World

ઇરાકમાં લગ્ન સમારંભમાં આગ, 100થી વધુના મોત

નવી દિલ્હી: ઉત્તરી ઈરાકમાં મંગળવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો હતો. સેંકડો લોકો અહીં લગ્નની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે સ્થળ પર આગ લાગી હતી. ખ્રિસ્તી લગ્ન સમારોહનું આયોજન કરતા વેડિંગ હોલમાં આગ ફાટી નીકળતાં 100 થી વધુ લોકોના મોત થયા હતા અને 150 લોકો ઘાયલ થયા હતા. ઘણા લોકો ઓક્સિજન સપોર્ટ પર છે.

અધિકારીઓએ બુધવારે આ માહિતી જાહેર કરી છે. અધિકારીઓએ આ ઘટનામાં મૃત્યુઆંક વધુ વધવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ ઘટના ઈરાકના નિનેવેહ પ્રાંતના હમદાનિયા વિસ્તારમાં બની હતી, જે મોસુલથી થોડે દૂર છે.

આ પ્રાંત ઉત્તરીય શહેર મોસુલની બહાર મુખ્યત્વે ખ્રિસ્તી વિસ્તાર છે, જે દેશની રાજધાની બગદાદથી 335 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં છે. ટેલિવિઝન પર દેખાડવામાં આવેલા ફૂટેજમાં મેરેજ હોલ આગથી ઘેરાયેલો જોવા મળે છે. 

આગમાં નાશ પામેલ કાટમાળ અને વસ્તુઓ ચારે બાજુ દેખાઈ રહી છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. ઘાયલો માટે વધુ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નિનેવેહ પ્રાંતના આરોગ્ય વિભાગે જણાવ્યું કે મૃત્યુઆંક 114 પર પહોંચી ગયો છે.

મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ-બદરે અગાઉ ઇરાકની સરકારી સમાચાર એજન્સીને ટાંકીને કહ્યું હતું કે ઘાયલોની સંખ્યા 150 છે. પ્રવક્તાએ કહ્યું, “આ દુ:ખદ ઘટનાના પીડિતોને રાહત આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.” વડાપ્રધાન કાર્યાલય દ્વારા ઓનલાઈન જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. નિનેવેહ પ્રાંતીય ગવર્નર નાઝીમ અલ-જુબૌરીએ જણાવ્યું હતું કે ઘણા ઘાયલોને પ્રાદેશિક હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે આ જાનહાનિનો આખરી આંકડો નથી અને મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે.

ફટાકડાના કારણે અકસ્માત
આગ લાગવાના કારણ અંગે હાલ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ એક ટેલિવિઝન ન્યૂઝ ચેનલે તેના સમાચારમાં આશંકા વ્યક્ત કરી છે કે સમારંભના સ્થળે મુકવામાં આવેલા ફટાકડાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હશે. 

ઇરાકી સમાચાર એજન્સીએ નાગરિક સંરક્ષણ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે લગ્ન સ્થળની બહારની સજાવટમાં અત્યંત જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે દેશમાં ગેરકાયદેસર છે. સિવિલ ડિફેન્સ ઓફિસરે જણાવ્યું હતું કે, ‘અત્યંત જ્વલનશીલ સામગ્રી અને ઓછી કિંમતની બાંધકામ સામગ્રીના ઉપયોગને કારણે આગ લાગી હતી, જેણે થોડી જ વારમાં જોરદાર વળાંક લીધો હતો અને આગને કારણે મેરેજ હોલનો કેટલોક ભાગ પડી ગયો હતો.’

Most Popular

To Top