Columns

એક દિવસ તમે તમારો મૂળ ચહેરો જ ગુમાવી બેસો કે તમે તમને જ ન ઓળખી શકો

એક અખબારની આવૃત્તિ શરૂ થઈ ત્યારે તેની એક નાનકડી લોન્ચિંગ પાર્ટી રાખવામાં આવી હતી જેમાં BJPના નેતા પ્રમોદ મહાજન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જાત સાથે સંવાદ કરતા હોય એવા અંદાજમાં કહ્યું હતુ કે, ‘હમ કહાં જાને નિકલે થે ઔર હમ પહુંચે કહાં.’ એ પછી તેમણે કહ્યું હતું કે ભારતના સત્તાકિય સંસદીય રાજકારણમાં ટકી રહેવા માટે સામાધાનો કરવા પડે છે અને એ એવો કૂવો છે જેને તળિયું જ નથી. એક દિવસ તમે તમારો મૂળ ચહેરો જ ગુમાવી બેસો તે ત્યાં સુધી કે તમે તમને જ ન ઓળખી શકો. આ વાત તેમણે મીડિયાને તેનો ધર્મ યાદ કરાવવા માટે કરી હતી. મીડિયાએ નેતાઓને યાદ દેવડાવતા રહેવું જોઈએ કે સાહેબ તમે શું કહેતા હતા અને અત્યારે શું કરો છો.

પ્રમોદ મહાજનને સાંભળ્યા એ પછી અત્યાર સુધીમાં અનેકવાર તેમના કથનની યાદ આવતી રહી છે. આજકાલ અરવિંદ કેજરીવાલને જોઈને તેની વધારે યાદ આવે છે. ઊલટું મનમાં એક બીજો જ પ્રશ્ન પેદા થયો છે. અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન અને તેનું આંદોલન મૂળમાં જ પ્રજાકીય છેતરપિંડીનું કાવતરું હતું કે પછી મહાજને કહ્યું હતું એમ ટકી રહેવા માટે અનિચ્છાએ કરવા પડેલાં સમાધાનોનું પરિણામ છે? આ પહેલાં 1977માં જનતા પાર્ટી વખતે અને 1989માં વી.પી.સિંહના જનતા દળ વખતે પણ દેશને આવો જ અનુભવ થયો હતો.

આ સિવાય રાજ્યોમાં એન.ટી.રામારાવ, રામકૃષ્ણ હેગડે જેવાઓ સાથે પણ પ્રજાના નસીબે છેતરાવાનું આવ્યું હતું. તો પ્રશ્ન એ છે કે જે લોકો મૂલ્યોની મોટીમોટી વાતો કરીને પ્રજાનો વિશ્વાસ રળીને સત્તા સુધી પહોંચે છે એ મૂળમાં જ પ્રજાકીય છેતરપિંડી હોય છે કે પછી સત્તાના પ્રત્યક્ષ રાજકારણમાં અટવાઈ પડેલા હોય છે? બન્ને બાબત ગંભીર છે. ગણતરીપૂર્વકની છેતરપિંડી ગંભીર છે જ પણ સારા માણસને ધરાર સમાધાનો કરવાં પડે એવી રાજકીય સંસ્કૃતિ પણ એક ગંભીર રાષ્ટ્રિય બીમારી છે. મારું એવું માનવું છે કે 1977 નો જનતા પાર્ટીનો પ્રયોગ એક વિશિષ્ઠ પરિસ્થિતિનું પરીણામ હતું. લોકોને ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સામે લોકતાંત્રિક વિકલ્પ જોઇતો હતો અને સમય ઓછો હતો.

જનતા પાર્ટીના નેતાઓએ લોકતંત્રનાં રક્ષણ સિવાય બીજા કોઇ વાયદા નહોતા કર્યા અને લોકતંત્રનું રક્ષણ તેમણે કર્યું પણ હતું. પરંતુ જનતા પાર્ટી વિવિધ અને પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતા પક્ષોનો મેળો હતો અને ઉપરથી પોતાની મૂળ જગ્યા પકડી રાખવાની અને બને તો બીજાના ભોગે પોતાની જગ્યા બનાવવાની રાજકીય પક્ષો પ્રયાસ કરતા હતા. આને કારણે જનતા પાર્ટીનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો હતો. એ પૂર્વઆયોજિત પ્રજાકીય છેતરપિંડીથી નહોતી.

વિશ્વનાથ પ્રતાપસિંહની મૂલ્યો પ્રત્યેની ખેવના શંકાસ્પદ હતી. શબ્દપ્રયોગ તરફ ધ્યાન આપવામાં આવે, શંકાસ્પદ હતી. એક જમાનામાં તેઓ વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં સક્રિય હતા. પોતાની જમીન દાનમાં આપી દીધી હતી. પ્રજાકીય અને માનવતાના પક્ષે ઊભા રહેતા હતા. બહુ સારા કવિ અને ચિત્રકાર હતા જેમાં તેમની સંવેદના પ્રગટ થતી હતી. પણ વી.પી.સિંહ હતા ચાલાક, તેઓ કોંગ્રેસની સામે પડ્યા ત્યારે જ ચંદ્રશેખર જેવા લોકો કહેવા માંડ્યા હતા કે આ માણસ શિયાળને શરમાવે એવો ચતુર છે. એક દિવસ તમારી આંખ ઊઘડશે પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. વિશ્વનાથ પ્રતાપ સિંહની બાબતમાં પણ પ્રજાને છેતરાવાનું આવ્યું હતું.

અરવિંદ કેજરીવાલ અને તેમના ખેલ વિશે મને પહેલેથી જ શંકા હતી અને એ મેં ત્યારે લખ્યું પણ હતું. અત્યારે આમ આદમી પાર્ટી કોઇ પણ દૃષ્ટિએ અનોખી પાર્ટી રહી નથી. દેશના અર્થતંત્રને પાટે ચડાવવા દેવદેવીઓના ફોટા ચલણી નોટ ઉપર છાપવા જોઇએ એમ કહીને તેમણે સાબિત કરી આપ્યું છે કે તેને લાજશરમ નથી. BJPની જેમ કોઈ પણ ભોગે સત્તા જોઇએ છે. ખેડૂત આંદોલન, દિલ્હીમાં કોમી હિંસા, બળાત્કાર જેવી બર્બર ઘટનાઓ, બિલ્કિસબાનુના બળાત્કારીઓ અને તેનાં પરિવારના સભ્યોના હત્યારાઓની મુક્તિ જેવી ગમે તેવી વ્યથિત કરી મૂકે એવી ઘટના હોય એ ભાઈ મૂંગા રહી શકે છે. 10 વર્ષ પહેલાં એ ભાઇ જે કહેતા હતા એ બધું જ ભૂલાઈ ગયું છે.

એ વાતમાં કોઈ શંકા નથી કે 2011 અને એ પછીની ઘટનાઓ કોંગ્રેસને બદનામ કરવાનું કાવતરું હતું. એમાં બાબા રામદેવ અને ઓડિટર ઍન્ડ કન્ટ્રોલર જનરલ વિનોદ રાય પણ ભાગીદાર હતા. બાબા કાળું નાણું ભૂલી ગયા છે અને વિનોદ રાયનો એક પણ આરોપ સાબિત થયો નથી. 1989 માં ટી. ઈન. ચતુર્વેદી નામના CAGએ પણ આ જ રીતે રાજીવ ગાંધીની સરકારના ભ્રષ્ટાચારના આંકડા વધારીને આપ્યા હતા. નિવૃત્તિ પછી BJPમાં જોડાયા અને ગવર્નર તરીકે લાભ લીધા હતા. અરવિંદ કેજરીવાલ અને એ સમયના ભ્રષ્ટાચાર વિરોધીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવેકાનંદ ફાઉન્ડેશનમાં મળતા હતા અને ત્યાં જ તેમની મીટિંગો થતી હતી. આ બાજુ નરેન્દ્ર મોદીએ પોતાની ઇનિંગ શરૂ કરી હતી. ટીમ A અને ટીમ B એમ બન્નેને મેદાનમાં ઉતારવામાં આવી હતી. ગમે તે જીતે ટીમ. 

Most Popular

To Top