Editorial

આ વખતની વિધાનસભાના ચૂંટણી જંગમાં પાટીદાર મતદારો જ કેન્દ્રસ્થાને હશે

જે ગુજરાતમાં એક સમયે ક્ષત્રિયોનો દબદબો હતો ત્યાં હવે પાટીદારોનો દબદબો વધી રહ્યો છે. ગુજરાતમાં 15 ટકાથી પણ વધારે વસતી ધરાવતા પાટીદાર સમાજનું વર્ચસ્વ આશરે 50 બેઠક પર હોવાથી દરેક રાજકીય પક્ષ ગુજરાતમાં પાટીદારોને મનાવવા માટે બેઠો છે. ભૂતકાળમાં પાટીદારો કોંગ્રેસની સાથે હતા, બાદમાં કેશુભાઈ પટેલે પાટીદારોને ભાજપ તરફી કરી દીધા હતા. પાટીદારોનો સાથ છૂટી જતાં કોંગ્રેસ સત્તા વિનાની થઈ ગઈ હતી પરંતુ બાદમાં નરેન્દ્ર મોદીએ ભાજપનો કબજો લઈ લીધા બાદ પાટીદારો ફરી અસમંજસની સ્થિતિમાં છે. ખુદ કેશુભાઈ પટેલે નરેન્દ્ર મોદી સામે મોરચો માંડ્યો હતો પરંતુ ફાવ્યા નહોતા. નરેન્દ્ર મોદી પાટીદારોની સામે અન્ય જ્ઞાતિઓને ભેગી કરીને પોતાની સત્તા જાળવવામાં સફળ રહ્યા હતા. પાટીદાર આગેવાનો દ્વારા ત્યારબાદ પણ મોદી સામે મોરચો માંડવામાં આવ્યો પરંતુ ફાવી શક્યા નથી. અત્યાર સુધી પાટીદારોની ભાજપ સામે નારાજગી છે જ.

અગાઉ 2015માં હાર્દિક પટેલે પાટીદારોની આ નારાજગીનો લાભ ઉઠાવીને સફળ અનામત આંદોલન કર્યું હતું અને તેને કારણે કોંગ્રેસને સુરત મહાપાલિકામાં 36 બેઠક મળી હતી. જોકે, બાદમાં હાર્દિક પણ કોંગ્રેસથી નારાજ થઈ ગયો અને 2020માં સુરત મહાપાલિકામાં પાટીદારોને કારણે જ આપના 27 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતા. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી. 1995થી શરૂ થયેલી ભાજપની વિજય યાત્રા વચ્ચેના એક-બે અડચણનો બાદ કરતા ગુજરાતમાં અવિરત ચાલી રહી છે. પહેલા નરેન્દ્ર મોદી હતા અને હવે નરેન્દ્ર મોદીના સહારે અન્યો ગુજરાતમાં તરી રહ્યા છે. ઘણા સમયથી સત્તાથી વંચિત રહેવાને કારણે કોંગ્રેસ ગુજરાતમાં ફરી સત્તામાં આવવા માટે તલપાપડ બની રહી છે.

કોંગ્રેસની સૌથી મોટી તકલીફ એ છે કે તેણે ક્યારેય ચૂંટણી જીતવા માટે મહેનત કરવી નથી. જાતજાતના ચોકઠાઓ ગોઠવીને ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસને તેમાં સફળતા મળે છે પરંતુ સત્તા મળતી નથી. કોંગ્રેસે આ કારણે જ ગત ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીનો સાથ લીધો હતો પરંતુ કોંગ્રેસ સત્તાની નજીક પહોંચી શકી, પણ સત્તા મેળવી શકી નહીં. હવે કોંગ્રેસને ફરી નરેશ પટેલના રૂપમાં સત્તાની ખુરશી દેખાઈ રહી છે. નરેશ પટેલ પણ છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં આવવા માટે મથી રહ્યા છે.

ખોડલધામના પ્રણેતા મનાતા નરેશ પટેલ એ સમજી ગયા છે કે ભાજપમાં જઈને ક્યારે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચી શકાય તેમ નથી. જ્યારે આપ ગુજરાતમાં એટલું કાઠું કાઢી શકે તેમ નથી કે તે આપમાં જોડાઈને મુખ્યમંત્રી બની શકે. નરેશ પટેલ હોંશિયાર છે અને એટલે સમજી ગયા છે કે જો ગુજરાતમાં રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહેવું હોય તો કોંગ્રેસમાં જોડાઈ જવામાં જ ભલાઈ છે. જોકે, નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવવા માટે કેટલીક શરતો પણ મુકી છે. આ શરતોને કારણે જ નરેશ પટેલનું કોંગ્રેસમાં જોડાવવાની હજુ સુધી જાહેરાત થઈ શકી નથી.

આમ તો હકીકત એ છે કે હાર્દિક પટેલને કોંગ્રેસ માટે નફરત એમને એમ નથી થઈ. હાર્દિકને ખબર પડી ગઈ હતી કે ગમે ત્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ જશે અને જો નરેશ પટેલ કોંગ્રેસમાં હશે તો કોંગ્રેસમાં તેનો કોઈ ભાવ નહીં પુછે. પોતે નરેશ પટેલની વિરૂદ્ધમાં નથી તેવું બતાવવા માટે હાર્દિકે પોતાની મનસા જાહેર કરી નહીં પરંતુ કોંગ્રેસના નેતાઓ પર દોષનું ઠીકરું ફોડીને હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. ભાજપને પણ જોઈતું જ હતું કે નરેશ પટેલની સામે હાર્દિક પટેલને ‘ઉંટ’ બનાવી શકાય. જોકે, હાર્દિકના ભાજપ પ્રવેશ માટે પણ ભાજપના નેતાઓ નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાણની ક્યારે જાહેરાત થાય તેની રાહ જોઈ રહ્યા છે.

બીજી તરફ હાર્દિક પટેલે રાજીનામું આપી દેતા હવે કોંગ્રેસે નરેશ પટેલને પોતાની સાથે લઈ લેવાની કવાયત તેજ કરી છે. નરેશ પટેલની મુખ્યમંત્રીપદની સાથે સાથે તેમના ઉમેદવારોને ટિકીટ આપવાની શરતો પણ સ્વીકારી લેવામાં આવી રહી છે. બની શકે કે એક-બે દિવસમાં જ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેની જાહેરાત થઈ જાય અથવા તો પાટીદારોનું મોટું સંમેલન યોજીને નરેશ પટેલને શક્તિપ્રદર્શન સાથે કોંગ્રેસમાં પ્રવેશ આપવામાં આવે. જે થાય તે પણ એક વાત ચોક્કસ છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગ પાટીદારોના નામનો જ જામશે. પરંતુ નરેશ પટેલનો કોંગ્રેસ પ્રવેશ કોંગ્રેસ માટે કેટલો સફળ રહેશે તે આગામી દિવસોમાં જ ખબર પડશે તે નક્કી છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top