Dakshin Gujarat

ઓલપાડમાં પોણા ચાર ઇંચ વરસાદ : ખેતરો પાણીથી તરબોળ

ઓલપાડ તાલુકામાં ચોમાસુ જામ્યું હોય તેમ ગુરુવાર રાત્રિથી વરસાદ પડવાનો શરૂ થયો હતો. જેમાં શુક્રવારે 6 વાગ્યાથી સાંજે 4 સુધીમાં તાલુકામાં ધોધમાર પોણા ચાર ઈંચ (92 એમ.એમ) વરસાદ ખાબક્યો ગયો હતો. સમયસર વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આજે સતત અવિરત વરસાદ પડતાં ખેતરો પણ પાણીથી છલકાઈ ગયા હતા. ખેડૂતોએ ખેતર ખેડી ચોમાસું ડાંગરના ધરુ માટે તૈયાર કરી ધરુ નાંખી દીધા હતા. તો ધરુને પણ વરસાદી પાણી મળ્યું હતું. જ્યારે તાલુકામાંથી પસાર થતી ખાડીઓમાં નવા નીર ઉમેરાયા હતા. ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ પડતાં ખેતરો છલકાઈ ગયા તો તાલુકાની સેના ખાડી ઉભરાઈ
ગઈ હતી.

બારડોલીમાં વરસાદનું આગમન અડધો ઇંચ પાણી પડ્યું
સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી થઈ રહેલી મેઘમહેરને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરવાની સાથે ખેડૂતોમાં પણ ખુશીની લહેર ઊઠી હતી. વાવણીની રાહ જોઇને બેઠેલા ખેડૂતોએ ધીમી ધારે વરસી રહેલા વરસાદથી રાહત અનુભવી હતી. સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ચૂક્યો છે. ગુરુવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ પધરામણી કરી હતી. વારે બીજા દિવસે પણ સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, કામરેજ અને મહુવા પંથકમાં આખો દિવસ ધીમી ગતિએ વરસાદ વરસતો રહ્યો હતો. બારડોલી શહેર અને તાલુકામાં વરસી રહેલા વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી પાણી થઈ ગયું હતું.

નીચાણવાળા વિસ્તારોમાં નજીવો વરસાદ પડતાં જ ખાડા ખાબોચિયાં ભરાઈ જતાં લોકોને હાલાકી વેઠવી પડી હતી. આખો દિવસ વરસતા વરસાદે સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત કર્યું હતું. બારડોલીમાં સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. સાર્વત્રિક વરસાદને પગલે વાવણીની રાહ જોઇને બેઠેલા ખેડૂતોના ગાલ પર પણ લાલી આવી ગઈ હતી. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોએ પણ ખેતરો તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે સારો વરસાદ થાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યાં છે.

Most Popular

To Top