Business

કારમાં છ એરબેગ ફરજિયાત બનાવવા મામલે સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ (New Delhi) સરકારે મોટી કારમાં છ એરબેગ્સ (Air Bags) ફરજિયાત કરવાના પ્રસ્તાવને હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી (Union Road Transport and Highways Minister) નીતિન ગડકરીએ (Nitin Gadkari) જણાવ્યું હતું કે પેસેન્જર કારમાં છ એરબેગ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ હવે 1 ઓક્ટોબર (October) 2023થી અમલમાં આવશે. તેમણે કહ્યું કે ઓટો ઉદ્યોગ (Auto Industries) હજુ પણ પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગડકરીએ એમ પણ કહ્યું કે કોઈપણ પ્રકારના મોટર વાહનમાં મુસાફરી કરતા મુસાફરોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

અગાઉ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે આઠ સીટવાળા વાહનોમાં છ એરબેગ્સ ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આ આદેશ 1 ઓક્ટોબર 2022થી લાગુ થવાનો હતો. ગડકરીએ ટ્વીટ કર્યું કે ઓટો ઉદ્યોગ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને અને વ્યાપક આર્થિક પરિદ્રશ્ય પર તેની અસરને ધ્યાનમાં રાખીને 1 ઓક્ટોબર 2023 થી પેસેન્જર કારમાં ઓછામાં ઓછા છ એરબેગ્સ ફરજિયાત બનાવવાના પ્રસ્તાવને અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મિસ્ત્રીના મૃત્યુને લઈને ચર્ચા શરૂ થઈ હતી
એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું હતું કે વાહન મુસાફરોની સલામતી માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989 માં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વાહનોની સલામતી વધારી શકાય. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું તાજેતરમાં એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તે પછી ખાસ કરીને પાછળની સીટ પર બેઠેલા મુસાફરોની સુરક્ષાને લઈને ચર્ચા ચાલી રહી છે. મિસ્ત્રી મર્સિડીઝ કારની પાછળની સીટ પર બેઠા હતા અને તેમણે સીટ બેલ્ટ બાંધ્યો ન હતો.

આ તારીખથી છ એરબેગ ફરજિયાત રહેશે
કેન્દ્રીય મંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 1 ઓક્ટોબર 2023થી પેસેન્જર કારમાં છ એરબેગ્સ ફરજિયાત બની જશે. 1 ઓક્ટોબર 2023થી બનેલી નવી કારમાં સુરક્ષા માટે છ એરબેગ ફરજિયાત હશે.

કંપનીઓ ચિંતિત છે
આ પહેલા કેટલાક કાર નિર્માતાઓએ સરકારના આ નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી. કંપનીઓને ડર છે કે આ નિયમના કારણે કારની કિંમતમાં વધારો થશે અને તેની સીધી અસર કારના વેચાણ પર પડશે. એક અંદાજ મુજબ છ એરબેગ્સ ફરજિયાત બનાવવાથી દરેક સેગમેન્ટમાં કારની કિંમતમાં આશરે રૂ. 20,000નો વધારો થઈ શકે છે.

ગડકરી પહેલા જ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આ મામલે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. થોડા સમય પહેલા તેમણે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કંપનીઓ એક્સપોર્ટ કારમાં છ એરબેગ આપે છે પરંતુ જ્યારે તે જ યુનિટ ભારત માટે બનાવવામાં આવે છે ત્યારે તેમાં માત્ર ચાર એરબેગ આપવામાં આવે છે. એક એરબેગ બનાવવાનો ખર્ચ માત્ર નવસો રૂપિયા આવે છે. જો મોટી સંખ્યામાં ઉત્પાદન થશે તો એરબેગ્સની કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

Most Popular

To Top