National

જંક ફૂડ પર કડકાઈની તૈયારી, ચેતવણી લેબલમાં વિલંબ થતા સુપ્રીમ કોર્ટે FSSAIને ઘેર્યું

પેકેટમાં મળતા ખાદ્યપદાર્થો પર વધુ પડતી ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટ અંગે ગ્રાહકોને સીધી ચેતવણી આપવાના નિયમમાં થઈ રહેલા વિલંબ પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) પાસે આ નિયમ ક્યારે અને કેવી રીતે લાગુ થશે તેની સ્પષ્ટ સમયમર્યાદા માંગીને પ્રક્રિયાને ઝડપી કરવાની દિશામાં પગલું ભર્યું છે.

પેકેટ પર લાલ હેક્સાગોન ચેતવણીની યોજના

FSSAIએ પેકેટ ફૂડ માટે આગળની બાજુએ ચેતવણી લેબલ લગાવવાની યોજના બનાવી છે. પ્રસ્તાવિત લેબલ લાલ રંગના હેક્સાગોન આકારનું હશે. આ લેબલનો મુખ્ય હેતુ એ છે કે ગ્રાહકને પેકેટની પાછળ લખેલી લાંબી પોષણ માહિતી વાંચ્યા વગર જ ખબર પડી જાય કે કોઈ ખાદ્યપદાર્થમાં ખાંડ, મીઠું અથવા સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે છે. હાલના પ્રસ્તાવમાં બે તબક્કામાં નિયમ લાગુ કરવાની વાત હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના સવાલો બાદ FSSAI હવે બંને તબક્કાને એકસાથે લાગુ કરવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે.

કોર્ટે કહ્યું- સમયમર્યાદા વગર મામલો અટકી શકે

સુપ્રીમ કોર્ટે ખાસ કરીને FSSAIની તબક્કાવાર અમલની યોજના અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટને આશંકા છે કે જો બીજા તબક્કા માટે કોઈ ચોક્કસ સમય નક્કી નહીં કરવામાં આવે તો તેની અમલવારી લાંબા સમય સુધી અટકી શકે છે. કોર્ટે કેન્દ્રને 10 દિવસની અંદર આ ચેતવણી લેબલ લાગુ કરવાની સ્પષ્ટ પ્રક્રિયા અને સમયમર્યાદા જણાવવા કહ્યું છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ગ્રાહકોની પસંદગી સમજવા અથવા કંપનીઓને પોતાના ઉત્પાદનમાં ફેરફાર કરવા માટે વધુ સમય આપવાની દલીલથી અમલ અનિશ્ચિત સમય માટે લંબાવી શકાય નહીં.

એક જ પોષક તત્વ વધારે હોય તો પણ લેબલની ચર્ચા

હાલની ચર્ચામાં સૌથી મોટો ફેરફાર એ છે કે ચેતવણી લેબલ કયા ઉત્પાદનો પર લાગશે. શરૂઆતની બે તબક્કાની યોજના મુજબ કોઈ પેકેટમાં નક્કી કરેલી મર્યાદા કરતાં ઓછામાં ઓછા બે તત્વ- વધારાની ખાંડ, મીઠું અથવા સેચ્યુરેટેડ ફેટ- વધારે હોય તો લાલ ચેતવણી લેબલ લગાવવાનું હતું. હવે સુપ્રીમ કોર્ટના સવાલો બાદ FSSAI એક જ તત્વનું પ્રમાણ વધારે હોય તો પણ ચેતવણી આપવાની વધુ કડક વ્યવસ્થા પર વિચાર કરી રહ્યું છે. આ ફેરફાર લાગુ થાય તો ઘણા વધુ પેકેટ ફૂડ ઉત્પાદનો તેના દાયરામાં આવી શકે છે.

બાળકોના આરોગ્યની પણ ચિંતા

આ આખી ચર્ચા પાછળ બાળકોમાં જંક ફૂડ અને વધુ ખાંડ-મીઠાવાળા પેકેટ ફૂડના વધતા ઉપયોગને લઈને ચિંતા પણ મહત્વની છે. ચેતવણી લેબલનો હેતુ માત્ર કંપનીઓને નિયમમાં બાંધવાનો નથી, પરંતુ ખરીદી કરતી વખતે ગ્રાહકને સરળતાથી નિર્ણય લેવામાં મદદ કરવાનો છે. પેકેટના આગળના ભાગમાં જ સ્પષ્ટ ચેતવણી દેખાય તો ગ્રાહકને ઉત્પાદનના પોષણ મૂલ્ય અંગે વધુ ઝડપથી માહિતી મળી શકે છે.

ફૂડ કંપનીઓના વાંધા પણ સામે આવ્યા

ફૂડ અને બેવરેજ ઉદ્યોગના કેટલાક સંગઠનોનું કહેવું છે કે આવા ચેતવણી લેબલ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે અને કંપનીઓ માટે પોતાના ઉત્પાદનમાં ફેરફાર કરવો સરળ નહીં હોય. કંપનીઓએ લેબલ નક્કી કરતી વખતે 100 ગ્રામ ઉત્પાદનના બદલે એક સર્વિંગમાં રહેલા પોષક તત્વોના પ્રમાણને આધાર બનાવવાની પણ માંગ કરી છે. બીજી તરફ આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતો વધુ સ્પષ્ટ અને કડક ચેતવણી લેબલની તરફેણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગ્રાહકને ખરીદીના સમયે સરળ અને સીધી માહિતી મળવી જરૂરી છે.

ભારતમાં ફૂડ સેફ્ટી પર કડકાઈ વધી રહી છે

આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતમાં ફૂડ સેફ્ટીને લઈને કાર્યવાહી પણ વધારવામાં આવી રહી છે. FSSAI અને રાજ્યના ખાદ્ય વિભાગો દ્વારા હોટલ, રેસ્ટોરાં અને ખાદ્ય ઉત્પાદકો સામે તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે. FSSAIના જણાવ્યા મુજબ ખાદ્ય સુરક્ષા સંબંધિત કેસોમાં દોષિત ઠરાવવાના મામલામાં પણ વધારો થયો છે અને ઓક્ટોબરથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાતા ખાદ્ય ઉત્પાદનો અંગે પણ વધુ કડક તપાસ શરૂ કરવાની તૈયારી છે.

હવે આગળ શું થશે

સુપ્રીમ કોર્ટના આ સવાલો બાદ FSSAI સામે ચેતવણી લેબલના નિયમને માત્ર કાગળ પર રાખવાને બદલે તેની અમલવારીની સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરવાનો દબાણ વધ્યો છે. જો કડક લેબલિંગ એક જ તબક્કામાં લાગુ કરવામાં આવે તો ખાંડ, મીઠું અથવા સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે ધરાવતા ઘણા પેકેટ ફૂડ પર આગળની બાજુએ લાલ ચેતવણી જોવા મળી શકે છે. જોકે અંતિમ નિયમ, મર્યાદા અને અમલની તારીખ અંગે સરકાર તથા FSSAIની સત્તાવાર પ્રક્રિયા હજુ મહત્વની રહેશે.

Most Popular

To Top