National

ઇન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ હટતા જ મણિપુરમાં ફરી હિંસા ફાટી નિકળી, 13 લોકોના મોત

મણિપુરમાંથી (Manipur) ફરી એકવાર હિંસાના (Violence) ભડકી ઉઠી છે. અહીં તેંગનોપલ જિલ્લામાં હિંસા દરમિયાન 13 લોકોના મોત થયા હતા. ઘટના સોમવાર બપોરની હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોને તેંગનોપલ જિલ્લાના (District) સૈબોલ નજીક લીથુ ગામમાં આતંકવાદીઓના બે જૂથો વચ્ચે ગોળીબારની માહિતી મળી હતી. સુરક્ષા દળો લેથુ ગામ પહોંચ્યા ત્યારે તેમને સ્થળ પરથી 13 લોકોના મૃતદેહ મળ્યા. જોકે મૃતદેહો પાસે કોઈ હથિયાર મળી આવ્યું ન હતું. ઘટના સ્થળે સુરક્ષા દળો (Security Forces) ઉપરાંત પોલીસ ફોર્સ પણ હાજર છે.

મણિપુરમાં સુરક્ષા દળોને માર્યા ગયેલા 13 લોકોની લાશો મળી છે. મૃતકો બહારથી અહીં આવ્યાં હોવાનું લાગી રહ્યું છે તેઓ બે જૂથ વચ્ચેના ગોળીબારમાં વચ્ચે આવી ગયા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. સુરક્ષા દળોના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકો લેથુ વિસ્તારનો હોવાનું જણાતું નથી અને તે કોઈ અન્ય સ્થળેથી આવ્યા હોઈ શકે છે જેના પછી તેઓ એક અલગ જૂથ સાથે ગોળીબારમાં સામેલ થયા અને તેમના જીવ ગુમાવ્યા. જણાવી દઈએ કે મણિપુરની વસ્તીમાં મૈતેઇ સમુદાયનો હિસ્સો લગભગ 53 ટકા છે અને તે મોટે ભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. નાગા અને કુકી આદિવાસીઓની વસ્તી લગભગ 40 ટકા છે અને તેઓ મોટે ભાગે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.

આપને જણાવી દઈએ કે મણિપુરમાં 3 મેથી મેતૈઈ અને કુકી સમુદાયો વચ્ચે જાતિય અથડામણને કારણે હિંસા ભડકી રહી છે. આ અથડામણોમાં ઓછામાં ઓછા 182 લોકો માર્યા ગયા અને લગભગ 50,000 લોકો બેઘર થયા છે. હિંસાના પગલે મણિપુરમાં 3 મેથી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. 3 સપ્ટેમ્બરે થોડા સમય માટે ઈન્ટરનેટ ચાલું કરાયું હતું પરંતુ 23 સપ્ટેમ્બરે ફરી તેને બંધ કરી દેવાયું હતું.  રવિવારે જ સત્તાવાળાઓએ હિંસાગ્રસ્ત રાજ્યમાં કેટલાક જિલ્લાઓના સરહદી વિસ્તારોને બાદ કરતાં સાત મહિના પછી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો.

જણાવી દઈએ કે છેલ્લા સાત મહિનામાં મોટાભાગની હિંસા, ગોળીબાર, આગચંપી અને અપહરણની ઘટનાઓ બની છે. કેન્દ્ર અને મણિપુર સરકારે નવી દિલ્હીમાં રાજ્યના સૌથી જૂના આતંકવાદી સંગઠન યુનાઈટેડ નેશનલ લિબરેશન ફોર્સ (UNLF) સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યાના ચાર દિવસ પછી સસ્પેન્શન હટાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top