National

કૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો, મસ્જિદ સમિતિની અરજી ફગાવી

મથુરા: (Mathura) મથુરા કૃષ્ણ જન્મભૂમિ વિવાદ સંબંધિત મામલામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી મુસ્લિમ પક્ષને આંચકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) કૃષ્ણ જન્મભૂમિ કેસ સાથે જોડાયેલા 15 કેસોની એકસાથે સુનાવણી કરવાની વાત કરી હતી જેની સામે મસ્જિદ સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે તે અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ સાથે સંબંધિત 15 કેસોને મર્જ કરવાના અલ્હાબાદ હાઇકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે શાહી મસ્જિદ ઈદગાહની મેનેજિંગ ટ્રસ્ટી કમિટીને હાઈકોર્ટ સમક્ષ આદેશ પાછો ખેંચવા માટે અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપી હતી. કમિટીએ હાઈકોર્ટના 11 જાન્યુઆરીના આદેશને પડકાર્યો છે.

બેંચે આદેશ આપ્યો કે અરજીકર્તાએ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પાછો ખેંચવાની વિનંતી કરી છે. અમે હાલની સ્પેશિયલ લીવ પિટિશનનો નિકાલ કરીએ છીએ અને અરજદારને હાઇકોર્ટમાં ફરીથી પિટિશન ફાઇલ કરવાની સ્વતંત્રતા આપીએ છીએ. સમિતિના વકીલે જણાવ્યું હતું કે 11 જાન્યુઆરીના આદેશને પાછો ખેંચવાની અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. તેણે કોર્ટને વિનંતી કરી કે તે અરજીને ચોક્કસ તારીખે સુપ્રીમ કોર્ટ સમક્ષ સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપે. જોકે બેન્ચે આવો કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.

11 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટે ‘ન્યાયના હિતમાં’ નિર્દેશ આપ્યો હતો કે હિન્દુ વાદી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર 15 કેસોને મર્જ કરવામાં આવે. હિન્દુ પક્ષે હાઈકોર્ટમાં તેની અરજીમાં કહ્યું હતું કે સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ), મથુરા સમક્ષ 25 સપ્ટેમ્બર 2020 ના રોજ દાખલ કરાયેલ મૂળ દાવો અને 13.37 એકર જમીન સંબંધિત અન્ય દાવાઓને મર્જ કરવામાં આવે.

હાઈકોર્ટે કહ્યું કે આ તમામ કેસ એક જ પ્રકારના છે અને એક જ પ્રકારના પુરાવાના આધારે નિર્ણય લેવાનો છે. આવી સ્થિતિમાં સમય બચાવવા માટે આ કેસોની સુનાવણી એકસાથે થવી જોઈએ. આ મુકદ્દમાઓ સમાન પ્રકૃતિના છે. આ દાવાઓ આગળ વધી શકે છે અને સામાન્ય પુરાવાના આધારે એકસાથે નિર્ણય લઈ શકાય છે. આનાથી કોર્ટનો સમય અને ખર્ચ બચશે.

Most Popular

To Top