Vadodara

વડોદરામાં ભુક્કા બોલાવી દે તેવી ગરમી, તાપમાન 40 ડિગ્રી

  • બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળ્યા
  • આગામી 3 દિવસમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી

ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. રોજ 1 ડિગ્રી તાપમાન વધી રહ્યું છે. મંગળવારના રોજ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું જયારે બુધવારે આ તાપમાન 40 ડિગ્રીને આંબી ગયું હતું. હજુ આગામી 3 દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગરમીના પ્રકોપથી બચવા બપોરના સમયે શહેરીજનો ઘર તેમજ ઓફિસમાં જ ભરાઈ રહ્યા હતા. બપોરના સમયે માર્ગો પણ સુમસામ ભાસી રહયા હતા.

માર્ચ મહિનો અંતિમ તબક્કામાં છે ત્યાં જ ગરમીએ તેનું આકરું સ્વરૂપ બતાવવા માંડ્યું છે. દિવસે ને દિવસે ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરીજનો માટે એપ્રિલ, મે અને જૂન આકરો સાબિત થઇ શકે છે. આ વર્ષે ગરમી તેના તમામ રેકોર્ડ તોડે તેવી સંભાવનાઓ હાલથી જ લાગી રહી છે. ગરમીના પ્રમાણમાં રોજે રોજ વધારો જોવા મળે છે. મંગળવારે શહેરનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું જે બુધવારે 40 ડિગ્રીએ પહોંચી ગયું હતું. રાજ્યના કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અને આગામી 3 દિવસમાં હજુ વધુ ગરમી વધશે તેવી હવામાન વિભાગની આગાહી છે. હીટવેવના કારણે બપોરના સમયે લોકો ઘર અથવા ઓફિસમાં જ ભરાયેલા જોવા મળ્યા હતા. શહેરના માર્ગો બપોરના સમયે સુમસામ જોવા મળી રહ્યા છે. તો નગરજનો બપોરે આકરા તાપથી બચવા મોં તેમજ હાથ ઢાંકીને વાહનો ચલાવતા નજરે પડી રહ્યા હતા. બપોરના સમયે હાલમાં ઠંડા પીણા તેમજ શેરડીના રસનું ચલણ વધ્યું છે. ગરમીથી બચવા લોકો તેનો પણ ઉપયોગ કરી રહ્યા છે. અગાઉ મોડી રાત બાદ ઠંડક પ્રસરતી હતી જો કે હવે તે પણ ઉકળાટમાં પરિવર્તિત થઇ જશે તેવી આગાહી છે.

સયાજીબાગમાં પાણીનો છંટકાવ


ઉનાળાના  બળબળતા તાપથી બચવા શહેરના સયાજીબાગમાં પ્રાણીઓ માટે પણ ઠંડક કરવામાં આવી રહી છે. પ્રાણીઓના પીંજરાની બહાર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. અને બપોરના સમયે તેઓને ગરમીમાંથી રાહત મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાણીઓ પણ ગરમીના કારણે ટ્રસ્ટ થઇ જાય છે. પાલિકા દ્વારા પ્રતિવર્ષ આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ સુચારુ આયોજન કરી દેવામાં આવ્યું છે અને પાણીનો સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

બપોરના સમયે ટ્રાફિક સિગ્નલમાંથી મુક્તિ મળે તેવી માગ

હાલમાં બપોરના સમયે ધોમધખતા તાપમાં વાહન લઈને જવું કપરું સાબિત થઇ રહ્યું છે તેમાંય સિગ્નલ ઉપર એક કે બે મિનિટ ઉભું રહેવું લોકોને પરેશાન કરી મૂકે છે ત્યારે ઉનાળા દરમિયાન બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલ બંધ કરી વાહનચાલકોને રાહત આપવામાં આવે તેવું વાહનચાલકો ઈચ્છી રહ્યા છે. આમેય બપોરના સમયે ટ્રાફિકનું ભારણ હળવું થઇ જાય છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવે તેવી વાહનચાલકો માગ કરી રહ્યા છે.

Most Popular

To Top