Gujarat

નરેશ પટેલ આપના કે કોંગ્રેસના ? ચૂંટણી પહેલા પાટીદાર રાજનીતિ ગરમાઈ

ગાંધીનગર : ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ (Naresh Patel) કઈ પાર્ટીમાં જોડાશે, તે મુદ્દે રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. પહેલા કોંગ્રેસના (Congress) કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે (Hardik Patel) નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું. હવે આપના નેતાઓએ પણ નરેશ પટેલને આપ (APP)માં જોડાવવા આમંત્રણ આપ્યું છે. નરેશ પટેલને પોતાની પાર્ટીમાં લઈ જવા માટે ખેંચતાણ ચાલી રહી છે.

પીએમ નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાતની મુલાકાતને પગલે ભાજપની ચૂંટણીની તૈયારીઓને વધુ તેજ બની ગઇ છે. બીજી તરફ આપના નેતાઓ પણ પંજાબમાં વિજયના પગલે ગુજરાત આવ્યા છે. તેમણે રાજકોટમા ત્રિરંગા યાત્રા યોજી હતી, એટલું જ નહીં ઈશુદાન ગઢવીએ કહ્યું હતુ કે નરેશ પટેલે આપમાં જોડાવવુ જોઈએ. નરેશ પટેલ જેવા સ્વચ્છ છબી ધરાવતા વ્યકિત્ત માટે આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ વિકલ્પ છે. નરેશ પટેલને આપમાં જોડાય તે માટે અમે આતુર છીયે. તો પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પણ બે વખત નરેશ પટેલને મળી ચૂકયા છે એટલું જ નહીં તેમને ભાજપમાં જોડાવવા આમંત્રણ પણ આપ્યું જ છે. હવે જોવાનું એ રહે છે કે નરેશ પટેલ ચૂંટણી પહેલા કઈ પાર્ટીમાં જોડાય છે?

ગુજરાતમાં ભાજપ સામે ટક્કર આપવા આમ આદમી પાર્ટીએ અગાઉ પાટીદાર આગેવાનોને પક્ષમાં લીધા હતા. જો કે હાલમાં આપના હાલ સારા નથી, પાર્ટી વેરવિખેર થઈ ગઈ છે, એટલું જ નહીં ગુજરાતમાં આપ પાસે કોઈ ચોક્કસ ચહેરો નથી. તેથી હાલમાં આપની નજર કોઈ પાટીદાર આગેવાન કે જે મુખ્યમંત્રીની છબી બની શકે. જેમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ આપના ધ્યાનમાં છે. આપની ગણતરી એવી હોય શકે કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પાટીદારો અસંતુષ્ચ છે, તેથી તેનો લાભ લઈ નરેશ પટેલ અથવા તો હાર્દિક પટેલને મુખ્યમંત્રીનો ચહેરો બનાવી ગુજરાતમાં ચૂંટણી લડવામાં આવે તો ભાજપને ટક્કર આપી શકાય છે.

આપ પંજાબની જેમ ગુજરાતમાં રણનીતિ બનાવી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. છેલ્લા કેટલા સમયથી ગુજરાતમાં આપની અન્ટ્રી તો થઈ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને બેઠકો પણ મળી હતી, પરંતુ કેટલા સમયથી આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે,તેથી ગુજરાતમાં આપના નેતાઓ નિરાશ થયા છે. તેથી આપ ગુજરાતના સંગઠનમાં મોટે પાટે ફેરફાર કરી પંજાબની જેમ ગુજરાતમાં પણ ભાજપ સામે ટક્કર આપવા રણનીતિ બનાવી રહ્યું છે.

હાર્દિક પટેલના આમંત્રણ બાદ પણ નરેશ પટેલે તેમની ચૂપી તોડી નથી. તો બીજી તરફ પંજાબમાં મળેલી જીત બાદ હવે અરવિંદ કેજરીવાલ આગામી એક સપ્તાહમાં જ ગુજરાત આવશે, અને તે સમયે અનેક દિગ્ગજ નેતાઓ આગેવાનોને આપમાં જોડવા માટે પ્રયાસ કરવામાં આવે એવી શક્યતાઓ છે. આપ પાસે માત્ર હવે કેજરીવાલ ઉપરાંત ભગવંત માન જેવા નેતાઓ છે તે મુખ્યમંત્રી છે અને તે પણ ગુજરાતમાં પ્રચારમાં આવશે તો ફરક પડશે તેમ માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top