Business

નિરવ મોદીનું ભારત પ્રત્યાર્પણ ફરી અટક્યું! યુકેમાં ‘ગુપ્ત કાનૂની કાર્યવાહી’ બન્યું મોટું અવરોધ

ભારતના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડો પૈકીના એક પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ફરાર હીરા વેપારી Nirav Modiના ભારત પ્રત્યાર્પણ મામલે ફરી એકવાર મોટો વિલંબ સર્જાયો છે. યુકે સરકારે ભારતને જાણ કરી છે કે નિરવ મોદીને હાલ ભારત મોકલી શકાય તેમ નથી, કારણ કે તેની સામે કેટલીક “ગુપ્ત કાનૂની કાર્યવાહી” (Secret Proceedings) ચાલુ છે.

અહેવાલો મુજબ ભારત સરકારે અત્યાર સુધી યુકેની તમામ અદાલતોમાં નિરવ મોદીના પ્રત્યાર્પણ સંબંધિત કેસોમાં જીત મેળવી છે. તેમ છતાં, હવે નવી કાનૂની પ્રક્રિયાને કારણે તેનો ભારત પરત આવવાનો માર્ગ ફરી મુશ્કેલ બન્યો છે. યુકે તરફથી આ “ગુપ્ત કાર્યવાહી” વિશે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ સામાન્ય રીતે આવી પ્રક્રિયાઓને આશ્રય (Asylum) અરજી સાથે જોડવામાં આવે છે.

નિરવ મોદી પર પંજાબ નેશનલ બેન્ક સાથે લગભગ 13 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. વર્ષ 2018માં કૌભાંડ બહાર આવ્યા બાદ તે ભારત છોડીને વિદેશ ભાગી ગયો હતો. ત્યાર બાદ ભારતની તપાસ એજન્સીઓ CBI અને EDએ તેની સામે કાર્યવાહી શરૂ કરી હતી.ઉપરાંત માર્ચ 2019માં લંડનમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે યુકેની જેલમાં બંધ છે. વર્ષ 2021માં વેસ્ટમિનિસ્ટર કોર્ટએ ભારતના પક્ષમાં ચુકાદો આપીને નિરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. બાદમાં યુકેના ગૃહ મંત્રાલયે પણ તેની મંજૂરી આપી દીધી હતી. જોકે ત્યારથી નિરવ મોદી સતત અલગ-અલગ કાનૂની દાવપેચો અજમાવી રહ્યો છે.

યુકે હાઇકોર્ટએ તેની અનેક અપીલો ફગાવી દીધી હતી અને ડિસેમ્બર 2022માં તેને યુકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પણ મંજૂરી આપવામાં આવી નહોતી. છતાં, તેણે વારંવાર નવા આધાર રજૂ કરીને પ્રત્યાર્પણ અટકાવવાનો પ્રયાસ કર્યો છે.
અગાઉ પણ યુકેની અદાલતમાં એક “Confidential Impediment” એટલે કે ગુપ્ત કાનૂની અવરોધનો ઉલ્લેખ થયો હતો, જેના કારણે તેની ભારત વાપસી અટકેલી હોવાનું સામે આવ્યું, હવે ફરી એવી જ ગુપ્ત કાર્યવાહીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

મીડિયા અહેવાલો અનુસાર નિરવ મોદીએ યુકેમાં બીજીવાર આશ્રય માંગવાની અરજી કરી હોઈ શકે છે. તે દલીલ કરી રહ્યો છે કે જો તેને ભારત મોકલવામાં આવશે તો તેને માનવ અધિકારોના ભંગ અને કસ્ટોડિયલ ટોર્ચરનો સામનો કરવો પડી શકે છે. તેના વકીલોએ યુકે કોર્ટમાં જણાવ્યું હતું કે ભારતમાં તેને યોગ્ય સુરક્ષા નહીં મળે.બીજી તરફ ભારત સરકારે યુકે કોર્ટમાં સ્પષ્ટ ખાતરી આપી છે કે નિરવ મોદીને કાયદેસર અને માનવ અધિકારોને અનુરૂપ વ્યવહાર આપવામાં આવશે. ભારતે તેની જેલ વ્યવસ્થા અને સુરક્ષા સંબંધિત અનેક દસ્તાવેજો પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.

નિરવ મોદી ઉપરાંત તેના મામા Mehul Choksi પણ આ જ PNB કૌભાંડમાં આરોપી છે. બંને સામે મની લોન્ડરિંગ, છેતરપિંડી અને સરકારી બેન્કને હજારો કરોડનું નુકસાન પહોંચાડવાના આરોપો છે. હાલ ભારત સરકાર નિરવ મોદીના પ્રત્યાર્પણ માટે યુકે સરકાર સાથે સતત સંપર્કમાં છે. પરંતુ હવે “ગુપ્ત કાર્યવાહી”ને કારણે સમગ્ર પ્રક્રિયા ફરી અનિશ્ચિત બની ગઈ છે. ભારતમાં તપાસ એજન્સીઓ અને જનતા બંને લાંબા સમયથી તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ કાનૂની જટિલતાઓને કારણે આ મામલો હજુ પણ અટવાયેલો જ દેખાઈ રહ્યો છે.

Most Popular

To Top