Gujarat

કોરોનાના કારણે સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ

રાજયમાં છેલ્લા બે વર્ષના કોરોના કાળમાં સરકારી નોકરી માટે ભરતી પ્રક્રિયામાં કેટલાય યુવાનો ભાગ લઈ શક્યા નથી. કોરોના સમયગાળા દરમિયાન રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શકયું નથી ત્યારે રાજયના યુવાનોને સરકારી નોકરીઓમાં વધુ તક મળી શકે તે હેતુથી સરકારી નોકરીઓની ભરતી માટેની વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે આજે બપોર પછી પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે સરકારી ભરતીઓ માટે વય મર્યાદાની આ છૂટછાટ તા. ૧ સપ્ટેમ્બર ૨૦૨૧થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ સુધી લાગુ કરવામાં આવી છે.

રાજયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા સીધી ભરતી માટે સ્નાતક કે સમકક્ષની લાયકાતમાં બિન અનામત પુરુષ ઉમેદવારોમાં હાલની ૩પ વર્ષની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરીને ૩૬ વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં બિનઅનામત પુરુષ ઉમેદવારો માટે હાલની ૩૩ વર્ષની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરીને હવે ૩૪ વર્ષ કરવામાં આવી છે.

રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

(1) એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. અને (આર્થિક રીતે નબળા વર્ગો)ની કેટેગરીના પુરુષ ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક કે સમકક્ષ લાયકાત માટેની હાલની વય મર્યાદા ૪૦ વર્ષની છે તેમાં એક વર્ષનો વધારો કરીને ૪૧ વર્ષ કરવામાં આવી છે. જયારે આ કેટેગરીમા સ્નાતકથી નીચેની કક્ષા માટે ૩૮ વર્ષની વયમર્યાદા છે તે વધારીને એક વર્ષ વધારીને ૩૯ વર્ષની કરવામાં આવી છે
(2) મહિલા તરીકે અનામત કેટેગરીની મહિલાઓને 5 વર્ષની છૂટછાટ મળે છે. તે પછી તેમની વય મર્યાદા ૪પ વર્ષની થાય છે. ભરતી નિયમો અંતર્ગત આ છૂટછાટ આપ્યા બાદ આ વય મર્યાદા ૪પ વર્ષથી વધે નહીં તેવી જોગવાઈ હોવાથી મહિલા અનામત કેટેગરીમાં વધારાનો એક વર્ષનો લાભ સિમીત થાય છે.

(3) બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતકથી નીચેની લાયકાત વાળી જગ્યાઓ માટે હાલની ૩૮ વર્ષની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરીને ૩૯ વર્ષ કરવામાં આવી છે. એટલુ જ નહીં સ્નાતક કક્ષાની જગ્યાઓ માટે બીન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં હાલની ૪૦ વર્ષની વયમર્યાદામાં વધારો કરી ૪૧ વર્ષ કરવામાં આવી છે.
(4) એ.સી./એસ.સી./ઓ.બી.સી. અને (આર્થિક રીતે નબળા વર્ગો )ની કેટેગરીના મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક થી નીચેની લાયકાત વાળી જગ્યાઓમાં હાલની ૪૩ વર્ષની વયમર્યાદા વધારીને ૪૪ વર્ષની કરવામાં આવી છે. આવી કેટેગરીમાં સ્નાતક કે સમકક્ષ લાયકાતના કિસ્સામાં વયમર્યાદા ૪પ વર્ષ યથાવત રાખવામાં આવી છે.
(5) રાજય સરકારની સેવાઓ અને જગ્યાઓમાં એસ.સી-એસ.ટી-એસ.ઈ.બી.સી.(આર્થિક રીતે નબળા વર્ગો) તેમજ મહિલા કેટેગરીમાં મહત્તમ નકકી કરેલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ કોઈપણ સંજોગોમાં ૪પ વર્ષથી વધે નહીં તે રીતે નક્કી રવામાં આવેલી છે.

ટેટ પાસ 3300 ઉમેદવારોની ભરતી આવશે

વાઘાણીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અમલી બનાવાઈ છે ત્યારે તેના આધારે ભરતીમા જુદી જુદી ત્રિસ્તરીય ભરતી પરીક્ષા લેવાશે. જેના પગલે ટેટ પાસ ઉમેદવારોને અન્યાય થશે તેવી સરકાર સમક્ષ રજૂઆત આવી હતી. આ સંજોગોમાં ટેટ પાસ ઉમેદવારોને અન્યાય નહીં થાય તે માટે સરકાર દ્વારા ટેટના પરિણામની અવધિ વધારી દેવામાં આવી છે. જેના પગલે હવે સરકાર દ્વ્રારા 3300થી વધુ ટેટ પાસ ઉમેદવારોની ભરતી કરાશે.

Most Popular

To Top