજવર માટે બંધ કરી દેવાયો હતો. સુરત શહેરમાં સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોનમાં અડધા ઇંચ જેટલું, જ્યારે અન્ય વિસ્તારોમાં ક્યારેક ધોધમાર તો ક્યારેક સામાન્ય ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.

પલસાણામાં ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા: કડોદરા ચાર રસ્તે 2 કિ.મી. સુધી ટ્રાફિક જામ
પલસાણા: પલસાણા પંથકમાં પડેલા ધોધમાર વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. કડોદરા ચાર રસ્તા નજીક કડોદરા બારડોલી હાઇવે ૫૨ ટ્રાફીક જામ થઈ ગયો હતો. વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. જેને કારણે નગર પાલિકાની ટીમ અને કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઈ અને નગર પાલિકાની ટીમે સતત ૩ કલાક સુધી વરસતા વરસાદમાં ચાર રસ્તા પર ઉભા રહી પોલીસની સાથે ટ્રાફીકને કંટ્રોલ કરવામાં મદદ રૂપ થયા હતા. ૩ કલાકની ભારે જહેમત બાદ ટ્રાફીક દૂર થયો હતો.

ગટરનું લેવલ નીચું લઈ જવાય તેમ નથી: અંકુર દેસાઈ
ચાર રસ્તા નજીક પાણીનો ભરાવો થવાથી કેટલાક દુકાનદારોનો રોષનો સામનો કરતા નગરપાલિકાના પદાધિકારીઓ અંગે કડોદરા નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઇએ જણાવ્યું હતું, કે કડોદરા ચાર રસ્તા નજીક ચામુડા હોટલ વાળા વિસ્તાર નીચાણવાળો હોવાથી ત્યાં પાણી ભરાઇ જાય છે અને વરસાદ બંધ થતા પાણીનો નિકાલ આપો આપ ઝડપથી થઈ જાય છે. જો ગટર હજુ નીચી કરવામાં આવે તો બાજુમાં આવેલી હરિપુરા ખાડીનું પાણી પણ કડોદરામાં રિટર્ન આવવાનો ભય રહે છે, જેથી આ વિસ્તારમાં ગટરનું લેવલ નીચુ લઇ જવાય તેમ નથી.

Most Popular

To Top