Columns

લાલ પેન નહિ

નિષ્ઠા ગોલ્ડ મેડલ સાથે ટીચર બની અને તેણે પ્રાઇવેટ શાળામાં મોટા પગારની નોકરી નહિ પણ સરકારી શાળામાં નોકરી સ્વીકારી.તેના મન માં ઘણા બધા વિચારો હતા તેણે ઘણા બદલાવ લાવવાની ઈચ્છા સાથે બાળકોને ભણાવવાની શરૂઆત કરી.તે પોતાની પુરેપુરી શક્તિ લગાડી બાળકોને ભણાવતી …ઘણું બધું સંન્ય જ્ઞાન પણ શીખવાડતી ..જરૂર પ્રમાણે ક્યારેક સમજાવીને તો ક્યારેક કડક થઈને બાળકો પાસેથી કામ લેતી.

તે પોતે દરેક બાળકનું ઘરકામ બરાબર તપાસતી અને દરેક ઝીણામાં ઝીણી ભૂલને પકડી પાડતી અને લાલ પેનથી ગોળાકાર કે અન્ડરલાઇન કરી તે ભૂલ દેખાડતી અને તે સુધારવા માટે કહેતી અને ફરી ભૂલ સુધારીને લખવા કહેતી.તે પોતાના કામમાં બહુ ચોક્કસ હતી અને મહેનતથી બાળકોને ભણાવી રહી હતી. એક દિવસ સ્ટાફ રૂમમાં બેસીને તે બાળકોની નોટબુક તપાસી રહી હતી.

છેલ્લી જ બુક તપાસવાની બાકી હતી ત્યાં તેની લાલ પેનની સહી પૂરી થઈ ગઈ તેને સામે બેઠેલા ટીચર પાસે લાલ પેન માંગી.સામે અનુભવી હંસાબહેન બેઠા હતા તે બોલ્યા, ‘મારી પાસે લાલ પેન નથી આ લાઈટ ગ્રીન ચાલશે??’ નિષ્ઠા બોલી, ‘હંસાબહેન કેવી વાત કરો છો તમારી પાસે લાલ પેન નથી ?’હંસાબહેન બોલ્યા, ‘નિષ્ઠા, હું લાલ પેન વર્ષોથી વાપરતી જ નથી!!!’નિષ્ઠાને નવાઈ લાગી તે બોલી, ‘એ કઈ રીતે શક્ય છે વર્ષોથી તમે ભણાવો છો તો તમે લાલ પેનથી બાળકોની નોટબુક તપાસતા નથી ?’

હંસાબહેન બોલ્યા, ‘નિષ્ઠા, હું બાળકોનું હોમવર્ક બરાબર તપાસું છું પણ લાલ પેનથી નહિ…હું બાળકોની ભૂલો આ પેન્સિલથી બતાવું છું અને આ લાઈટ ગ્રીન પેનથી તેમને જે કઈ સારું કર્યું હોય તે પ્રમાણે રીમાર્ક આપું છું.’ નિષ્ઠા બોલી, ‘કેમ આમ કરો છો ? બધા ટીચરો લાલ પેન જ તો વાપરે છે તો આ બદલાવનું કોઈ ખાસ કારણ..’હંસા બહેન બોલ્યા, ‘બહુ ખાસ કારણ છે …આ લાલ પેનથી ટીચર જયારે ભૂલોની આજુબાજુ ગોળ કે અન્ડરલાઈન કરી બાળકોની ભૂલને ખાસ હાઈલાઈટ કરી દર્શાવે છે તે મારા મત મુજબ બાળકોના મન પર વિપરીત અસર કરે છે.

તેમના માતા પિતા પણ ભૂલો જોઇને બાળકને ધમકાવે છે.હું માનું છું કે ટીચરનું કામ ભૂલો કાઢીને બતાવવા કરતા વધારે તે ભૂલોને સુધારીને દુર કરાવવાનું છે એટલે હું બાળકોની ભૂલ પેન્સિલથી બતાવું છું અને સુધારવાનો મોકો આપું છું.મને વિશ્વાસ છે જે ભૂલને બધાની વછે દેખાડવામાં આવી ન હોય … એકલામાં સમજાવવામાં આવી હોય બાળક તે ભૂલ બરાબર સુધારે છે અને ફરી કરતો નથી .અને જેને બહુ સરસ કર્યું હોય છે તેને હું ગ્રીન રંગથી સારી રીમાર્ક લખી આગળ વધવાની પ્રેરણા આપું છું.લાલ રંગ ડર , અવરોધ અને અટકાવ દર્શાવે છે એટલે હું તેનો ઉપયોગ કરવાથી દુર રહું છું.’નિષ્ઠાને અનુભવી ટીચર પાસેથી એક સુંદર વસ્તુ શીખવા મળી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top