SURAT

93 વર્ષથી સુરતીઓના ઉત્સવોને સુરીલા બનાવે છે શાંતિલાલ એન્ડ સન્સના વાદ્ય સાધનો

ગાયન, વાદન અને નૃત્ય એ ત્રણેયના સમન્વયને સંગીત કહેવામાં આવે છે. કોઈપણ ઉત્સવ હોય કે લગ્ન પ્રસંગ કે પાર્ટી એ બધાજ સંગીત વગર નિર્જીવ બની જાય છે. સંગીતના સુરથીજ ઉત્સવો સુરીલા બને છે. કહેવાય છે કે વૈદિક કાળથી જ તબલા ભારતીય સંગીતનો હિસ્સો છે. તબલાને બાયુની જોડી કહેવામાં આવે છે. કદાચ આ વાતથી ઘણા લોકો અજાણ હશે કે તબલાને ફિમેલ અને બાયુને મેલ ગણવામાં આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિના ગીતો-ગરબા અને રાસમાં ઢોલનું મહત્વ અનેરું છે. રાજાશાહીમાં પણ લોકોને સંદેશ પહોંચાડવા કે વાત કહેવા પહેલા ઢોલ વગાડીને લોકોનું ધ્યાન ખેંચવામાં આવતું. આમ વાદ્ય સાધનોનું પણ અદકેરું મહત્વ રહ્યું છે. ભાગળ સ્થિત ડબગરવાડ પતંગ, છત્રી અને સંગીતના સાધનો માટે જાણીતું છે. અહીં 93 વર્ષથી સ્થિત શાંતિલાલ એન્ડ સન્સ પેઢીનાં સંગીતના સાધનો સુરતીઓના ઉત્સવોને સુરીલા બનાવી રહ્યાા છે. આ પેઢીનાં સ્થાપક સુરતમાં ક્યાંથી આવ્યા હતા? આજે પણ આ પેઢીનાં સંચાલકો તબલા, ઢોલ વગેરે ચર્મ વાદ્ય સાધનો જાતે જ કેમ બનાવે છે? શહેરની ઘણી સ્કૂલો વિદ્યાર્થીઓને સંગીત શીખવાડવા આ પેઢીનાં વાદ્ય સાધનો પર કેમ પસંદગી ઉતારે છે? તે આપણે આ દુકાનની ચોથી અને પાંચમી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ….

વંશવેલો
દામોદરદાસ વિઠલભાઈ તબલાવાલા, હરકિશન દામોદરદાસ તબલાવાલા, અમૃતલાલ દામોદરદાસ તબલાવાલા, શાંતિલાલ અમૃતલાલ તબલાવાલા, જયરાજ શાંતિલાલ તબલાવાલા, વિજયભાઈ શાંતિલાલ તબલાવાલા, પંકજભાઇ શાંતિલાલ તબલાવાલા, પ્રિતેશ વિજયભાઈ તબલાવાલા

1950માં તબલાની જોડી 5 રૂ.માં વેચાતી હવે 4500 રૂ.માં વેચાય છે: જયરાજભાઈ
ચોથી પેઢીનાં સંચાલક જયરાજભાઈ તબલાવાલાએ જણાવ્યું કે, તબલા અને બાયુ આ બંનેની જોડી 80 વર્ષ પહેલા 1950માં 5 રૂપિયામાં વેચાતી હતી. હવે આ જોડી 4500 રૂપિયાથી માંડીને 14 હજાર રૂપિયામાં વેચાય છે. પખવાજ 7 હજારથી માંડીને 22 હજાર રૂ. સુધીમાં વેચાય છે. બીયો ઔષધી લાકડું છે જે હાલમાં ડાંગમાં થાય છે. બીયો અને સિસમ આ લાકડામાંથી પખવાજ અને તબલા તૈયાર થાય છે એટલે તે મોંઘા છે. વર્ષો પહેલા માટીના બાયુ બનતા જે હવે પણ તે પિત્તળ, તાંબા, સ્ટીલના બનતા થયા. તબલા પર શાહીના મથાળ માટે શાહી એટલે કે પથ્થરનો પાઉડર ભાવનગરથી મંગાવવામાં આવે છે.

90ના દાયકામાં તબલા, ઢોલક, ઢોલકી મુંબઈ વેચવા લઈ જતા: વિજયભાઈ
આ દુકાનની ચોથી પેઢીનાં સંચાલક વિજય શાંતિલાલ તબલાવાલાએ જણાવ્યું કે, મુંબઈમાં પહેલા માત્ર ત્રણ જ દુકાનમાં ઢોલક, તબલા, ઢોલકી વેચવામાં આવતી. એટલે ત્યાંની આ વસ્તુની જરૂરિયાત પૂરી કરવા માટે હું અને મારા ભાઈ જયરાજ તબલા, ઢોલક અને ઢોલકી જાતે ટ્રેનમાં મુંબઈ લઈ જતા અને વેચતા હતા. આ વાત 1990 આસપાસની છે ત્યારે ઢોલકી 550 રૂપિયામાં વેચવામાં આવતી. અમારા તબલા અને ઢોલક લંડનના લસ્ટરમાં અને કેનેડા વર્ષમાં એકવાર કુરિયર થ્રુ ફ્લાઈટમાં જાય છે. નવેમ્બર, ડિસેમ્બરમાં વિવિધ દેશોમાંથી સુરત આવતા N.R.I. સંગીતના સાધનો લેવા પણ અમારી દુકાને આવે છે.

લોકોને સંગીતમાં ઇન્ટરેસ્ટ વધતા વાજિંત્રોનું વેચાણ વધવા લાગ્યું છે: પ્રિતેશભાઈ
પાંચમી પેઢીનાં સંચાલક પ્રિતેશભાઈ (પપ્પુભાઈ) તબલાવાલાએ જણાવ્યું કે, પહેલાં શહેર નાનું હતું એટલે ગ્રાહકો ઓછા હતા. પણ હવે સુરત શહેર ખાસ્સું મોટું બન્યું છે અને જનસંખ્યા વધી છે. વળી, લોકોમાં સંગીત પ્રત્યે રુચિ વધી છે એટલે વાજિંત્રોનું વેચાણ વધ્યું છે. હું પોતે પણ તબલા વગાડતા શીખ્યો છું. કોરોનામાં એક વર્ષ ગણેશ ઉત્સવ અને નવરાત્રી થઈ નહોતી શકી એટલે ત્યારે વાજિંત્રોનું વેચાણ થયું જ નહોતું. કોરનામાં જ્યારે બીજા વર્ષે લિમિટમાં જ ઉજવણી માટે પરમિશન અપાઈ હતી ત્યારે થોડું ઘણું વેચાણ થયું હતું. લગ્ન પ્રસંગોમાં, નવરાત્રી અને ગણેશ ઉત્સવમાં વાજિંત્રોનું વેચાણ વધી જતું હોય છે.

હરકિશનદાસે ભાઈના દીકરા શાંતિલાલને તબલા બનાવતા શીખવાડ્યું
દામોદરદાસ તબલાવાલાને બે પુત્રો હરકીશન અને અમૃતલાલ હતા. હરકિશનદાસને બે પુત્રીઓ હતી તેઓ ભાઈ અમૃતલાલના પુત્ર શાંતિલાલને પોતાનો દીકરો હોય તેમ સાચવતા હતાં. હરકિશનદાસ સુરતના સુપ્રસિદ્ધ તબલવાદક હતાં તેમના તબલા વાદનના પ્રોગ્રામ થતાં હતાં. તેમની પાસે કલાકારો તબલા બનાવવા આવતા હતાં. તેમણે શાંતિલાલ સાથે મળીને ધંધો વિસ્તાર્યો હતો. તેઓ તબલા, બાયો ઉપરાંત ઢોલક, ઢોલકી, પખવાજ, કચ્છી ઢોલ, મંદિરનું નગારુ બનાવતા અને વેચતા આ બધા જ સાધનો ચામડામાંથી બનાવવામાં આવતા. તેમણે ચામડામાંથી વાદ્ય સાધનો બનાવવાની કળા શાંતિલાલના પુત્ર જયરાજ અને વિજયભાઈને પણ શીખવાડી હતી.

શ્રાવણમાં ડમરુની ડીમાંડ વધી જાય છે
જયરાજભાઈએ જણાવ્યું કે ડમરુ એક એવું વાજિંત્ર છે કે જે દેખાય છે નાનું પણ તેને બનાવવું અઘરું છે તે સમય માંગી લે છે. શ્રાવણમાં કાવડીયાની યાત્રામાં ડમરુ વધારે લઈ જવામાં આવે છે. હવે તો લોકો કારમાં શો માટે પણ ડમરુ રાખતા હોય છે. ગણેશ ઉત્સવમાં ત્રાંસા, ઢોલ, મોટા મંજીરા, નાસિક ઢોલ ( ઉપરનું ફાયબરનું હોય અને બોડી પતરાની હોય), પૂણેરી ઢોલની ડીમાંડ હોય છે. જ્યારે નવરાત્રીમાં કચ્છી ઢોલ, તબલા, ઢોલક, રોટોની ડીમાંડ રહે છે.

50 ટકા સ્કૂલોમાં તબલા અને ઢોલક જાય છે
પ્રિતેશભાઈએ જણાવ્યું કે, શહેરની 50 ટકા સ્કૂલોમાં અમારી પેઢીનાં તબલા અને ઢોલક લઈ જવામાં આવે છે. વળી, રીપેર કરવા પણ અમારી પેઢીમાં જ આ તબલા અને ઢોલક આવે છે. સ્કૂલોમાં સંગીતના કલાસ હોય તેમાં વિદ્યાર્થીઓને વિવિધ વાદ્ય સાધનો વગાડતા શીખવાડવામાં આવે છે. શહેરની સંસ્કાર ભારતી સ્કૂલ, જે.એચ.બી. સરદાર સ્કૂલ, શરદાયતન સ્કૂલ, ડી.પી.એસ. સ્કૂલમાં અમારા વાજિંત્રો જાય છે.

2006ની રેલમાં ચામડા અને લાકડાના ઢોલ અને તબલાને દોઢ લાખ રૂ. નુકસાન થયું હતું
વિજયભાઈએ જણાવ્યું કે, 2006ની રેલમાં શહેરના મોટાભાગના વિસ્તાર પાણીમાં ડૂબ્યા હતા. એ વખતે અમારી દુકાનમાં એક ફૂટ જેટલું પાણી ભરાયું હતું જેમાં ચામડા અને લાકડાના તબલા અને ઢોલનના માલને એકથી દોઢ લાખ રૂ.નું નુકસાન થયું હતું.

સ્થાપક દામોદરદાસ રાજસ્થાનથી આવ્યા હતા
આ પેઢીનાં સ્થાપક દામોદરદાસ તબલાવાલા રાજસ્થાનના ભીમરાડથી 100 વર્ષ પહેલાં ધંધા-રોજગારની તલાશમાં સુરત આવ્યા હતા. તેઓ પહેલાથી જ તબલા બનાવવાનું જાણતા હતા. ડબગરવાડમાં ભાડેથી રહેવાનું શરૂ કર્યું હતું. ઉપર મકાન અને નીચે દુકાન હતી. તે જાતે જ તબલા બનાવતા. તબલા બનાવવા માટે બકરીનું ચામડું કમેલા દરવાજા વિસ્તારમાંથી મેળવતા. આ ચામડાને ચુનાના પાણીમાં પલાળતા પછી લોખંડની પટ્ટીથી સાફ કરતા અને બે દિવસ સુકવતા. આ રીતે તબલાનું ચામડું તૈયાર કરાતું. વાધર (પટ્ટી) ભેંસના ચામડામાંથી તૈયાર કરતા. ચામડું સુકાય પછી તેમાંથી તબલાની પડી બનાવતા હતા. તબલા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા લાકડા મહારાષ્ટ્રના નવાપુરથી મંગાવતા હતા. તબલા પર શાહીનું મથાળ તૈયાર કરતા. તબલાની જોડી બાયુ બનાવવામાં પણ બકરી અને ભેંસની ખાલનો ઉપયોગ કરતા. દામોદરદાસ તેમના 14-15 વર્ષના દીકરા હરકીશન સાથે સુરત આવ્યા હતા અને અહીં માત્ર તબલા અને બાયુ જ બનાવીને વેચતા હતા.

ઇલેક્ટ્રોનિક તબલા ફેલ ગયા છે જ્યારે હાથથી બનાવેલા તબલાની ડીમાંડ છે
પ્રિતેશભાઈએ જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક તબલામાં સાઉન્ડ ક્વોલિટી જળવાતી નથી. જ્યારે હાથે બનાવેલા તબલાની સાઉન્ડ ક્વોલિટી ઉચ્ચ હોવાથી તેની ડીમાંડ વધારે છે. અમારી પેઢીમાંથી ઓલપાડ, હજીરા, મોરા, નરથાણ, દામકા, ભીમપોર, પૂણા-કુંભરીયા, સારોલી, ટિમ્બા, વાંકલ, કોસંબા અને સુરત સિટીના વિવિધ વિસ્તારના ગ્રાહકો અમારા વાજિંત્રો લઈ જાય છે.

Most Popular

To Top