SURAT

90 વર્ષથી સુરતીઓના હાડકા-હૃદયને મજબૂત રાખે છે નવીન ઓઇલ ડેપોના વિવિધ તેલ

યુવા પેઢી હેલ્થને લઈને વધારે કોન્શ્યસ બન્યા છે. હૃદય, હાડકાને મજબૂત રાખવા અને વાળ તથા સ્કિનને સુંદરતા બક્ષવા કપાસિયા તેલ, નારિયેળનું, સરસિયાનું, સુરજમુખીનું, મક્કાઈનું અને ઓલિવ ઓઈલનું તેલ લેવાનું પસંદ કરે છે. જોકે, અસલના લોકો જેમને પોષણક્ષમ આહારનો ખ્યાલ છે તેઓ આજે પણ સિંગતેલ અને તલનું તેલ ખાવાનંુ પસંદ કરે છે. પહેલાના સમયમાં સિંગતેલનુ઼ં ચલણ ન હોવાથી સુરતીઓ તલનું તેલ જ ખાતા હતા.

સિંગતેલનું ચલણ વધવાથી તલના તેલની ઘાણી બંધ કરવાનો વારો આવ્યો કારણ કે મગફળીનો પાક સાૈરાષ્ટ્રમાં થતો હોવાથી સિંગતેલ ત્યાંથી આવતું અને તે તલના તેલના પ્રમાણમાં સસ્તુ હોવાથી લોકો તેને વધોર પ્રીફર કરવા લાગ્યા. આઝાદી પહેલાં કોટ વિસ્તારમાં 20 ધાણીઓ હતી. બળદને લાકડાના મશીન સાથે જોડી દેવાતા અને તલનું તેલ કાઢવામાં આવતું જે જાડું રહેતું. પણ સમયનું ચક્ર ફર્યું અને ફિલ્ટર્ડ તેલનો જમાનો આવ્યો. લોકો પણ ફિલ્ટર્ડ ઓઇલ તરફ વળ્યા અને ધાણીઓ ધીરે-ધીરે બંધ થતી ગઈ.

આજે તમે ઝાંપાબજાર વિસ્તારમાં ફરો તો તમને એક પણ તેલની ધાણીઓ જોવા નહીં મળે. પણ આજથી 90 વર્ષ પહેલાં આ વિસ્તારમાં મોહન ઓઇલ મિલ નામની તલના તેલની ધાણી હતી. ત્યારે આ પેઢી તલનો જથ્થો કયાંથી મેળવતી? લોકોને શેમાં તેલ જોખીને આપવામાં આવતું? કેમ તેમણે તેલની ઘાણી બંધ કરી? પેઢીનું નામ કેમ બદલીને નવીન ઓઇલ મિલ રાખવામાં આવ્યું? તે આ પેઢીનાં ત્રીજા અને ચોથા સંચાલકો પાસેથી જાણીએ.

સિંગતેલનો જ્યારે જમાનો આવ્યો તલનું તેલ મોંઘું લાગવા લાગ્યું: ધર્મેન્દ્રભાઈ ઘીવાળા
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક ધર્મેન્દ્રભાઈ હરિલાલ ઘીવાળાએ જણાવ્યું કે 60 વર્ષ પહેલા સિંગતેલનો જમાનો આવ્યો. એ સમયે રાજકોટ અને જામનગરથી સીંગતેલ સુરતમાં આવવા લાગ્યું. આ જગ્યાઓ પર મગફળીનું વ્યાપક પાક થતો જેને કારણે રાજકોટમાં સીંગતેલ ઉત્પાદનની મોટી મીલો છે. આ તેલ તલના તેલ કરતા થોડું સસ્તું હતું. વળી, સુરતના આસપાસના ગામોના ખેડૂતોએ અન્ય પાકોમાં વધારે નફો લાગતા તલની ખેતી બંધ કરી હતી. વળી, સિંગતેલની તુલનામાં તલનું તેલ લોકોને મોંઘું લાગવવા લાગ્યું. આ કારણે સુરતમાં તેલની ઘાણીઓ બંધ થવા લાગી.

સિસ્ટમેટિક સેલ્ફ સર્વિસ કરવા સાથે ડોર ટૂ ડોર ડિલિવરીનો આઈડિયા છે: ફેનીલ ઘીવાળા
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક ફેનીલ ઘીવાળાએ જણાવ્યું કે, મેં B.B.A.કર્યું છે. મારો બિઝનેસના વિસ્તાર માટે ડોર ટૂ ડોર ડિલિવરીનો ફ્યુચરનો પ્લાન છે. સિસ્ટમેટી સેલ્ફ સર્વિસ પણ કરવી છે. કોમ્પિટિશનના આ જમાનમાં લોકો અલગ-અલગ પ્રોડક્ટ-વસ્તુઓ એક જ જગ્યા પરથી મળી રહે તે જોઇ રહ્યાં છે. એટલે અમે વિવિધ પ્રકારના તેલ, ઘી, ચા, ખાંડ ઉપરાંત અનાજ-કરિયાણું, કઠોળ, ડ્રાયફ્રૂટ વેચવાનું શરૂ કર્યું છે. અમે આ ધંધા સાથે બીજા ધંધામાં પણ પ્રવેશ કરવા માંગીએ પણ અત્યારે બધે મંદીનો માહોલ છે. અમે લુઝ ઓઇલ પણ વેચીએ છીએ જોકે, તે સમય માંગી લેતી પ્રક્રિયા છે.

હવે સનફ્લાવર અને કપાસિયા તેલનું ચલણ વધ્યું છે
હવે તો લોકો સીંગતેલ પણ ઓછું ખાવાનું પસંદ કરે છે. હેલ્થ પ્રત્યે જાગૃત થયેલા આજના જમાનાના લોકો કપાસિયા અને સનફલાવર ઓઇલ ખાવા તરફ વળ્યા છે. ઓલિવ ઓઇલ હૃદયને મજબૂત રાખતું હોવાથી લોકોને આ તેલ ખાવાનું ગમવા લાગ્યું છે. ધર્મેન્દ્રભાઈ ઘીવાલાએ જણાવ્યું કે હજી પણ અસલ સુરતી લોકો તલનું તેલ ખાવાનું પસંદ કરવા લાગ્યાં છે.

દુકાનમાં જ બળદ રાખી તલનું પિલાણ કરી તેલ કાઢતા
90 વર્ષ પહેલા આ પેઢીની સ્થાપના મગનલાલ જેઠાભાઈ તેલવાળાએ કરી હતી. પેઢીનું નામ તેમણે તેમના પુત્ર મોહનલાલ પરથી મોહન ઓઇલ મીલ રાખ્યું હતું. એ સમય બળદ ગાડાનો હતો. આ દુકાનમાં જ બળદ રાખી તલનું પિલાણ કરી તેલ કાઢવામાં આવતું. તે જમાનામાં તલનો જથ્થો સિટીની આસપાસના ગામોમાંથી બળદ ગાડામાં મંગાવતા હતાં. તે જમાનામાં લોકો પોતાના વાસણોમાં તેલ લઈ જતા.

હરિલાલભાઈએ તેમના દીકરાના નામ પરથી નવીન ઓઇલ ડેપો નામ રાખ્યું
મગનલાલ તેલવાળાને 8 પુત્ર હતાં. બધા જ દીકરાઓ દુકાનમાં બેસતા. હરિલાલભાઈએ ભાઈઓ સાથે મળીને ધંધાનો વિસ્તાર કરતા ચા, ખાંડ પણ વેચવાનું શરૂ કર્યું હતું. વળી, તેલ લેવા આવતા ગ્રાહકો પણ ખાંડ માંગતા. એ સમયે ખાંડ મહારાષ્ટ્રમાંથી પણ લાવવામાં આવતી. તેમણે ઘી જામખંભાળીયાથી મંગાવી દુકાનમાં વેચવાનું શરૂ કર્યું હતું. 30 વર્ષ પહેલાં સુરતમાં ઓસ્ટ્રેલિયાથી ગાયનું ઘી આવતું. જોકે, લોકોને એ વાતનો ખ્યાલ નહીં હતો. હરિલાલભાઈ ધંધામાં તેમના ભાઈઓથી છુટા પડયા બાદ તેમની દુકાનનું નામ તેમના દીકરાના નામ પરથી નવીન ઓઇલ ડેપો રાખ્યું હતું. તેમના દિકરાઓએ વારાફરતી આ ધંધામાં આવી એમની પેઢી આગળ વધારી. હવે તેમના પુત્ર ધર્મેન્દ્રભાઈ આ પેઢી ચલાવે છે.

પહેલાં એક-બે રૂપિયામાં તેલ મળતું, અઢીથી 5 કિલો તેલ લેનાર ગ્રાહક મોટો ગણાતો
એક જમાનો એવો હતો કે જ્યારે એક જ વખતમાં અઢીથી 5 કિલો તેલ ખરીદનાર ગ્રાહક મોટો ગણાતો. તેઓના ઘરે પિત્તળની બરણીઓમાં તેલ પહોંચાડતા. એ સમયે તેલ એક-બે રૂપિયે કિલો વેચાતું જે ખરીદવું પણ લોકોને મોંઘું લાગતું. 30 વર્ષ પહેલાં 30 રૂપિયે કિલો તેલ વેચાતું. હાલના સમયમાં 15 કિલો તેલનો ડબ્બો 3000 કે તેથી વધારેમાં પડે છે. પહેલાં સુરતમાં રાજકોટથી તેલ આવતું તે ડબગરવાડમાં સૌથી પહેલા આવતું. જયાંથી સુરતના વેપારીઓ તેલ લઈ જતા.

2006ની રેલમાં 8થી 10 લાખ રૂપિયાના માલને નુકસાન થયું હતું
ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું કે, 2006માં સુરતમાં જે ભયંકર રેલ આવી ત્યારે અમારી દુકાનમાં 7થી 8 ફૂટ પાણી ભરાયું હતું. ત્યારે તેલના ડબ્બા પાણીમાં તરવા લાગ્યા હતા. અનાજ-કઠોળ પાણીમાં ખરાબ થયા હતા. પાણી ઉતર્યા બાદ પણ સફાઈમાં સમય લાગ્યો હતો એટલે દુકાન બંધ રાખવાને કારણે આર્થિક ફટકો પડ્યો હતો.

તલને દબાવી કેટલું તેલ નીકળશે તે જાણવાની માસ્ટરી હતી
મગનલાલને તેલવાળાને તલ દબાવી તેલ કેટલું નીકળશે તે જાણવાની માસ્ટરી હતી. મગનલાલના 8 ભાઈઓ હતા. બધા ધંધામાંથી છુટા પડયા હતા અને અલગ-અલગ ધંધો કરવા લાગ્યા. પહેલા અમારી અટક તેલવાળા હતી પણ સ્કૂલમાં આલ્ફાબેટ પ્રમાણે નામ આગળ રહે તે માટે સરનેમ બદલી ઘીવાળા કરી હતી. આજે પણ ઘણા લોકો નવીન ઓઇલ ડેપોને મોહન ઓઇલ મિલવાળા તરીકે જ ઓળખે છે.

2014માં જૂની દુકાનનું ડીમોલિશન થયું
ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું કે, 2014માં SMCએ આ વિસ્તારમાં લાઇનદોરી મૂકી હતી. 30 ફૂટનો રોડ 60 ફૂટનો કરવા માટે દુકાનોના નડતરરૂપ ભાગોનું ડિમોલિશન કર્યું હતું. ત્યારે 74 દુકાનો પર પાલિકાએ હથોડા માર્યા હતાં. અમારી જૂની દુકાનના ભાગનું પણ ડીમોલિશન થયું હતું. અમે ત્યારે પણ લોકોને જરૂરિયાતની વસ્તુ મળી રહે તે માટે પાછળના ભાગે વેચાણ ચાલુ રાખ્યું હતુ.

Most Popular

To Top