Gujarat Main

ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી ડો.અનિલ જોશિયારાનું અવસાન, બે મહિનાથી હતા બીમાર

અમદાવાદ: ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી ડો.અનિલ જોશિયારાનું કોરોનાને કારણે અવસાન થયુ છે. તેઓ ભિલોડા તાલુકાના કોંગ્રસ ધારાસભ્ય પણ હતા. કોરોના સંક્રમિતની જાણ થયા બાદ તેમને સૌપ્રથમ અમદાવાદની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમને રાહત ન મળતા અને ફેફસાંમાં વધુ તકલીફ જણાતા યોગ્ય સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઇ લઈ જવામાં આવ્યું હતું. ત્યા તેમની એક મહિનાથી સારવાર ચાલી રહી હતી. ત્યાર બાદ આજે ડૉ.અનિલ જોશિયારાના 69ની વયે અવસાનના દુ:ખદ સમાચાર આવ્યા છે.

  • એક મહિનાથી ચેન્નાઇ હોસ્પિટલમાં કોરોના સારવાર માટે દાખલ હતા
  • 1995માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા, ગુજરાતના આરોગ્યમંત્રી તરીકે પણ કાર્યરત રહ્યા હતા

સીએમએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા તાલુકાના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના દુઃખદ અવસાન પર શોકની લાગણી વ્યક્ત કરી છે. ભૂપેન્દ્ર પટેલે ડૉ. જોષીયારાને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે ડૉ. અનિલ જોષીયારાએ આદિજાતિ સમાજના સૌના લોક પ્રશ્નોની રજૂઆતો તથા તેના નિવારણ માટે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે આપેલ યોગદાન હંમેશા યાદ રહેશે. મુખ્યમંત્રીએ ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી છે. તે સાથે પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે.

મેડિકલ ક્ષેત્રમાં મોટો ફાળો
ડો.અનિલનો જન્મ 24 એપ્રિલ 1953ના થયો હતો. તેમણે મેડિકલ ક્ષેત્રનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યો હતો. તેમણે 1979માં એમ.બી.બી.એસ અને 1983માં એમ.એસ. (જનરલ સર્જન) ની ડીગ્રી મેળવી હતી. ડૉ.અનિલ જોશીયારાએ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 1989 થી 1992 અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ સુધી પોતાની સફળ તબીબી સેવાઓ આપી છે. તેઓ મેડિકલ એસોસિયેશનના સભ્ય પણ રહી ચૂક્યા છે. તે પહેલા તેઓએ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સર્જન અને સુપ્રિટેન્ડેન્ટના પદે રહીને છ વર્ષ સુધી સેવાઓ આપી હતી.

ગુજરાતના આરોગ્ય મંત્રી તરીકે સેવા આપી
તેઓ 1995માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. ત્યાંથી તેમના જીવનની રાજકીય કારકિર્દીનો ઉદય થયો હતો. ડૉ.અનિલ જોશિયારા ભિલોડા તાલુકાના ધારાસભ્ય બન્યા બાદ ગુજરાત રાજ્યમાં 1995થી 1997 એમ 3 વર્ષ સુધી આરોગ્યમંત્રી તરીકે રહ્યા હતા. ત્યાર બાદ 1998ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો ત્યારે તેમની સામે સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં 1998થી 2002 સુધી મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2002, 2007, 2012, 2017માં આવેલી વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી હતી. હાલ તેઓ ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

Most Popular

To Top