Dakshin Gujarat

વેસ્મા ઓવરબ્રિજ પાસેથી પોલીસે ઝડપી 2.82 લાખના વિદેશી દારૂ ભરેલી ટ્રક

નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 વેસ્મા ઓવરબ્રિજ (Over Bridge) પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે 2.82 લાખના વિદેશી દારૂ (Alcohol) ભરેલી ટ્રક સાથે એકને ઝડપી પાડયો હતો. જયારે દારૂ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર વેસ્મા ઓવરબ્રિજ પાસેથી ટ્રક (નં. જીજે-24-વી-6141) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 2.82 લાખના વિદેશી દારૂ ભરેલી 1212 નંગ બાટલીઓ મળી આવતા પાટણ જીલ્લાના સમી તાલુકાના સમી મોદીવાસમાં રહેતા અક્રમ ઇકબાલ શેખને ઝડપી પાડયો હતો. જેથી પોલીસે અક્રમની પૂછપરછ કરતા મહારાષ્ટ્ર મુંબઈમાં રહેતા પ્રકાશ (મરાઠી) એ દારૂ ભરાવી આપ્યો હતો અને મનોજભાઈ નામના ઇસમે દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે પ્રકાશ અને મનોજને વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 7 લાખનો ટ્રક અને રોકડા 500 રૂપિયા મળી કુલ્લે 9,82,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

ખારેલ ઓવરબ્રિજ પાસેથી આઇસરમાં જુના ફર્નિચરની આડમાં લઈ જવાતો 2 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર ખારેલ ઓવરબ્રિજ પાસેથી ગણદેવી પોલીસે બાતમીના આધારે આઇસરમાં જુના ફર્નિચરની આડમાં લઈ જવાતો 2 લાખના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડયો હતો. જયારે વિદેશી દારૂ ભરવા વાહન મોકલનાર, વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર, વિદેશી દારૂનો જથ્થો ભરી લાવનાર અને વિદેશી દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ખારેલ ઓવરબ્રિજ પાસેથી એક આઈસર ટેમ્પો (નં. એમએચ-48-સીબી-9856) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને જુના ફર્નિચરની આડમાં લઈ જવાતો 2,20,900 રૂપિયાની વિદેશી દારૂની નાની-મોટી બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે મૂળ યુ.પી. જોનપુર જીલ્લાના મડીયાહુ તાલુકાના દેવાપાર ગાંવમાં અને હાલ મહારાષ્ટ્રના પાલઘર જીલ્લાના વસઈ તીનચોટીનાકા સાતપાડા કામન ગાંવ પાટીલનગરમાં રહેતા સંતોષ વિજયબહાદુર યાદવને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા મહારાષ્ટ્ર વસઈ ગામે રણજીત રાજેન્દ્રપ્રસાદ સરોજે વિદેશી દારૂનો જથ્થો ભરવા વાહન મોકલ્યું હતું.

એક ઇસમે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને એક અજાણ્યો ઇસમ દમણ દેવકા બીચ ઉપર પીકઅપ વાહનમાં ભરી લાવ્યો હતો તેમજ પલસાણા સાબર હોટલ પાસે અજાણ્યા ઇસમે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે ચારેયને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 10 લાખનો આઈસર ટેમ્પો, 5 હજાર રૂપિયાનો મોબાઈલ, રોકડા 10,500 રૂપિયા અને 13 હજાર રૂપિયાનું જુનું ફર્નીચર મળી કુલ્લે 12,49,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top