Sports

ભારતીય બેડમિન્ટન એસોસિએશન દેશના મેડલ વિજેતા શટલરો માટે રોકડ ઈનામો જાહેર કર્યા

નવી દિલ્હી : બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (બીએઆઇ)એ મંગળવારે કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) અને વર્લ્ડ ચેમ્પિયનશિપના (World Championship) મેડલ (Medal) વિજેતાઓ માટે આશરે રૂ. 1.5 કરોડના રોકડ ઈનામોની (Cash Prizes) જાહેરાત કરી હતી. ભારતીય બેડમિન્ટન ટુકડીએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તેણે ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સિવાય ભારતીય ખેલાડીઓએ (Indian players) 2021 અને 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ ત્રણ મેડલ જીત્યા હતા.

ઈનામી રકમની જાહેરાત કરતા, ફેડરેશનના પ્રમુખ હિમંતા બિશ્વા સરમાએ જણાવ્યું હતું કે, આપણા બેડમિન્ટન ખેલાડીઓએ સતત રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે અને આ રોકડ પુરસ્કાર છેલ્લા બે વર્ષમાં તેમની શાનદાર સિદ્ધિઓને પોંખવાનો એક નાનો પ્રયાસ છે. બર્મિંગહામમાં સિલ્વર મેડલ જીતનારી 10 સભ્યોની મિક્ષ્ડ ટીમને કુલ રૂ. 30 લાખ અથવા પ્રતિ ખેલાડી રૂ. 3 લાખ મળશે, જ્યારે સપોર્ટ સ્ટાફના આઠ સભ્યોને રૂ. 1.5 લાખ મળશે.

કોમનવેલ્થ ગેમ્સના પુરૂષ અને મહિલા સિંગલ્સ ચેમ્પિયન લક્ષ્ય સેન અને પીવી સિંધુને 20-20 લાખ રૂપિયા, જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીની પુરુષ ડબલ્સ જોડીને બર્મિંગહામમાં ઐતિહાસિક ગોલ્ડ જીતવા બદલ 25 લાખ રૂપિયા મળશે. ગાયત્રી ગોપીચંદ અને ત્રિસા જોલીની યુવા મહિલા ડબલ્સ જોડીને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ 7.5 લાખ રૂપિયા આપવામાં આવશે.

માજી વર્લ્ડ નંબર વન કિદામ્બી શ્રીકાંતને પણ બર્મિંગહામમાં તેના પુરૂષ સિંગલ્સમાં બ્રોન્ઝ માટે રૂ. 5 લાખ જ્યારે સ્પેનના હુએલવામાં 2021 બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવા માટે રૂ. 10 લાખ મળશે. લક્ષ્ય સેનને 2021 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રૂ. 5 લાખ મળશે, જ્યારે ચિરાગ અને સાત્વિકને ગયા મહિને ટોક્યોમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રૂ. 7.5 લાખ મળશે.

Most Popular

To Top