SURAT

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટના અપહરણ અને બિટકોઈન લૂંટ કેસમાં 70 સાક્ષીઓને નોટીસ મોકલવા આદેશ

સુરતઃ સુરતના (Surat) અગ્રણી બિલ્ડરનું ચારેક વર્ષ પૂર્વે અપહરણ (Kidnapping) કરી રૂ. 12 કરોડની કિંમતના બિટકોઇન (Bitcoin) અને રૂ. 78 લાખ રોકડાની લૂંટ ચલાવવાના ગુનામાં આશરે 150થી વધુ સાક્ષીઓને (Witness) તપાસાયા હતા. જેમાંથી 70 સાક્ષીઓ હોસ્ટાઇલ (Hostile) જાહેર થયા હતા. તેમાં પણ 8 સાક્ષીઓએ તો મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો આપ્યાં હતાં. પરિણામે કેસને નુકશાન પહોંચાડવાનું ષડયંત્ર થઈ રહ્યું હોવાની સંભાવનાને કેન્દ્રમાં રાખી ફરિયાદીએ તમામ સાક્ષીઓને હાજર રહેવા માટેની દાદ માગતી રિટ હાઇકોર્ટમાં (Gujarat High Court) કરી હતી. હાઇકોર્ટે તમામને નોટિસ પાઠવવા આદેશ કર્યો છે. આગામી તા. 9-3-2023ના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

  • ચારેક વર્ષ અગાઉ સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 12 કરોડના બિટકોઇન તેમજ રૂપિયા 78 લાખ રોકડાની લૂંટ ચલાવવાના કેસમાં હાઇકોર્ટમાં રિટ કરાઈ હતી

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું (Shailesh Bhatt) તા. 11-2-2018ના રોજ ગાંધીનગર કોબા સર્કલ પાસેથી અપહરણ કરી કેશવ ફાર્મ, દેગામ રોડ ખાતે લઈ જઈ ત્યાં બંધક બનાવી માર મારી રૂ. 12 કરોડની કિંમતના બિટકોઇન અને રોકડા રૂ. 78 લાખની લૂંટ ચલાવાઈ હતી. આ અંગે સીઆઈડી ક્રાઇમે ગાંધીનગર ખાતે ગુનો નોંધાયો હતો. જેમાં સંભવિત આરોપીઓ તરીકે અમરેલી જિલ્લાના તત્કાલીન પોલીસ અધિક્ષક જગદીશ પટેલ, એલસીબીના પોઈ અનંત પટેલ, અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા, સીબીઆઈના પોલીસ ઈન્સપેક્ટર નાયર વગેરે પોલીસ કર્મચારીનો સમાવેશ થયો હતો.

આ અંગેની માહિતી આપતા વકીલ કિશન દહિયાએ કહ્યું કે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 150થી વધુ સાક્ષીઓને તપાસવામાં આવ્યાં હતાં. જેમાંથી 70 સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થયાં છે. આ કેસમાં આરોપી તરીકે વગદાર લોકો હોવાથી સાક્ષીઓને દાબ-દબાણ આપી ફેરવી રહ્યાં હોવાની વાતને કેન્દ્રમાં રાખી ભોગ બનનારા સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટે તમામ સાક્ષીઓ અને સંભવિત આરોપીઓની પુનઃ તપાસ થાય તે માટેની દાદ હાઇકોર્ટ સમક્ષ કરી હતી. જેમાં હાઇકોર્ટે નોટિસ આપવા હુકમ કર્યો છે. આગામી સુનાવણી તા. 9-3-2023ના રોજ રાખી છે.

આ કેસમાં નોંધનીય બાબત એ છે કે કુલ 70 સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થયા તેમાં 8 સાક્ષીઓ એવા છે જેમણે મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ 164 મુજબ નિવેદનો આપ્યાં છે, તે પણ હોસ્ટાઇલ થઈ જતાં કોર્ટે પોલીસને ઠપકો પણ આપ્યો હતો.

જે તે વખતે ગુજરાત સહિત ભારતભરમાં ચકચાર મચાવનારા આ બિટકોઇન કેસમાં હાઇકોર્ટે નોટિસ પાઠવવાનો હુકમ કરતાં કાનૂની જંગમાં બિલ્ડર શૈલેષ ભટ્ટનો વિજય થયો છે. શૈલેષ ભટ્ટ તરફે સિનિયર એડવોકેટ ભારતભાઈ નાયક અને કિશન દહિયાએ ધારદાર દલીલો કરી હતી.

Most Popular

To Top