Charchapatra

મીનરલ વોટર

લોકોને મીનરલ વોટરની એવી તો આદત થઈ છે કે, તેના વગર ન જ ચાલે. દરેક સ્થળે બોટલ અને પાઉચમાં આ પાણી સૌને સરળતાથી મળી જાય. લગ્ન જેવા અનેક સમારંભમાં તો ઠંડું મીનરલ વોટર હોય જ. જાહેર પ્રસંગે ટેબલ પર આ પાણીની બોટલો શોભતી હોય છે. વક્તાઓને પણ પ્રવચન વચ્ચે એકાદ-બે ઘૂંટ પીવા મળે છે, જેથી લાબું બોલી શકાય! ગુજરાતમાં ઠેરઠેર એકવા સંચાલકોના મીનરલ પ્લાન્ટ કાર્યરત છે. જેઓ લોકોને શુદ્ધ અને મીઠું પાણી પહોંચાડે છે. ગામડાંનાં લોકો પણ હવે તો આ જ પાણીનો ઉપયોગ કરે છે.

કૂવાનાં પાણી તો વાર્તાઓમાં આવે. “અમે તો માત્ર મીનરલ વોટર જ વાપરીએ.અરે, અમે તો રસોઈમાં પણ એ જ પાણી વાપરીએ.” એમ કહીને ગૌરવથી વાત કરનારી ગૃહિણીઓ ચારે તરફ મળી જાય. શહેરમાં મીઠાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવાની જવાબદારી પાલિકાતંત્રની હોય છે,પણ લોકોને ચોખ્ખું પાણી ન મળતાં તેઓ ખાનગી સંચાલકો પાસેથી પાણી મેળવીને સંતોષ માને છે. વચ્ચે બે દિવસ એકવા સંચાલકોની હડતાળને કારણે નવસારી પંથકમાં બૂમાબૂમ થઈ હતી. હાલ તો દરેક સ્થળે મીનરલ પ્લાન્ટ ધમધમી રહ્યા છે. તેઓ પાણીને ફિલ્ટર કરી મીઠું અને ચોખ્ખું પાણી લોકોને ઘરે ઘરે પહોંચાડે છે, એમ કહેવાય છે.

 આ મીનરલ પ્લાન્ટ દિવસના જેટલા કલાકો ચાલે તેટલા કલાકો વેસ્ટ પાણી નીકળતું હોય છે, જેની માત્રા વિપુલ હોય છે. મોટે ભાગે આ વેસ્ટ પાણી યેનકેન પ્રકારે (નળ વાટે) ખુલ્લા પાઈપ દ્વારા સીધેસીધું ગટરમાં , કલાકો સુધી વહેતું રહે છે. આ વેસ્ટ પાણી પીવાલાયક હોતું નથી પણ સીધું ગટરમાં….! બાગ-બગીચામાં, બાંધકામમાં આ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. કોઈક જગ્યાએ આ પાણીનો યોગ્ય ઉપયોગ થતો હોય તો લોકોને તેની જાણકારી મળે તે આવકાર્ય છે. આ વેસ્ટ પાણીના નિકાલ અંગે જો સરકારી નીતિ-નિયમો હોય તેનો પ્રચાર-પ્રસાર કરવો રહ્યો, જેથી પાણીની બચત થઈ શકે.  

એક સંશોધન છે કે એક ટપકતા નળમાંથી દર સેકંડે એક ટીપું બરબાદ થવાથી દર મહિને ૭૬૦ લીટર પાણી અમસ્તું જ વેડફાઈ જાય છે. એક મિનિટમાં ૩૦ ટીપાં અને વાર્ષિક ૪૬ હજાર લીટર પાણી વેડફાઈ જાય છે. ઈઝરાઈલમાં પાણીનો બગાડ કરનારને સજા ફટકારવામાં આવે છે તો કેટલાક દેશોમાં દંડ. રાજ્ય સરકારના સુજલામ્ સુફલામ્ અભિયાનને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. અહીં લોકજાગૃતિ પણ જરૂરી છે. અલબત્ત, આ વખતે સારો વરસાદ થયો છે એ સારું છે, પણ એકવા સંચાલકો મીનરલ પ્લાન્ટમાંથી અવિરત વહી જતાં પાણીનો સંગ્રહ કરી અન્ય ઉપયોગમાં આવે તે થશે તો અતિ ઉત્તમ.
નવસારી           – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top