National

ચોમાસાએ પેટર્ન બદલી, 1961 બાદ પહેલીવાર ચોમાસું મુંબઈ અને દિલ્હીમાં એકસાથે પહોંચ્યું

નવી દિલ્હી: મોડે મોડે ચોમાસું (Monsoon) દેશભરમાં પહોંચી ગયું છે. જોકે, આ વખતે ચોમાસાએ રસ્તો બદલ્યો છે. તેના નિયમિત રૂટના બદલે વાદળો આ વખતે બીજા રસ્તે આગળ વધ્યા છે, તેનું જ પરિણામ છે કે 1961 બાદ પહેલીવાર એવું થયું જ્યારે ચોમાસું મુંબઈ (Mumbai) અને દિલ્હીમાં (Delhi) એકસાથે પહોંચ્યું છે.

ચોમાસું રવિવારે દેશની રાજધાની દિલ્હીમાં પહોંચી ગયું છે. રવિવારે દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સામાન્ય કરતા દિલ્હીમાં ચોમાસું બે દિવસ વહેલું પહોંચ્યું છે. બીજી તરફ મુંબઈમાં ચોમાસું બે અઠવાડિયા મોડું પહોંચ્યું છે. 62 વર્ષ બાદ આ પહેલી ઘટના છે જ્યારે દેશના બે મોટા શહેરોમાં ચોમાસાનું આગમન એક સાથે થયું હતું. આ અગાઉ આવી ઘટના 21 જૂન 1961ના રોજ બની હતી.

IMDના સિનિયર હવામાન શાસ્ત્રી ડો. નરેશ કુમારના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસાએ પેટર્ન (Monsoon Petern) બદલી છે. તે નવી પેટર્ન સાથે દેશના વિવિધ ભાગોમાં પહોંચ્યું છે. 26 જૂન સુધીમાં દેશના લગભગ 80 ટકા વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે. રવિવારે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બન્યું છે, જેના લીધે ચોમાસાની ઝડપ વધી છે.

એક સાથે 6 રાજ્યમાં ચોમાસું પ્રવેશ્યું
પેટર્ન બદલ્યા બાદ શનિવારે એક સાથે દેશના 6 રાજ્યમાં ચોમાસું પ્રવેશ્યું હતું. જોકે તે 7 દિવસ મોડું છે. શનિવારે એક જ દિવસમાં મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ચોમાસું પહોંચ્યું હતું.

મુંબઈમાં ચોમાસું બે અઠવાડિયા મોડું, દિલ્હીમાં બે દિવસ વહેલું પહોંચ્યું
આવું 62 વર્ષ બાદ થયું છે, જ્યારે દિલ્હી અને મુંબઈમાં એક સાથે વરસાદ પહોંચ્યો હતો. સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસું 11 જૂન આસપાસ પહોંચતું હોય છે જે આ વર્ષે 25 જૂને બે અઠવાડિયા મોડું પહોંચ્યું છે જ્યારે દિલ્હીમાં ચોમાસું સામાન્ય તારીખ 27 જૂનથી બે દિવસ વહેલું 25 જૂને પહોંચ્યું છે.

નવી પેટર્નનું કારણ હજુ શોધી શકાયું નથી
આ વર્ષે દેશમાં ચોમાસું નવી પેટર્ન સાથે આગળ વધી રહ્યું છે, તેના લીધે ક્યાંક સમય પર, ક્યાંક સમયથી પહેલાં તો ક્યાંક સમય કરતા મોડું ચોમાસું પહોંચી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ, વાતાવરણમાં ફેરફાર, બિપરજોય વાવાઝોડું કે અન્ય કોઈ કારણ આ નવી પેટર્ન માટે જવાબદાર છે કે કેમ તે અંગે ચોક્કસ કશું કહી શકાય તેમ નથી. હવામાન શાસ્ત્રીઓ જણાવે છે કે ચોમાસાએ ભારતમાં પેટર્ન કેમ બદલી તે જાણવા માટે પાછલા 30થી 40 વર્ષના ડેટાનો અભ્યાસ કરવો પડશે. હાલ કશું નક્કર રીતે કહી શકાય નહીં.

આગામી ચાર દિવસ દેશના 23 રાજ્યમાં ભારે વરસાદની આગાહી
આગામી ચાર દિવસ સુધી દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઝારખંડ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, કોંકણ અને ગોવા, છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top