Dakshin Gujarat

પોક્સો વિથ મર્ડરના આરોપીને પકડવા નવસારી પોલીસે સલુનમાં દાઢી કરાવવા જવું પડ્યું

નવસારી: (Navsari) નવસારી ટાઉન પોલીસે (Police) બાતમીના આધારે નવસારીના પોક્સો વિથ મર્ડરના ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

  • હેર સલુનની દુકાનમાં ગ્રાહક બની પોલીસે દાઢી કરી રહેલા પોક્સો વિથ મર્ડરના આરોપીને ઝડપી પાડ્યો
  • નવસારીની સગીરાને ફસાવ્યા બાદ તે ગર્ભવતી બનતા અપહરણ કરી રાજસ્થાન લઈ ગયા
  • સગીરાએ બાળકીને જન્મ આપતા ભાઈ સાથે મળી નવજાતને મારી નાંખી લાશને દાંટી દીધી હતી

મળતી માહિતી મુજબ, ગત 2023માં મોતીલાલ નીમ્બારામ નાઈએ એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેણી સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. જેના પગલે સગીરા ગર્ભવતી બની હતી. જેની જાણ મોતીલાલને થતા તેમણે સગીરાનું ગર્ભપાત કરાવવાના ઈરાદાથી નવસારીથી અપહરણ કરી રાજસ્થાન લઈ ગયા હતા. જ્યાં સગીરાએ એક નવજાત જીવંત બાળકીને જન્મ આપ્યો હતો. જેથી મોતીલાલ અને તેનો ભાઈ ઓમપ્રકાશ ઉર્ફે ઓમો નીમ્બારામ નાઈ સાથે નવજાત બાળકીને મારી નાંખી પુરાવાનો નાશ કરવા માટે નવજાત બાળકીની લાશને એક કાપડની ગોદડીમાં તથા રૂમાલમાં વીંટાળી રેતીમાં ખાડો ખોદી દાંટી દીધી હતી. જેથી પોલીસે નવસારી ટાઉન પોલીસ મથકે પોક્સો વિથ મર્ડરનો ગુનો નોંધી મોતીલાલ નાઈની ધરપકડ કરી હતી. પરંતુ સહ આરોપી ઓમપ્રકાશ ઉર્ફે ઓમો વોન્ટેડ હતો.

દરમિયાન નવસારી ટાઉન પોલીસે સર્વેલન્સ સ્ટાફ દ્વારા આરોપી ઓમપ્રકાશ ઉર્ફે ઓમોની ટેક્નિકલ માહિતી એકઠી કરી એનાલિસીસ વર્કઆઉટ કરી અને સર્વેલન્સ સ્ટાફની એક પોલીસ તપાસ ટીમ રાજસ્થાન ખાતે રવાના કરવામાં આવી હતી. જે ટીમને ટેક્નિકલ માહિતી આધારે તેમજ હ્યુમન રિસોર્સ આધારે આધારભૂત માહિતી મળી હતી કે, વોન્ટેડ આરોપી ઓમપ્રકાશ ઉર્ફે ઓમો નીમ્બારામ નાઈ પોતાના ગામથી બારેક કિલોમીટર દુર આવેલા રાજસ્થાનના બાલોતરા જિલ્લાના ગીડા તાલુકાના સઉ પદમસિંગ ગામે હેર સલુનની દુકાન ચલાવે છે.

જે બાતમીના આધારે પોલીસે સઉ પદમસિંગના ગામ પોલીસની ટીમ ગઈ હતી. જોકે ગામ મોટું હતું અને ગામમાં દશેક જેટલી હેર સલુનની દુકાન આવી હોવાથી પોલીસ હેર સલુનમાં ગ્રાહક બની દુકાનોમાં આરોપીની તપાસ કરી હતી. દરમિયાન પોલીસને ઓમ હેર આર્ટ નામની દુકાન જોવા મળતા જે દુકાન આરોપીની જણાતા હેર સલુનની દુકાનમાં પોલીસ ગ્રાહક બની દાઢી કરાવવા વેઈટીંગમાં બેસેલા અને ગ્રાહકોની દાઢી કરી રહેલો વોન્ટેડ આરોપી ઓમપ્રકાશ ઉર્ફે ઓમો હોવાનું નક્કી થતા પોલીસે ઓમપ્રકાશ ઉર્ફે ઓમોને ઝડપી પાડી નવસારી ટાઉન પોલીસ મથકે લઈ આવી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top