Comments

હરિયાળી ક્રાંતિના આધુનિક આદ્ય પ્રણેતા: ગાંધી

ત્રીસેક વર્ષ પહેલાં ગાંધીના લખાણનો સંગ્રહ ‘ઇન્ડસ્ટ્રીઇઝ- એન્ડ પેરિશ’ વાંચતી વખતે ખૂબ જ સચોટ અને નોંધપાત્ર ટકોર વાંચવા મળી. 1928ના ડિસેમ્બરની 20મીના ‘યંગ ઇન્ડિયા’ના અંકમાં સૌ પ્રથમ વાર આવું સચોટ લખાણ હતું: ભગવાન ન કરે કે ભારત પશ્ચિમની રીતે ઔદ્યોગિકીકરણ અપનાવે. એક નાનકડા દ્વીપ રાજય (ઇંગ્લેન્ડ)નો આર્થિક સામ્રાજયવાદ વિશ્વને સાંકળથી જ કસી રહ્યો છે. 30 કરોડની વસ્તીવાળો એક સમગ્ર દેશ આવું જ આર્થિક શોષણ કરવા માંડે તો વિશ્વ તીડના હુમલા જેમ ઉજ્જડ થઇ જાય.

સંસાધન ઊર્જા અને ઔદ્યોગિક વિકાસના અતિરેક સામે આ લાલબત્તી છે. પશ્ચિમ પ્રેરિત આર્થિક શોષણની આ રીત અપનાવી ભારત અને ચીન વિશ્વ પર તીડના આક્રમણ સમાન જોખમ સર્જી રહ્યા છે. ગાંધી માનવ લોભના ટીકાકાર હતા. ગ્રામકેન્દ્રી, અર્થતંત્રના પુરસ્કર્તા હતા. વિકેન્દ્રીકરણના હિમાયતી હતા અને રાજયની નુકસાનકારક કે વિધ્વંસક નીતિઓના અહિંસક વિરોધના છડીદાર હતા તેમજ પર્યાવરણ સુરક્ષા ચળવળના ય પૂર્વજ હતા. ચિપ્કો અને નર્મદા બચાવ આંદોલન જેવી પર્યાવરણ સુરક્ષા જેવી વિખ્યાત ચળવળનું નેતૃત્વ ગાંધીવાદને અનુસરતા હોવાનો દાવો કરનાર વ્યકિતઓએ કર્યું હતું. પશ્ચિમના દેશોના પર્યાવરણપ્રેમીઓ પર પણ તેની અસર પડી છે અને જાણીતા અર્થશાસ્ત્રી ઇ.એફ. શુમેકર અને જર્મન ગ્રીન પાર્ટીની વિચારધારા પર તેની અસર પડી છે.

1925ના નવેમ્બરમાં ગાંધી કચ્છના રણમાં ગયા હતા. વરસાદની કમી અને સૂકી ભઠ્ઠ નદીને કારણે ખેતીવાડી નહીંવત્‌ હતી. તેમના યજમાન હતા તેમનાથી 20 વર્ષ મોટા સામાજિક કાર્યકર જયકૃષ્ણ ઇંદ્રજીત. તેઓ એક પ્રખર વનસ્પતિશાસ્ત્રી હતા અને ગાંધીના પૂર્વજોએ જેના શાસનમાં કામ કર્યું હતું તે પોરબંદરના રજવાડાને સેવા આપી હતી. સ્વદેશની વનસ્પતિ અને વૃક્ષોમાં સ્થાનિક લોકોને યુરોપિયનોની સરખામણીમાં ઓછો રસ હોવાનું જાણી તેમને દુ:ખ થયું હતું અને લખ્યું હતું કે આપણા દેશના લોકો પોતાના વાડા-આંગણામાં ઊગતી વનસ્પતિ વિશે જાણતા નથી અને પગ હેઠળ કચડે છે.

જયકૃષ્ણે પોરબંદરના બરડા ડુંગરના વનસ્પતિ વૈભવ વિશે નોંધપાત્ર અભ્યાસરૂપ પુસ્તક લખ્યું અને તેમના આ પુસ્તકથી આકર્ષાઇને કચ્છના મહારાજે તેમને વનસ્પતિ શાસ્ત્રી તરીકે સેવા આપવાનું નિમંત્રણ આપતા તેમણે કચ્છના વનસ્પતિ અને છોડ વિશે સંશોધન કરી પુસ્તક લખ્યું અને પુનર્વનીકરણને વેગ આપ્યો. ગાંધીએ જયકૃષ્ણને મળ્યા પછી લખ્યું કે તેમને ખબર છે કે તેમની પ્રવૃત્તિથી ઘણું બધું હાંસલ કરી શકાય છે. આ બાબતમાં તેમનો ઉત્સાહ અને વિશ્વાસ ચેપી છે. મને પણ કયારનો ચેપ લાગ્યો છે. શાસક અને પ્રજાજનો આવા શાણા માણસની સેવાનો લાભ લઇ સુંદર વન ઉગાડી શકે.

જયકૃષ્ણ કચ્છમાં હરિયાળા યજ્ઞને જોઇને ગાંધીને આફ્રિકાના વેરાન પ્રદેશમાં હરિયાળી વિસ્તાર સર્જાવાની ઘટના યાદ આપી. એક વખત એવો હતો કે જોહનીસબર્ગમાં ઘાસ સિવાય બીજું કંઇ ઊગતું ન હતું. અરે એક પણ ઇમારત ન હતી. ચાળીસ વર્ષમાં આ જગ્યા સુવર્ણ નગરી બની ગઇ. એક વખત એવો હતો કે લોકોને એક ડોલ પાણી માટે બાર આના આપવા પડતા હતા અને કેટલીક વાર સોડા વોટરથી કામ ચલાવવું પડતું હતું અને હાથ પગ પણ સોડા વોટરથી ધોવા પડતા. આજે વૃક્ષો પણ છે અને પાણી પણ છે. શરૂઆતથી જ સોનાની ખાણના માલિકોએ આ પટ્ટાને પ્રમાણમાં હરિયાળો કરવાને પગલે વરસાદ ખેંચાઇ જતો હતો તે પુનર્વનીકરણને કારણે ફરી વરસવા માંડયો છે.

એક વાર સાબરમતી આશ્રમમાં રૂ પીંજવા અને અન્ય કામ માટે રૂ કાંતવાનું કામ ગાંધી સૂતાં પહેલાં કરવા માંગતા હતા. મીરાંબેને એક યુવાન આશ્રમવાસીને બગીચામાંથી બાવળના થોડા પાંદડાં લાવવા કહ્યું. તેઓ પીંજણના ધનુષને ગુંદર લગાવવા માંગતા હતા. પેલો છોકરો ઢગલો પાંદડા ઉપાડી લાવ્યો. દરેક પાન વાળેલા હતા. મીરાંબેને કહ્યું કે પાંદડા સૂઇ ગયા છે. ગાંધીએ કહ્યું કે વૃક્ષો પણ આપણી જેમ જીવંત છે અને તે પણ શ્વાસ લે છે. રાતે તેનાં પાંદડાં તોડાય? ગાંધી જાહેરસભામાં કરાતા હારતોરાના પણ વિરોધી હતા. કસાઇ પણ કંઇક અંશે માણસાઇ ધરાવતો હોવો જોઇએ. તે પણ ઘેંટા ઊંઘતાં હોય ત્યારે તેમની કતલ નથી કરતો!

ગાંધી સંસાધનોના સંયમપૂર્વકના ઉપયોગના હિમાયતી હતા. ભારતને વૃક્ષો માટે ઓછો આદર ન હતો. કવિ કહે છે કે દમયંતી શોકમગ્ન થઇ વૃક્ષે વૃક્ષે ફરે છે. કાલિદાસની શકુંતલા પક્ષીઓ અને પશુઓની જેમ વૃક્ષોને પણ પોતાના સાથી ગણે છે.
‘ધ ગાડરિયન’ના ગયા વર્ષના એક અંકમાં લખ્યું છે આબોહવાની કટોકટીનો સરળ ઉકેલ એ છે કે વૃક્ષો હવામાંનો કાર્બન ડાયોકસાઇડ પોતાની ક્ષમતા મુજબ ખેંચે છે અને લાકડા તરીકે સંઘરી રાખે છે.

માનવીની પ્રવૃત્તિને કારણે વૈશ્વિક તાપમાન વૃધ્ધિ અને આબોહવા પરિવર્તન થાય છે એવા પુરાવા મળ્યા તેના દાયકાઓથી ગાંધી આ વાત લખતા હતા. છાંયડો અને આશરો આપે જમીનને કસદાર બનાવી ઘસાતી અટકાવે અને જળાશયો ખાલી ન થાય તેમજ બિનમાનવીય જીવન માટે માનવીની ચિંતા વ્યકત થાય તે રીતે વૃક્ષો વાવેતરના તેઓ હિમાયતી હતા. આબોહવાની કટોકટી તેમની મુખ્ય ચિંતા છે. ગાંધીજીનું પર્યાવરણીય કટોકટીના નિવારણ માટેનું અર્પણ પણ તેના અન્ય ક્ષેત્રોનાં અર્પણ જેટલું જ મહત્ત્વનું છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top