SURAT

દક્ષિણ ગુજરાતમાં ફોરેન કરન્સી એક્સચેન્જના બેનંબરી ધંધા પર કોઈ લગામ નહીં

સુરત : દક્ષિણ ગુજરાતમાં (SouthGujarat) હાલમાં હવાલા તથા ક્રિપ્ટો કરન્સીમાં સંભવત કરોડોનો કારોબાર ચાલી રહ્યો છે. તે પૈકી હાલમાં રોકડ કરન્સીમાં બે થી પાંચ ટકાનો ઉપર નીચે પ્રોફીટ લઇને વેચવાનો ધંધો બારોબાર ચાલી રહ્યો છે. મહિધરપુરા ખાતે આવેલા નાકોડા મની ચેન્જરમાં પ્રતિ દિન પચાસ લાખથી એક કરોડ કરતા વધારે રોકડ કરન્સીનો બે નંબરનો કારોબાર ચાલી રહ્યો છે. પીસીબી પીઆઇ સુવેરા અને એસઓજી પીઆઇ અતુલ ચૌધરીએ ત્વરિત દરોડા કાર્યવાહી કરી હતી. તેમાં ફોરેન સ્ટડી કરવા જતા વિદ્યાર્થીઓ તથા ફોરેનથી આવતા લોકો અહીં મોટા પ્રમાણમાં મની એકસચેન્જ કરતા હોવાની બાતમી મળી હતી.

  • પ્રથમ વખત સુરત પોલીસે 19 .92 લાખનુ ચલણ કબ્જે કર્યું
  • મહિને પાંચ હજાર કરોડનો ધંધો, વિદેશ જતા વિદ્યાર્થીઓ મોટા ખરીદાર
  • બે થી પાંચ ટકા પ્રોફીટ લઇને ખુલ્લેઆમ થાય છે ગેરકાયદે વેપાર
  • વિદેશી ચલણની કોઇ વ્હાઇટ એન્ટ્રી હોતી નથી

નાકોડા મની ચેન્જરમાં નવસારીથી હવાલા કરતી ત્રિપુટી આવવાની હોવાની બાતમી એસઓજીને મળી હતી. તેથી રેલવે સ્ટેશન પર એસઓજી અને પીસીબી દ્વારા સંયુકત વોચ ગોઠવવામાં આવી હતી. તેમાં આરોપી ( 1 ) નિરવ મનોહરલાલ શાહ (ઉ. વર્ષ 29, રહે., આશાપુરી સોસાયટી, વિજલપોર, મૂળ ઉદેપુર રાજસ્થાન) (2) સુરજ લક્ષમણસીંગ રાજપૂત (ઉ. વર્ષ 27, રહે., ગોવિંદ સોસાયટી, શીવાજી ચોક, હનુમાન મંદીર સામે, નવસારી- મૂળ રહે. રાજસ્થાન, ઉદેપુર) (3) મનોજકુમાર કંચનભાઇ આરીયા (વર્ષ 32, રહે. અમી એપાર્ટમેન્ટ, માણેકલાલ રોડ)ને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

વિદેશી ચલણોનો થોકડો જોઇને પોલીસ પણ દંગ થઇ ગઇ

દેશ કરન્સી કિંમત રૂપિયા પ્રમાણે મૂલ્ય
સાઉદી અરેબિયા રીયાલ 36000 7.87 લાખ
ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રે.ડોલર 2,500 1.38 લાખ
થાઇલેન્ડ થાઇબાથ 2 લાખ 4.80 લાખ
અમેરિકા અમેરિકનડોલર 4900ડોલર 4 લાખ
યુએઇ દિર્હામ 205 4577 રૂપિયા
મલેશીયા રીગીટ 10000 1.80લાખ

બે થી પાંચ ટકાના અપ ડાઉન ભાવે લે-વેચ થાય છે બજારમાં
દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે ફોરેન સ્ટડી માટે જતા વિદ્યાર્થીઓને જોઇએ તેટલા વિદેશી નાણાં આપવામાં આવે છે. આ નાણાં બેનંબરમાં અપાય છે. તેની કોઇ એન્ટ્રી હોતી નથી, બજારભાવ કરતા બેથી પાંચ ટકા વધારે ભાવ લેવામાં આવે છે. તેજ રીતે લગ્નસરામાં જયારે વિદેશથી એનઆરઆઇ આવે છે ત્યારે બે થી પાંચ ટકા ઓછા ભાવે આ ડોલર ખરીદવામાં આવે છે.

નવસારી તથા સુરતમાં સો કરતા વધારે મની ચેન્જર બેધડક ધંધો કરે છે
દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી નવસારી અને સુરતમાં સો કરતા વધુ મની ચેન્જરો આવ્યા છે. જે સરેઆમ આ ધંધો કરે છે. તેમાં ઇડી સહિત અન્ય સરકારી એજન્સીઓની મોટી સેટીંગબાજી હોવાની વાત છે. અલબત નાકોડા પર એસઓજી અને પીસીબીએ દરોડા કરતા હાલમાં નાણા બજારમાં ભારે ટેન્શન વ્યાપી ગયું હોવાની વિગત જાણવા મળી છે.

જાણકારો કહે છે આ પોલીસનો ફલોપ શો છે
શહેરમા મની ચેન્જરના જાણકાર લોકોનુ કહેવુ છે કે તેઓ દ્વારા જે ધંધો કરાય છે તેની તમામ એન્ટ્રી હોય છે. આ ઉપરાંત જો એન્ટ્રી ન હોય તો પણ સરળતાથી મેળવી લેવાય છે. ભૂતકાળમાં આજ રીતે મુંબઇ ઇન્કમટેકસ દ્વારા કરોડો રૂપિયા ભરીને લઇ જતી ટ્રકને પકડવામાં આવી હતી પરંતુ તેના તમામ લેવડ દેવડના પૂરાવા આપતા મુંબઇ ઇન્કમટેકસના ટોચના અધિકારીઓએ ઘરે બેસવાનુ આવ્યુ હતુ. અલબત પોલીસ આ મામલે કેટલુ સાચુ સાબિત કરી શકે છે તે જોવાનુ રસપ્રદ થઇ જાય છે.

Most Popular

To Top