Business

મૃત્યુને કારણે લાગતાં સૂતક અંગેની શાસ્ત્રોક્ત માહિતી

સૂતક નિર્ણય
મૂળ પુરુષ (પોતે)થી ગણતાં સાતમી પેઢી સુધી સપિંડ કહેવાય. આઠમી પેઢીથી ચૌદમી પેઢી સુધીના સમાનોદક અને પંદરમી પેઢીથી એકવીસમી પેઢી સુધીના સગોત્ર કહેવાય, સમાનોદક અને સગોત્ર સગાંઓની જાણકારી ભાગ્યે જ કોઈને હોય છે. જેથી ફક્ત સપિંડને લગતાં જનનાશૌચ (જન્મને કારણે લાગતું વૃદ્ધિસૂતક) અને મૃતાશૌચ (મૃત્યુને કારણે લાગતું સૂતક) અંગેની માહિતી દર્શાવેલ છે.

જનનાશોચ
ચાર માસ સુધીના ગર્ભનો નાશ થાય તેને સ્રાવ કહે છે. પાંચમા કે છઠ્ઠા માસ સુધીના ગર્ભના નાશને પાત કહે છે. સાતમા મહિના પછી જે પ્રસૂતિ થાય તેને જન્મ કહે છે. ત્રણ માસમાં ગર્ભનો સ્રાવ થાય તો માતાને ત્રણ દિવસ અને ચાર માસ સુધીમાં સ્રાવ થાય તો માતાને ચાર દિવસ સુધીનું અડકાય નહીં તેવું આશૌચ રહે છે. સ્રાવ થતાં પિતા અને સપિંડોની સ્નાન કરવાથી શુદ્ધિ થાય છે. પાંચમા અને છઠ્ઠા માસમાં પાત થાય તો ‘માતા’ને માસની સંખ્યા પ્રમાણે પાંચ કે છ દિવસ સુધીનું અસ્પૃશ્યરૂપ આશૌચ રહે છે, જ્યારે પિતા ઈત્યાદિ સપિંડોને ત્રણ દિવસ જનનાશૌચ લાગે છે.

સાતમા મહિને પ્રસવ થતાં માતા-પિતા સહિત સઘળા સપિંડોને દસ દિવસનું જનનાશૌચ લાગે છે. જનનાશૌચમાં પિતા સહિત સપિંડોને અડકવામાં દોષ નથી પરંતુ તેઓ દેવકર્મ કરી શકે નહીં. જનનાશૌચમાં પણ માતાને દસ દિવસ સુધી અસ્પૃશ્યતા રહે છે. ઉપરાંત જો પુત્રીનો જન્મ થયો હોય તો ચાલીસ દિવસ સુધી અને પુત્રનો જન્મ થયો હોય તો ત્રીસ દિવસ સુધી માતાને લગ્ન, યજ્ઞોપવીત, વાસ્તુ, નવચંડી જેવાં શુભ કર્મોમાં ભાગ લેવાનો અધિકાર રહેતો નથી.

જનનાશૌચમાં પિતાને દેવકર્મ કરવાનો અધિકાર નથી તેમ છતાં નાલચ્છેદન પહેલાં જાતકર્મ સંસ્કાર તથા દાન આપવા અંગે અધિકાર છે તેમ જ છઠ્ઠા દિવસે જન્મદા, ષષ્ઠીદેવી વગેરેનું પૂજન તેમજ દસમા દિવસે નામકરણ કરવાનો અધિકાર છે.
પિતાને ઘરે દીકરી જો બાળકને જન્મ આપે તો માત-પિતા સહિત ઘરમાં રહેનારને એક દિવસનું જનનાશૌચ લાગે છે. પરંતુ પતિને ઘેર પ્રસવ થાય તો માતા-પિતાને જનનાશૌચ લાગતું નથી.

મૃતાશોચ
મૂતાશૌચવાળાનો સ્પર્શ ક૨વાથી સ્નાન ક૨વું જોઈએ. મૃતાશૌચવાળાને શુભ કર્મ કરવાનો અધિકાર રહેતો નથી.
નામ પાડતાં પહેલાં (દસ દિવસ) બાળક મૃત્યુ પામે તો પુત્ર હોય તો ત્રણ દિવસ અને પુત્રી હોય તો માતા-પિતાને એક દિવસનું સૂતક લાગે, જ્યારે સપિંડો સ્નાન કરવાથી શુદ્ધ બને. નામ પાડ્યા પહેલાં બાળક મૃત્યુ પામે તો તેનું ખનન (ભૂમિમાં દાટવું) કરવું. નામ પાડ્યા પછી ચૌલકર્મ (ત્રણ વર્ષ) સુધીમાં મૃત્યુ પામે તો ખનન અથવા અગ્નિદાહનો વિકલ્પ છે. જેથી ઉંમર અને શારીરિક સ્થિતિ જોઈને નિર્ણય કરવો. દાંત ઉત્પન્ન (સાત માસ) થતાં પૂર્વે બાળક મૃત્યુ પામે તો માતા-પિતાને ત્રણ દિવસનું સૂતક, જ્યારે સપિંડોને એક દિવસનું સૂતક લાગે.

સગાઈ થયા પછી લગ્ન પહેલાં કન્યા મૃત્યુ પામે તો પિતાના સપિંડો અને પતિના સપિંડો બન્ને પક્ષે ત્રણ દિવસનું સૂતક લાગે. પરણાવેલી દીકરી પિતાને ઘેર મૃત્યુ પામે તો માતા-પિતા અને ભાઈઓને ત્રણ દિવસનું સૂતક, જ્યારે કાકાઓને એક દિવસનું સૂતક લાગે. પરંતુ પોતાને ઘેર મૃત્યુ પામે તો માતા-પિતાને ત્રણ દિવસ, ભાઈઓને પક્ષિણી (બે દિવસ અને વચલી એક રાત્રિ), અને કાકાઓને એક દિવસનું સૂતક લાગે. માતા કે પિતાનું મૃત્યુ થતાં પુત્રીને ત્રણ દિવસનું સૂતક. ભાઈ અથવા પરણાવેલી બહેન પરસ્પરને ઘરે અવસાન પામે તો ત્રણ દિવસ પરંતુ અન્ય સ્થળે અવસાન થાય તો પક્ષિણી સૂતક લાગે.

સગા મામા કે મામીના અવસાનથી ભાણેજોને પક્ષિણી સૂતક પરંતુ મામા તરીકેની ફરજ બજાવનાર ઉપકારીમામાના અવસાનથી ત્રણ દિવસનું સૂતક ભાણેજના અવસાનથી મામા તેમજ માસીને ત્રણ દિવસનું સૂતક, પરંતુ ત્રણ વર્ષ કરતાં ઓછી ઉંમરનો ભાણેજ હોય તો પક્ષિણી સૂતક. ભાણીના અવસાનથી મામા અને માસી સ્નાન કરવાથી શુદ્ધ બને. માતામહના અવસાનથી દોહિત્રો અને દોહિત્રીઓને ત્રણ દિવસનું સૂતક, પરંતુ બીજે ગામ અવસાન થયું હોય તો પક્ષિણી સૂતક. માતામહીના અવસાનથી પક્ષિણી સૂતક.

દોહિત્રના અવસાનથી માતામહ તેમજ માતામહીને ત્રણ દિવસનું સૂતક, પરંતુ ત્રણ વર્ષ કરતાં ઓછી ઉંમર હોય તો પક્ષિણી સૂતક. દોહિત્રીના અવસાનથી માતામહ કે માતામહીને સૂતક લાગતું નથી. સાસુ કે સસરાના અવસાન વખતે જમાઈ પાસે હોય તો ત્રણ દિવસ પરંતુ પાસે ન હોય તો પક્ષિણી સૂતક. જમાઈના અવસાનથી સાસુ-સસરાને એક દિવસનું સૂતક અથવા સ્નાનમાત્રથી શુદ્ધિ. પરંતુ પોતાના ઘરે જમાઈના અવસાનથી ત્રણ દિવસનું સૂતક. સાળાના અવસાનથી બનેવીને એક દિવસનું સૂતક પરંતુ બીજે ગામ અવસાન થયું હોય અથવા ત્રણ વર્ષ કરતાં ઓછી ઉંમર હોય તો સ્નાનમાત્રથી શુદ્ધિ. સાળાના પુત્રના અવસાનથી સ્નાન કરવાથી શુદ્ધિ.

માસી કે ફોઈના અવસાનથી ભાણેજો અને ભત્રીજાઓને પક્ષિણી સૂતક. પરંતુ પોતાને ઘેર અવસાન પામે તો ત્રણ દિવસનું સૂતક. ભાણેજ કે ભત્રીજાના અવસાનથી માસી-ફોઈની સ્નાન કરવાથી શુદ્ધિ. પોતાની ફોઈ, માસી અને મામાના પુત્રો એ આત્મબાંધવ કહેવાય છે. પિતાની ફોઈ, માસી અને મામાના પુત્રો એ પિતૃબાંધવ કહેવાય છે અને માતાની ફોઈ, માસી અને મામાના પુત્રો માતૃબાંધવ કહેવાય છે. આ નવ બંધુઓમાંથી કોઈનું અવસાન થતાં પક્ષિણી સૂતક. પરંતુ પોતાને ઘેર અવસાન પામે તો ત્રણ દિવસનું સૂતક.

ફોઈ, માસી કે મામાની પરણાવેલી દીકરીના અવસાનથી બંધુવર્ગને એક દિવસનું સૂતક પરંતુ કુંવારી દીકરીના અવસાનથી સ્નાનમાત્રથી શુદ્ધિ. આત્મબાંધવનું અવસાન થતાં પરસ્પર સૂતક લાગે. પરંતુ પોતે (આત્મબાંધવમાંનો કોઈ એક) અવસાન પામે તો પિતૃબાંધવ કે માતૃબાંધવને સૂતક લાગતું નથી. ગુરુ (યજ્ઞોપવીત સંસ્કાર કરાવનાર, વેદ ભણાવનાર કે મંત્રદીક્ષા આપનાર)ના અવસાનથી ત્રણ દિવસનું સૂતક, બીજા ગામે અવસાન થયું હોય તો પક્ષિણી સૂતક, ગુરુની પત્ની કે પુત્રોના અવસાનથી એક દિવસનું સૂતક.

Most Popular

To Top