Vadodara

MSUમાં સત્તાધીશો અને કોમર્સ ફેકલ્ટીના વહીવટી તંત્ર વચ્ચે તાલમેલનો અભાવ :

એટીકેટીની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તા.31 માર્ચ જાહેર કર્યા બાદ તા.25મીથી ફોર્મ સ્વીકારવાનું બંધ કરાયું :

પરીક્ષા ફી ઉપરાંત પ્રતિ વિષયે 500 રૂ. લેટ ફી તરીકે વસૂલાતા વિદ્યાર્થીઓમાં રોષ :

( પ્રતિનિધિ ) વડોદરા તા.26

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશો અને કોમર્સ ફેકલ્ટીના વહીવટી તંત્ર વચ્ચે તાલમેલના અભાવે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. એટીકેટીની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ જાહેર કર્યા બાદ 25મી તારીખે ફોર્મ સ્વિકારવાનું બંધ કરી દેવાતા અને વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા ફી ઉપરાંત પ્રતિ વિષયે 500 રૂપિયા લેટ ફી તરીકે વસૂલવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષના સેમેસ્ટર બીજાના વિદ્યાર્થીઓની એટીકેટીની પરીક્ષા ચોથી એપ્રિલથી શરૂ થાય છે. જે સંદર્ભે કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો દ્વારા બહાર પાડવામાં આવેલ કાર્યક્રમ મુજબ એટીકેટીની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ જાહેર કરાઈ હતી. જોકે યુનિવર્સિટી હેડ ઓફિસના પરીક્ષા વિભાગ દ્વારા 25 માર્ચથી જ ફોર્મ સ્વીકારવાનું બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા ફી ઉપરાંત પ્રતિ વિષયે 500 રૂપિયા લેટ ફી તરીકે વસૂલવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો. જે સંદર્ભે ફેકલ્ટી સત્તાધીશો અને યુનિવર્સિટી હેડ ઓફિસના પરીક્ષા વિભાગ વચ્ચે તાલમેલના અભાવે વિદ્યાર્થીઓ ભોગ બનતા વિદ્યાર્થી આગેવાનોએ ભોગ બનનાર વિદ્યાર્થીઓને સાથે રાખી કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાય સમક્ષ લેટ ફી વસૂલવાની તારીખ 31 માર્ચ કરવાની રજૂઆત કરી હતી. જ્યારે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયે પણ આ સમસ્યામાં તાલમેલ નો અભાવ હોવાનું સ્વીકાર્યું હતું. અને યુનિવર્સિટી હેડ ઓફિસના પરીક્ષા વિભાગના અધિકારી સમક્ષ રજૂઆત કરી વિદ્યાર્થીઓના પ્રશ્નનો નિવેડો લાવવાની ખાતરી આપી હતી.

આ અંગે વિદ્યાર્થી અગ્રણી પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ ફેકલ્ટી અને યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને નોટિસ બહાર પાડવામાં આવી હતી. પરંતુ સેમેસ્ટર 2 એટીકેટીની જે ફી છે તેની વેબસાઈટ 25 મી માર્ચના રોજથી બંધ કરી દેવામાં આવી હતી અને ગતરોજથી જ્યારે વિદ્યાર્થી મિત્રોને ખબર પડી તો તેઓ હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા ગયા તો તેમની પાસેથી 500 રૂપિયા વધારે લેટ ફી ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. પરંતુ દરેક વિદ્યાર્થી આ લેટ ફીનો ચાર્જ આપી ન શકે, કારણ કે મધ્યમ વર્ગના પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓમાં પણ રોષ છે. ફેકલ્ટી ડીન સાથે રજૂઆત કરી છે. ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે.

Most Popular

To Top