Business

ક્રિપ્ટોની દુનિયા: નિયમન વિનાનું, લાલચ જગાડે એવું ભ્રામક વિશ્વ

2018માં સુરતના એક બિલ્ડરે ગુજરાત સરકારને પત્ર લખીને પોતાની પાસેથી કરોડોના બિટકોઈનની ખંડણી લેવાઇ હોવાની જાણ કરી. તપાસ કરતાં બિલ્ડર પોતે જ ખંડણીખોર નીકળ્યા. ગુજરાતનું આ બિટકોઈન કૌભાંડ ખાસ્સું ગાજ્યું. ગુજરાતમાં એક કરતા વધારે ક્રિપ્ટો કરન્સી કૌભાંડ થયા. બિટકનેક્ટ ડૉટ કૉમના માધ્યમથી લોકોને છેતરનારા દિવ્યેશ દરજી પણ સુરતના જ હતા. ભારતમાં અમિત ભારદ્વાજ જેનું નામ વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો પોન્ઝી સ્કીમર તરીકે ગેઇન બિટકોઇન કેસમાં બોલે છે એણે તો લોકોનું કરી નાખ્યું, એનું પણ તબિયત કથળતા મોત થયું.  આપણે ક્રિપ્ટો કરન્સી એટલે કે ડિજિટલ કરન્સીની વાત છેડવી પડી છે કારણકે આ બધા કૌભાંડો થયા, લોકો ક્રિપ્ટોને જાણતા થયા ત્યારથી લઇને આજ સુધી નવી નવી ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં આવી અને જતી પણ રહી.

બિટકોઇન એ ઓરિજિનલ ક્રિપ્ટો કરન્સી છે. છેલ્લા એક વર્ષમાં બિટકોઇનના ભાવ તેના મૂળ ભાવથી 75 ટકા નીચે ગયા છે. જો કે આ માત્ર બિટકોઇન સાથે નથી થયું, બીજી ઘણી ક્રિપ્ટો કરન્સીના ભાવ સડસડાટ તળિયે પહોંચ્યા છે. એક સમયે બિટકોઇનને બીજી કોઇપણ સંપત્તિ કરતાં બહેતર કે એના જેટલી જ મહામુલી કરન્સી ગણવામાં આવતી હતી. અત્યારે એવી હાલત છે કે મોટાભાગના રોકાણકારો ખોટ ખાઇને ચુપચાપ બેઠા છે.

ક્રિપ્ટો કરન્સીની દુનિયાના જાણકારો માટે સેમ બેન્કમેન ફ્રાઇડનું નામ નવું નથી. તેણે એફટીએક્સ.કૉમ (FTX.COM)ની સ્થાપના કરી જે એક મોટું ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ છે – એક એવું પ્લેટફોર્મ જ્યાં લોકો પોતાની ક્રિપ્ટો કરન્સનું ટ્રેડિંગ કરે અને પોતાની કરન્સી સ્ટોર પણ કરે. વિશ્વમાં બીજા ક્રમાંકે ગણાતી 32 બિલિયન ડૉલર્સની ક્રિપ્ટો એક્સચેન્જ કંપનીનું રાતોરાત બાષ્પિભવન થઇ ગયું. આર્થિક વહેવારમાં અનિયમિતતાઓ, ગ્રાહકોની ડિપોઝિટ્સથી પોતાની જ કંપનીની ક્રિપ્ટો કરન્સી ખરીદવાની ચેષ્ટાઓના ગોટાળાએ તેમની પોલ ખુલ્લી પાડી.

એક સમયે જેની સરખામણી વૉરેન બફેટ જેવા માંધાતાઓ સાથે કરાતી હતી તે સેમ નાદારીના રસ્તે છે.  ચેતન ભગત જે મેનેજમેન્ટના વિદ્યાર્થી રહ્યા છે તેમણે ક્રિપ્ટો વિશે એવી ટિપ્પણી કરી કે ક્રિપ્ટો સામ્યવાદ જેવી બાબત છે તે લોકોને વિકેન્દ્રીકરણ દ્વારા સત્તા આપવાની વાત તો કરે છે પણ અંતે સત્તા તો ગણતરીના લોકો પાસે જ રહે છે. ક્રિપ્ટો કરન્સીના ડિજીટલ લેજર – બ્લૉકચેન પર થતી લેવડદેવડ એટલી હદે ભ્રામક નીવડી કે કોણ બ્રોકર, કઇ બેંક, શું કોમોડિટી અને શું કલેક્ટિબલ જેવા પ્રશ્નો વચ્ચેની ભેદરેખા સાવ ઝાંખી જ થઇ ગઇ. પૉન્ઝી સ્કીમનું એક જ લૉજિક હોય છે – પૈસા આવ્યા કરે ત્યાં સુધી પૈસા બન્યા કરે.

FTXની સામે તેના સ્પર્ધક ચાંગપેન્ગ શાઓએ શિંગડા ઉલાળ્યા છે અને એમની લડાઇ ચાલી રહી છે. પરંતુ ક્રિપ્ટોમાં રોકાણ કરાનાર રિટેલ ખરીદદારોની પીડા જુદી છે. તેમણે ભવિષ્યની સંપત્તિને નામ ક્રિપ્ટોમાં રોકાણ કર્યું અને ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં આવેલા કડાકાએ તેમની છાતીના પાટિયા બેસાડી દીધાં છે. રિટેલ રોકાણકારોના રોકાણનું કારણ હોય છે લાલચ. કોઇપણ એસેટનો પરપોટો મોટો થઇ રહ્યો હોય ત્યારે અણધાર્યા વળતરો ભલભલાને લલચાવે. ગ્લોબલ સ્તરે લિક્વિડીટી પાંખી થઇ રહી છે ત્યારે માર્કેટમાં જોખમ લેનારા પણ ઘટશે અને ડિજીટલ કરન્સીના માર્કેટ પર પણ તેની માઠી અસર જ પડશે.

ક્રિપ્ટો અંતે તો એક ડિજીટલ ટોકન છે જે ડિજીટલ પેમેન્ટ સિસ્ટમ માટે વપરાય છે. તેની ખાસિયત એ છે કે તે બેંક પર આધારિત નથી અને લોકો વચ્ચે સીધી જ લેવડ-દેવડ થતી હોય છે. ક્રિપ્ટો ઉત્સાહીઓએ નિયમન, બેંક્સ અને સરકારોના નિયંત્રણોથી પર જઇને મજા પડી ગઇ, પણ એમને યાદ ન રહ્યું કે કરન્સીનું મૂલ્ય શેના લીધે નિયત થાય છે. રૂપિયાની વેલ્યુ ભારત સરકાર કરે તો ડૉલરની વેલ્યુ અમેરિકન સરકારને તોતિંગ સૈન્યની તાકાતને આધારે થાય છે. ક્રિપ્ટો કરન્સીનો આવો કોઇ ટેકો નથી.

ક્રિપ્ટોને કારણે અબજોપતિ બનેલા લોકો પણ છે કારણકે ત્યારે ક્રિપ્ટોમાં લોકોને એવી રીતે વિશ્વાસ બેઠો જાણે કોઇ સંપ્રદાયના વડામાં કે કોઇ કલ્ટમાં બેઠો હોય. આખરે ક્રિપ્ટોનો ફુગ્ગો ફૂટ્યો, આ વખતે FTXને કારણે ફૂટ્યો અને હવે ક્રિપ્ટોમાં કૂદી પડનારા ઓછા હશે એ ચોક્કસ. આર્થિક રોકાણોમાં સલામતી અને કેલ્ક્યુલેટેડ રિસ્કની સલાહ આપનારાઓના મતે ક્રિપ્ટો કોઇ રોકાણ નથી, એમાં ન પડવું જોઇએ. ઝડપથી પૈસા ક્યારેય નથી કમાઇ શકાતા અને પૈસા કમાવાની જુની રીતોમાં કશું જ ખોટું નથી કારણકે તેમાં આપણને એક ખાતરી અને બાંહેધરી મળે છે. જ્યાં નિયમન અને સરકાર મુક્ત વહેવાર હોય છે ત્યાં સૌથી વધુ ગોટાળા થાય છે.

પેન્ડેમિક દરમિયાન ક્રિપ્ટોએ સ્પીડ પકડી. આ સંજોગોમાં તેને લગતા નીતિ નિયમો હજી બરાબર ઘડાયા નહોતા. જે લોકો અતિ-ઉત્સાહિત થઇને ક્રિપ્ટોના ખરીદ-વેચાણમાં પડ્યા તેમને હજી તેની સાથે જોડાયેલું જોખમ ખબર નહોતી. જો બેંક ફડચામાં જાય તો સરકાર મદદ કરે પણ ક્રિપ્ટોને મામલે તો કોઇ એવું બૅક-અપ કે સપોર્ટ સિસ્ટમ જ નથી. કસ્ટમર સર્વિસને ફોન કરીને હેક્સને ઉલટાવી નથી શકાતા કે ખોટા ફંડ્ઝને પાછા નથી મેળવી શકાતા. ક્રિપ્ટો એક્સચેન્જને સરકારી બેલ-આઉટ પણ નથી મળવાનું. આમ તો ઘણા ક્રિપ્ટો પ્રોજેક્ટ મોતના કુવામાં ધકેલાયા પણ FTXનું પતન આંખે ઊડીને વળગે એવું છે. બેંકમેનની કરતૂતોને પગલે આખી ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી શંકાના ઘેરાવામાં આવી ગઇ. FTXની પડતી એવા સમયે આવી જ્યારે ટૅક સ્ટોક્સમાં કડાકો બોલાયો છે.

એમેઝોન, ટ્વીટર અને મેટા જેવી કંપનીઓએ છટણીના મામલે ભૂકો બોલાવી દીધો છે. વળી આર્થિક સદ્ધરતા ટકાવી રાખવા માટે ટૅક કંપનીઓના વ્યાજ દરો એવા પણ નથી કે નાણાં ઉછીના લઇ શકે. પેન્ડેમિકને કારણે છેલ્લા 2 વર્ષમાં ઉછાળો આવ્યો હતો તે શમી રહ્યો છે. હાલમાં વ્યાજના દર પણ ઊંચા છે જે કંપનીઓના વેલ્યુએશન અને કેપિટલ એક્સેસમાં નડરત બન્યા છે. લિક્વિડીટીની કટોકટીની સીધી અસર ક્રિપ્ટોકરન્સીની દુનિયા પર થાય જ. ક્રિપ્ટોમાં ઝંપલાવનારાઓએ વિચારવું રહ્યું કે નવી, હજી જેની ક્ષમતા પુરવાર નથી થઇ એવી અને જે હજી અનિયંત્રિત છે તેવી અસ્ક્યામતો પર તેઓ નિવૃત્તિની યોજના માટે આધાર રાખે એ કેટલું યોગ્ય? આ ક્રિપ્ટોની દુનિયામાં એવા એસેટ્સ પણ છે જે ખરેખર તો છે જ નહીં.

બાય ધ વેઃ
તાજેતરમાં જ બર્કશાયર હાથવેના વાઇસ ચેરમેન ચાર્લી મુંગેરે હમણાં એક ઇન્ટરવ્યુમાં ક્રિપ્ટો કરન્સી અને ક્રિપ્ટો કરન્સીવાળાને ઝાટકી નાખતા કહ્યું હતું કે બિટકોઇનને બધું તો બાળવેશ્યાવૃત્તિ જેવું છે. ક્રિપ્ટો હૉટ ગણાય છે એટલે બધા તેમાં ઝંપલાવે છે. તેમણે FTXના સ્થાપક બેંકમેનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ લોકો સંસ્કૃતિના પતનને પ્રોત્સાહન આપી રહ્યા છે. સંપત્તિ વધારવા યેનકેન પ્રકારેણ કંઇપણ કરી છુટતા લોકો માટે મુંગેરનો તિરસ્કાર આ વાતચીતમાં દેખાઇ આવતો હતો. ક્રિપ્ટો રિયલ એસેટ છે જ નહીં તેવું તે ભાર દઇને કહે છે અને તેમના મતે ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી એટલે અડધી છેતરપિંડી છે અને બાકી ભ્રમ છે. વૉરેન બફેટે ક્રિપ્ટો વિશે કહ્યું હતું કે તે પોતે ક્યારેય ક્રિપ્ટો કરન્સી નહીં ખરીદે કારણકે અંતે તે એ કોઇને વેચી દેશે કારણ કે એનો બીજો કોઇ ઉપયોગ પણ નહીં હોય.

Most Popular

To Top