Comments

કોંગ્રેસમાં સફાઇ ઝુંબેશ, ભાજપમાં પ્રવેશોત્સવ : સૌનો સાથ, સૌનો સ્વાર્થ

ગુજરાતમાં વાતાવરણની ગરમીની સાથે રાજકીય ગરમીની જુગલબંધી બરાબરની જામી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ, ગુજરાત ભાજપ, રાજ્ય સરકાર, વિરોધ પક્ષ કોંગ્રેસ, રાજ્યમાં નવી આગળ વધી રહેલી આમ આદમી પાર્ટી વગેરે સહિત બધ્ધેબધ્ધા ઇલેક્શન મોડમાં આવી ગયા છે. સરકારે જેટલી સમસ્યાઓ હોય, કમર્ચારીઓના અસંતોષ હોય, જ્ઞાતિ-સમુદાયોની માંગણીઓ હોય, સૌને સંગાથે રાખવા સૌને રાજી રાખવાનો રસ્તો અપનાવી લીધો છે. રાજ્યની રાજકીય ક્ષિતિજે છેલ્લાં થોડાં વર્ષ દરમિયાન ઉભરેલા ત્રણ ચહેરા – હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી પૈકીના પ્રથમ બે યુવા નેતાઓની ધાર બુઠ્ઠી કરી દેવામાં ભાજપને સફળતા મળી છે. તેમાંય જેમના આંદોલનને પગલે ભાજપની આનંદીબહેન પટેલની સરકારે ઘણું સહન કરવું પડ્યું હતું એ હાર્દિક પટેલનો કોંગ્રેસમાંથી બરાબરનો મોહભંગ થઇ ચુક્યો છે.

કોંગ્રેસ છોડીને બહાર નીકળનારા બહુ ઓછા નેતાઓ ભાંડણલીલા કરતા હોય છે. કારણ કે ક્યારે કોનો કેટલો ખપ પડે તેનું રાજકારણમાં કંઇ ઠેકાણું હોતું નથી. પરંતુ હાર્દિક પટેલ આખાબોલા નેતા છે. એમણે અસલ શૈલીમાં કોંગ્રેસને બરાબરનું પરખાવીને પાર્ટીમાંથી નારાજીનામું આપી દીધું છે. છેલ્લા થોડા મહિનાઓથી હાર્દિકને કોંગ્રેસમાં ગોઠતું નહોતું. રાહુલ ગાંધી ગયા મહિને દાહોદ આદિવાસી સંમેલન કરવા આવ્યા ત્યારે તેમણે હાર્દિકને મળવાનું ટાળ્યું હતું. પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિકની વરણી થઇ હોવા છતાં પાર્ટીમાં તેમનું વજન નહોતું.

એટલે છેવટે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા કંઇક તો જવું પડે એમ હતું. પરંતુ હાર્દિક જેવા નેતા જાયે તો જાયે કહાં? ભાજપમાં એમ કંઇ દાઢ ગળતી નહોતી(હજુયે કદાચ નથી ગળતી). આમ આદમી પાર્ટીવાળા પણ એમ કંઇ દિલ્હીનું જમના જળ છાંટીને હાર્દિકને લઇ લે એવી ઉતાવળમાં હાલ જણાતા નથી. કોંગ્રેસના ધારાસભ્યોને જે રીતે ફાસ્ટ ટ્રેક ગતિએ ભાજપમાં પ્રવેશ મળી જાય છે ને કમલમમાં લાવીને એમના કેસરિયા ખેસ ઓઢાડી દેવાય છે, એવું હાર્દિકના કિસ્સામાં તત્કાળ શક્ય લાગતું નથી. કારણ કે આનંદીબહેન પટેલના જુથનું ગુજરાત ભાજપમાં હજુ એટલું જ વજન છે ને આ જુથવાળા ભૂતકાળને જલદી ભૂલે એવા નથી.

એટલે અત્યારે તો હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ ઝટ લઇને થતો લાગતો નથી. આગામી 29મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ રાજકોટ પાસેના આટકોટમાં પાટીદાર સમાજના ઉપક્રમે યોજાયેલા હોસ્પિટલના લોકાર્પણ સમારોહમાં આવે તે પહેલા હાર્દિકના ભાજપપ્રવેશનું કંઇક ગોઠવાય તો ઠીક છે. એટલે જ ભાજપના પરોક્ષ રીતે વખાણ કરીને અને કોંગ્રેસની ખુલ્લેઆમ ટીકાઓ કરીને નીકળેલા હાર્દિક પટેલ પાસે ભાજપનું પેલું વગદાર જુથ પાટીદાર અનામત આંદોલન(પરોક્ષ રીતે આનંદીબહેન પટેલ હટાવો આંદોલન) શા માટે અને કોના ઇશારે કર્યું હતું તે મામલે હાર્દિક પાસે નાકલીટી તણાવીને પશ્ચાતાપ કરાવીને એટલે કે માફી મંગાવીને પછી ભાજપપ્રવેશ કરાવે એવી પૂરી સંભાવનાઓ જણાય છે.

રાજકીય ગલીયારાઓમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે હાર્દિક પટેલે કોંગ્રેસ એટલા માટે છોડી કે દિગ્ગજ પાટીદાર નેતા નરેશભાઇ પટેલ કોંગ્રેસમાં પ્રવેશી રહ્યા છે. આ વાત થોડી પણ સાચી હશે કે નહીં પરંતુ નરેશભાઇ પટેલનું કોંગ્રેસમાં જવાનું ગોઠવાતું નથી એ પણ એટલી જ સત્ય હકીકત છે. કારણ કે ગુરુવારે કોંગ્રેસનું સૌરાષ્ટ્ર કક્ષાનું સંમેલન રાજકોટમાં યોજાયું હતું, ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા સહિતના સંખ્યાબંધ કોંગ્રેસી નેતાઓ નરેશભાઇ પટેલના ફાર્મ હાઉસ પર એમને મળવા ગયા. પણ કહે છે કે નરેશભાઇએ એમને બહુ ભાવ ન આપ્યો.

ચા-પાણી પીવા માટે માત્ર દસેક મિનિટ અનૌપચારિક મુલાકાત કરી પણ કોંગ્રેસ પ્રવેશનું કંઇ નક્કર બહાર ન આવ્યું. રાજકારણમાં પ્રવેશવા છેલ્લા કેટલાય મહિનાઓથી પક્ષ અને સમયની પસંદગીમાં અટવાયેલા નરેશભાઇએ કોંગ્રેસના આટલા બધા નેતાઓનું ધાડું સામે ચાલીને મળવા આવે છતાં બહુ ભાવ નહીં આપ્યો એની પછવાડેના રહસ્યો ખુદ કોંગ્રેસની નેતાઓને પણ સમજાતા નથી. નરેશભાઇએ રાજકારણમાં પ્રવેશવું (જ) જોઇએ એવું માની રહેલા નરેશભાઇના સાથીદાર પાટીદાર આગેવાનો પણ કદાચ સમજ્યા નહીં હોય. પણ ખુદ નરેશભાઇ જેવા વગદાર નેતા જે રીતે આ મામલે ઇન્ટ્રોવડ થઇ ગયેલા જણાય છે તે જોતા અંદરખાને કંઇક મોટું રંધાઇ રહ્યું હોવાનું લાગે છે.

નરેશભાઇના પગમાં એકદમ બેડી આવીને પડેલી જણાય છે. અનેકવાર નરેશભાઇને ભાજપમાં આવવાના ઇજન આપી ચુકેલા ભાજપી નેતાઓ પણ સ્થિતપ્રજ્ઞ થઇ ગયેલા જણાય છે. ઘણા તો પડદા પાછળ એવું પણ કહી રહ્યા છે કે નરેશભાઇ આવશે તો ભાજપમાં નહીં તો કંઇ નહીં. કોંગ્રેસમાં નરેશભાઇ માટે પ્રવેશવાના દરવાજા નાના થતા જાય છે. હાર્દિક પટેલના નારાજીનામા પછી નરેશભાઇ કોંગ્રેસમાં જશે કે નહીં? કઇ પાર્ટીમાં જશે? જલદી જશે કે હજુ યોગ્ય તક જોશે? આવા અનેક પ્રશ્નો અનિર્ણિત છે.

હાર્દિક પટેલ અને નરેશભાઇ પટેલના કિસ્સાઓમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન જે કંઇ બન્યું એનાથી એટલું તો સ્પષ્ટ થઇ ગયું છે કે આ બંનેય પાટીદાર નેતાઓ માટે કોંગ્રેસ તો નહીં જ પણ આમ આદમી પાર્ટીના દરવાજા પણ હવે જાણે સાંકડાં થઇ ગયા છે. નરેશભાઇ ગયા ગુરુવારની ટી પાર્ટી પછી કોંગ્રેસમાં જોડાશે તો એમની સાથે એમના પાટીદાર સમુદાયમાંના કેટલા આગેવાનો રહેશે એ પણ મોટો સવાલ છે. નરેશભાઇ કોંગ્રેસને રમાડી રહ્યાની છાપ પણ ઉપસી રહી છે. આમ, હાર્દિક પટેલ અને નરેશભાઇ પટેલના મામલે જે કંઇ રંધાઇ રહ્યું છે તેને કારણે ગુજરાતના રાજકીય તખ્તે ખાસ્સી હલચલ મચેલી છે. હવે નરેશભાઇ કઇ પાર્ટી જોડે જાય છે, તેના પર કંઇકની મીટ મંડાયેલી છે.

ભાજપવાળા પણ હાર્દિક પટેલનો બરાબરનો દાવ લઇ રહ્યા છે. ભાજપનો કાર્યકર મૌન છે પણ માંયકાંગલો નથી એવા પ્રકારના હાર્દિકના પાટીદાર આંદોલન વખતના સાથીદાર વરુણ પટેલના નિવેદનો ભાજપમાં હાર્દિક પટેલ માટે પ્રવર્તતી માનસિકતાની ગવાહી પૂરે છે. વરુણ પટેલ ઉપરવાળાઓના ઇશારે આવું કહેતા હોવાનું પણ બનવાજોગ છે. હાક થૂ… વાળી સોશિયલ મિડીયાની પોસ્ટ પણ ઘણી પ્રતિકારાત્મક છે.

આમાં બીજો એક સવાલ એવો પણ થઇ રહ્યો છે કે હાર્દિક પટેલને પાર્ટીમાં લેવો પડે એવી તે ભાજપને કોઇ મજબૂરી છે ખરી? આટલી મોટી પાર્ટી હોય, નેતાઓની ફોજ હોય, કાર્યકર્તાઓનું કિડીયારું હોય તેને હાર્દિકની શી અને કેટલી જરૂર છે? કોંગ્રેસવાળા તો માને છે કે અમારે ત્યાં સફાઇઝુંબેશ થઇ રહી છે. જેને જવું હોય તે જાય. બીજી બાજુ ભાજપમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે – ‘સૌનો સાથ, સૌનો સ્વાર્થ’
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top