SURAT

સની દેઓલના ‘ઢાઈ કિલો કા હાથ’ પર સુરતની નિમિષા પારેખે મહેંદી મુકી ત્યારે..

આમતો બોલીવુડના કોઈ પણ સ્ટાર્સના લગ્ન સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય હોય છે. તેમના લગ્નની એક પણ તસ્વીર બહાર આવે તો તે હવાની ગતિએ બાયરલ થતી હોય છે. હાલમાં ગુરુદાસપુરના સાંસદ અને અત્યારે જેમની ગદર-2 ફિલ્મની રાહ જોવાઇ રહી છે તે બૉલીવુડ સ્ટાર સની દેઓલના ઢાઈ કિલોના હાથ પર મહેંદીના જે ફોટા વાયરલ થયા હતા તે સર્વધર્મ સમભાવની મહેંદી એ સુરતના ફેમસ મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખની કમાલ હતી.

નિમિષા પારેખ આ નામને કોઈ ઓળખાણની જરૂર નથી. તેમની મહેંદીની ડિઝાઇન દેશ-વિદેશમાં ગુંજે છે. સની દેઓલના પુત્ર કરણની વેડિંગ સેરેમની હાલમાં જ 18 જૂને સંપન્ન થઈ. તેના ત્રણ દિવસ પહેલા મહેંદી સેરેમની હતી. દુલ્હા કરણ ઉપરાંત સની દેઓલ, બોબી દેઓલ, કરણની મમ્મી પૂજા દેઓલ, દાદી પ્રકાશ કૌર સહિત 8 સભ્યોના હાથ પર મહેંદી રચવા કઈ રીતે નિમિષા પારેખ દેઓલ પરિવારના બંગલામાં પહોંચ્યા ? કોના-કોના હાથ પર સર્વધર્મ સમભાવ અને નેચરને જોડીને કેવી જાદુઈ મહેંદી રચવામાં આવી તે નિમિષા પારેખે ગુજરાતમિત્ર સિટી પલ્સની ટીમને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવી…

સની દેઓલના હાથ પર સર્વધર્મના સિમ્બોલની મહેંદી કરી
સની દેઓલે મીડિયા સામે પોતાના મહેંદી વાળા હાથ બતાવ્યા હતા. આ ફોટા ખૂબ વાયરલ થયા હતા. નિમિષાએ કહ્યું કે મેં સની દેઓલને મહેંદી કેન્ડલસની ગિફ્ટ આપી હતી. બાદમાં દીપ્તિ ભટનાગરે મહેંદી માટે વાત કરી એટલે સની દેઓલે તૈયારી દર્શાવી. મેં પહેલા ખંડા શીખ ધર્મનું પ્રતીક એવા તલવાર અને ભાલાની, ઓમ, ચાંદ-તારા અને ક્રોસની ડિઝાઇન કરી જે સર્વધર્મ સમભાવને દર્શાવે છે.

ધર્મેન્દ્રના પત્ની પ્રકાશ કૌર મહેંદી માટે ખૂબ ઉત્સાહિત હતા
ધમેન્દ્રના પત્ની પ્રકાશ કૌરે પહેલા શગુનની મહેંદી દુલ્હા કરણના હાથ પર લગાવવા કહ્યું હતું. તેના હાથ પર દ્રીશાનું નામ અને હાર્ટની ડિઝાઇન કરી હતી. સની દેઓલના વાઈફ પૂજા દેઓલે ડેલીકેટ નેચર સાથે ક્નેકટેડ મહેંદીનો આગ્રહ રાખ્યો હતો. તેમના હાથ પર મોર,સ્વસ્તિક, લોટસ, રોઝની ડિઝાઇન કરાવી. જ્યારે પ્રકાશ કૌર આ દરમિયાન કહેતા રહેતા કે મેરા નમ્બર કબ આયેગા? તેમના હાથ પર ફ્લોરલ પેટર્ન અને મોરની ડિઝાઇન કરી હતી.

બોબી દેઓલે ખૂબ હસાવ્યા
બોબી દેઓલે એક જ હાથમાં મહેંદી લગાવી તે પણ દુલ્હા કરણ અને દુલહન દ્રીશા ના નામની. જોકે, 15-20 મિનિટ મહેંદી હાથ પર રાખવાની ધીરજ ન હોવાને કારણે તે કહેવા લાગ્યા આ સમય બહુ છે. એવી કોઈ ટેક્નિક નથી કે તરત મહેંદી સુકાઈ જાય. તેમના બોલવાના હાવભાવથી બધા ખૂબ હસ્યા હતા. ત્યારે મેં કહ્યું મેં તમારી વેબ સિરીઝ આખી રાત બ્રેક લીધા વગર જોઈ હું આટલું કરી શકું તો તમે 15 મિનિટ નહીં આપી શકો ત્યારે પણ બધા ખૂબ હસ્યા હતા.

મહેંદી સેરેમની માટે એક્ટ્રેસ દીપ્તિ ભટનાગરનો આવ્યો હતો ફોન
નિમિષા પારેખે જણાવ્યું હતું કે, આણંદમાં મધુબન રિસોર્ટમાં આયોજિત ઇવેન્ટમાં મારો મહેંદીનો સ્ટોલ હતો. આ ઇવેન્ટમાં એક્ટ્રેસ દીપ્તિ ભટનાગર આવી હતી અને તેણે મારી સાથે મારા મહેંદી પ્રોડક્ટ્સ, કિટ્સ વિશે 20 મિનિટ વાત કરી હતી. તેણે મારી મહેંદી પ્રોડક્ટ્સ યુઝ કર્યા બાદ મને મહેંદી અમેઝિંગ હોવાનો મેસેજ કર્યો હતો. થોડાંક દિવસ દીપ્તિ ભટનાગરે ફોન કરી સની દેઓલના દીકરા કરણના વેડિંગમાં મહેંદી સેરેમનીમાં મને મહેંદી મુકવા માટે બોલાવી હતી. દીપ્તિ ભટનાગરે મહેંદી શ્રીયંત્રની મહેંદી લગાવી હતી.

મહેંદી માટે ડ્રોઈંગ જરૂરી નથી
30 વર્ષથી યુનિક મહેંદીથી લોકોના દિલ જીતી રહેલા નિમિષા પારેખે જણાવ્યું કે, મહેંદી શીખવા માટે બહુ સારું ડ્રોઈંગ જરૂરી નથી. મને સ્કૂલ ટાઇમથી મહેંદીના કોન માટે કુતુહલ હતું. મેં મહેંદી શીખવા કોઈ કલાસ નથી કર્યા. હું ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે તાલીમ લઈ રહી હતી ત્યારે મારા બેસ્ટ ટ્રેનર હિમાદ્રી સિંહાએ મને મહેંદીમાં વનડર્સ ક્રિએટ કરવા માટે પ્રેરણા આપી હતી.

મેં નાનપુરામાં ભાડાની જગ્યામાં મહેંદી સ્ટુડિયો શરૂ કર્યો જેનું નામ “સાક્ષી” રાખ્યું. અને ટેગલાઈન સાક્ષી ધ મહેંદી સ્ટુડિયો મહેંદી ફોર ઓલ રિઝન એન્ડ સીઝન રજીસ્ટર્ડ કરાવી હતી. જોકે ફોરેન કન્ટ્રીઝમાં સાક્ષી નામ બરાબર રીતે ઉચ્ચારાતું ન હોવાથી નવું નામ મહેંદી કલ્ચર રાખવામાં આવ્યું. મારી સંસ્થામાં હું 6 દિવસમાં મહેંદી શીખવાડતી. મને U.S.A. અને U. K. માં મહેંદી કોન્ફરન્સમાં ટીચર તરીકે ઇન્વાઈટ કરવામાં આવી હતી. કોવિડ વખતે મહેંદી બંધ થઈ તેમાં પણ મને ઓપોર્ચ્યુનિટી દેખાઈ મેં ઝૂમ દ્વારા ઓનલાઇન કલાસ કર્યા.

Most Popular

To Top