નડિયાદ સ્વીટકો કંપનીમાં કામદારોના શોષણ મુદ્દે કલેક્ટર કચેરીએ હોબાળો

નડિયાદ: નડિયાદની સ્વીટકો કંપની દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવતું હોવાથી રોષે ભરાયેલાં કામદારોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યુ છે. કંપનીના કામદારો રજુઆત માટે કલેક્ટર કચેરી પહોંચ્યાં હતાં અને જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. નડિયાદ-પીજ રોડ ઉપર આવેલી સ્વીટકો કંપની દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી કામદારો ઉપર શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકારી ધારાધોરણ મુજબ ૮ કલાક નોકરીના ૩૪૦ રૂપિયા પગાર આપવાનો હોય છે. જોકે, સ્વીટકો કંપનીમાં કામદારોને ૮ કલાકને બદલે ૧૨ કલાકની નોકરી આપવામાં આવે છે અને તેના બદલામાં માત્ર ૨૨૫ થી ૨૫૦ જેટલો મામુલી પગાર આપવામાં આવી રહ્યો છે.

દિન-પ્રતિદિન વધતાં જતાં શોષણથી કંટાળેલા કામદારોએ કંપની સામે અવાજ ઉઠાવવાનો શરૂ કર્યો હતો. આથી, સર્વ સમાજ સેનાના સંયોજક મહિપતસિંહ ચૌહાણની આગેવાનીમાં આંદોલનનું રણશીંગુ ફુંક્યું હતું. મહિપતસિંહની આગેવાની હેઠળ કંપનીના કામદારોએ મંગળવારના રોજ ખેડા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ, સૂત્રોચ્ચાર કર્યાં હતાં. તે દરમિયાન, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ કલેક્ટર કચેરી ખાતે કોઈ કામ અર્થે પહોંચ્યાં હતાં. જેથી ન્યાયની આશાએ કામદારોએ આ બંને નેતાઓને રજુઆત કરવાની તૈયારી દર્શાવી હતી. જોકે, કોઈએ કામદારોની રજુઆત સાંભળવાની તસ્દી લીધી ન હતી. ઉલ્ટાનું કામદારોનું ટોળું જોઈને નેતાઓ ગાડીમાં બેસી રફુચક્કર થઈ ગયાં હતાં. જેને પગલે કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કામદારોએ દિવસભર કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અડીંગો જમાવી રાખ્યો હતો અને જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તૈયારી દર્શાવી હતી.

કોંગ્રેસના નેતાઓ સમર્થનમાં આવ્યાં
સ્વીટકો કંપનીના શોષણનો ભોગ બનેલાં કામદારો ન્યાય માટે કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં. તે વખતે ત્યાં હાજર ભાજપના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ કામદારોની રજુઆતો સાંભળવાની તસ્દી લીધી ન હતી. જોકે, બીજી બાજુ ખેડા-આણંદ જિલ્લાના કોંગ્રેસના નેતાઓ કામદારોના સમર્થનમાં આગળ આવ્યાં હતાં.

નેતાઓએ બંગડીઓ પહેરી લેવી જોઈએ : રોષે ભરાયેલી મહિલા કામદારો
કામદારો રજુઆત માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યાં હતાં. તે વખતે કામદારોનું ટોળું જોઈને દેવુસિંહ ચૌહાણ અને પંકજભાઈ દેસાઇ ગાડીમાં બેસી રવાના થઈ ગયાં હતાં. જેને પગલે કામદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલાં કામદારોએ હાય હાય.., હાય હાય..ના નારા લગાવ્યાં હતાં. કેટલીક મહિલા કામદારોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, જો પ્રજાની રજુઆતો સાંભળવાની હિંમત ન હોય તો, આવા નેતાઓએ બંગડીઓ પહેરી લેવી જોઈએ.

કામદારોનું શોષણ થાય છે, છતાં સરકાર ચુપ
કામદારોના સમર્થનમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા મહુધાના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારમાં લોલમપોલ ચાલી રહી છે. મજુરોનું શોષણ થાય છે, કામદારોને સરકારી ધારા-ધોરણ મુજબ પગાર અપાતો નથી, છતાં સરકાર ચુપ કેમ છે તે સમજાતું નથી. સરકાર ગરીબો સામે જોતી નથી. પણ, આ ગરીબ જનતાં ભાજપને ઘેર બેસાડી દેશે તેમાં મિનમેક નથી.

Most Popular

To Top