Columns

અમેરિકામાં સજાતીય લગ્નને કાનૂની માન્યતા મળી જશે

અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં સજાતીય લગ્નને કાનૂની દરજ્જો આપવામાં આવ્યો છે, પણ રાષ્ટ્રીય સ્તરે તેવો કાયદો ઘડવામાં આવ્યો નથી, જેને કારણે આખા અમેરિકામાં ગે કે લેસ્બિયન યુગલો લગ્ન કરી શકતાં નથી અને બાળકોને દત્તક લઈ શકતાં નથી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા સજાતીય લગ્નના વિરોધી હોવાથી તેમણે અમેરિકાની સંસદમાં તેવો કાયદો પસાર થવા દીધો નહોતો. અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઇડેન જાહેરમાં અનેક વખત સજાતીય લગ્નોની તરફેણ કરી ચૂક્યા છે.

તેમના પ્રયાસોથી જ અમેરિકાની સંસદમાં સજાતીય લગ્ન બાબતમાં કાયદો પસાર કરવાની દિશામાં આગેકૂચ કરવામાં આવી છે. સેનેટે 62-37 મતથી સંસદમાં કાયદો કરવાને લીલી ઝંડી આપી છે. સેનેટમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના 50-50 સભ્યો છે. અમેરિકાના બંધારણ મુજબ ઠરાવ પસાર કરવા ઓછામાં ઓછા 60 મતની જરૂર હતી. તેમાં ડેમોક્રેટિક પાર્ટીના 50 સંસદસભ્યો ઉપરાંત રિપબ્લિકન પાર્ટીના 12 સભ્યોએ પણ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. અગાઉ પ્રતિનિધિ સભાએ આ ઠરાવ 267-157 મતે પસાર કરેલો છે. હવે આવતા સપ્તાહે કોંગ્રેસમાં તેના પર મતદાન થશે. ત્યાર પછી પ્રમુખ જો બાઇડેન તેના પર હસ્તાક્ષર કરશે ત્યારે તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.

કુદરતે સ્ત્રી અને પુરૂષ વચ્ચે આકર્ષણ પેદા કર્યું છે તેને કારણે જ આજે કરોડો વર્ષો પછી પણ માનવવંશ ટકેલો છે. સ્ત્રી અને પુરૂષ બે વિરુદ્ધ ધ્રુવ જેવા છે, માટે તેમના વચ્ચેનું આકર્ષણ નૈસર્ગિક ગણવામાં આવે છે. 2 સ્ત્રીઓ અથવા 2 પુરૂષો વચ્ચેનું આકર્ષણ અકુદરતી જણાય છે. 2 પુરૂષો જાહેરમાં ચુંબન કરે તો કેવું લાગે? જો દુનિયાના બધા સ્ત્રી-પુરૂષો ગે અથવા લેસ્બિયન બની જાય તો સૃષ્ટિમાંથી માનવજાતનો અંત આવી જાય. જેઓ સેમ સેક્સ વચ્ચે લગ્નની હિમાયત કરે છે, તેઓ કુદરતના ક્રમને ઉથલાવવાની બાલિશ ચેષ્ટા કરી રહ્યા છે.

જે સ્ત્રી-પુરૂષો બે સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણનો અનુભવ કરી રહ્યા છે, તેમણે કોઇ સાઇકિયાટ્રિસ્ટની સારવાર લેવી જોઇએ. યુનેસ્કોના આંકડાઓ પ્રમાણે દુનિયાના 179 દેશો પૈકી 89 દેશોમાં હવે સજાતીય સંબંધોને માન્યતા આપવામાં આવી છે, પણ તેમાંના 14 દેશોમાં જ સજાતીય લગ્નોને કાયદેસરનો દરજ્જો આપવામાં આવ્યો છે. એક સમયે ભારતમાં સજાતીય સંબંધોને અપરાધ માનવામાં આવતો હતો અને તેની સજા પણ થતી હતી. દિલ્હી હાઇ કોર્ટના ચુકાદાને પગલે ઇન્ડિયન પિનલ કોડની આ કલમ નાબુદ કરવામાં આવી છે.

ફ્રાન્સની સંસદમાં 136 કલાકની મેરેથોન ચર્ચા પછી 18મી મેના દિવસે ‘સેમ સેક્સ મેરેજ’નો કાયદો પસાર કરવામાં આવ્યો ત્યારે તેની વિરુદ્ધમાં આખા ફ્રાન્સમાં દેખાવો થયા હતા. આ કાયદો પસાર થયો તે પછી ફ્રાન્સની રાજધાની પેરિસમાં એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં એક બાળક સામેલ થયું હતું, જેના હાથમાં પકડાવેલા પ્લે કાર્ડમાં લખવામાં આવ્યું હતું : ‘મારી મમ્મીનું નામ રોબર્ટ છે.’આ બાળક એમ કહેવા માંગતું હતું કે સેમ સેક્સ મેરેજના કાયદા પછી હવે માતા તરીકે પણ પુરૂષને સ્વીકારવાની નોબત આવી જશે. ઇ.સ.1981 સુધી ફ્રાન્સમાં પણ માનવામાં આવતું હતું કે સજાતીય સંબંધો એક જાતની માનસિક બીમારી છે. આજે ફ્રાન્સની 55થી 60 ટકા પ્રજા અને લગભગ તેટલા ટકા સંસદસભ્યો સજાતીય લગ્નોની તરફેણ કરી રહ્યા છે. જોકે ‘સેમ સેક્સ મેરેજ’ને ટેકો આપનારા મોટા ભાગના લોકો ગે યુગલ માટે સરોગસીથી બાળક પેદા કરવાનો કાયદો ઘડવાનો વિરોધ કરી રહ્યા છે.

ફ્રાન્સના વર્તમાન કાયદા મુજબ સરોગસી એટલે કે ટેસ્ટ ટ્યૂબ બેબી માટે કૂખ ભાડે રાખવા ઉપર પ્રતિબંધ છે. આ કાયદા મુજબ જે સ્ત્રી બાળકને જન્મ આપે તે તેની કાયદેસરની માતા ગણાય છે. હવે સજાતીય સંબંધો ધરાવતા યુગલો આ કાયદો બદલવાની માંગણી કરી રહ્યા છે. તેમની માગણી એવી છે કે હોમોસેક્સ્યુઅલ યુગલ પૈકી એક પુરૂષ પોતાનું વીર્યદાન કરીને સ્ત્રીની કૂખ ભાડે રાખે અને તે જે બાળકને જન્મ આપે તેના માતા-પિતા સજાતીય પુરૂષો ગણાય તેમ કરવાની કાયદેસર છૂટ આપી દેવી જોઇએ. આ બાળકનો ઉછેર બે પુરૂષો કરશે, જેમાંથી એક પુરૂષ તેની મમ્મી હોવાનો ડોળ કરશે.

આવી રીતે લેસ્બિયન યુગલો પણ માગણી કરી રહ્યા છે કે તેમને પુરૂષની સહાય વિના બાળકો પેદા કરવાની અને તેમનો ઉછેર કરવાની પરવાનગી આપવામાં આવે. આ સ્ત્રીઓ સ્પર્મ બેન્કમાં જઇને વીર્ય ખરીદી લાવશે, તેના વડે બાળક પેદા કરશે અને તેના મમ્મી-પપ્પાનો રોલ પણ બે સ્ત્રીઓ ભજવશે.  હોલિવૂડની વિખ્યાત અભિનેત્રી એન્જેલિના જોલીએ કેન્સરના ડરથી પોતાનાં બંને સ્તનની સર્જરી કરાવી તેને કારણે ભારતમાં રહેતી કેટલીક લેસ્બિયન મહિલાઓ ઉત્તેજિત થઇ ગઇ છે. આ સ્ત્રીઓ જન્મથી જ એવું માનતી હતી કે ઇશ્વરે ભૂલથી તેમને સ્ત્રીનું શરીર આપી દીધું છે.

આવી સ્ત્રીઓ પણ હવે સર્જરીથી પોતાનાં સ્તન દૂર કરવાની તૈયારી કરી રહી છે. આ દિશામાં પ્રથમ પગલાં તરીકે તેઓ ઓપરેશન કરાવીને સ્તન કઢાવી નાંખે છે, જેનો ખર્ચો આશરે 70,000 રૂપિયા આવે છે. ત્યાર પછી તેમના શરીરમાં પ્લાસ્ટિક સર્જરી કરીને કૃત્રિમ લિંગ બેસાડવામાં આવે છે, જેને જિનાઇટેલ રિકન્સ્ટ્રકશન સર્જરી તરીકે ઓળખવામાં આવે છે. તેનો ખર્ચ આશરે 2.50 લાખ રૂપિયા જેટલો આવે છે. ત્યાર બાદ ‘પુરૂષ’જેવા બનવા માટે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી લેવી પડે છે, જેમાં સ્ત્રીને પુરૂષના હોર્મોનનાં ઇન્જેકશન આપવામાં આવે છે. ઘણી ‘ટ્રાન્સમેન’સ્ત્રીઓ માત્ર સ્તનની સર્જરી કરાવીને જ ‘પુરૂષ’બનવાનો સંતોષ પ્રાપ્ત કરે છે. અમેરિકામાં સેમ સેક્સ મેરેજને માન્યતા આપતો કાયદો બની જાય તે પછી ભારતમાં પણ તેવા કાયદા માટેની માગણી બુલંદ બનશે, તેવી તમામ સંભાવનાઓ છે.

Most Popular

To Top