Columns

માફિયા ડોન મુખ્તાર અન્સારીને ધીમું ઝેર આપવામાં આવ્યું હતું?

ઉત્તર પ્રદેશના રાજકારણમાં માફિયા ડોનની ભૂમિકા બહુ મહત્ત્વની ગણાય છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના રાજમાં મુન્ના બજરંગી, મુનીર, સૈયદ શહાબુદ્દીન અને મુખ્તાર અન્સારી જેવા માફિયા સત્તાધારી પક્ષની બહુ નજીક હોવાથી હકીકતમાં સરકાર તેમના જ ઇશારા પર ચાલતી હતી. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર આવી તે પછી માફિયા ડોનના ક્યાં તો બનાવટી અથડામણોમાં ઢીમ ઢાળી દેવામાં આવ્યા છે, ક્યાં તેમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે.

આ માફિયા ડોન જ્યારે જેલમાં મરી જાય ત્યારે પણ ઉત્તર પ્રદેશ સરકાર પર આક્ષેપ થતો આવ્યો છે કે તેણે જેલમાં બંધ માફિયા ડોનને ધીમું ઝેર આપીને મારી નાખ્યા છે. કુખ્યાત માફિયા ડોન મુખ્તાર અન્સારી જેલમાં હતો ત્યારે જ તેણે આક્ષેપ કર્યો હતો કે તેને મારવા માટે ખોરાકમાં ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે. હવે મુખ્તાર અન્સારીનું જેલમાં હાર્ટ એટેકથી મોત થયું છે ત્યારે તેના પરિવારજનો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે કે તેને જેલમાં ઝેર આપીને મારી નાખવામાં આવ્યો છે. સરકારને આ આક્ષેપની તપાસ કરવાની ફરજ પડશે.

મુખ્તાર અન્સારી દેશના ભૂતપૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ હમીદ અન્સારીનો ભત્રીજો હતો. તેના દાદા ડો. મુખ્તાર અહેમદ અન્સારી સ્વાતંત્ર્ય સેનાની હતા. મુખ્તારના દાદા બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનને મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. મુખ્તારના પિતા સુભાનુલ્લા અન્સારી સામ્યવાદી નેતા હતા અને ગાઝીપુરના રાજકારણમાં સક્રિય હતા. બાહુબલી મુખ્તાર અન્સારીના મોટા ભાઈ સાંસદ છે અને તેનો પુત્ર અને ભત્રીજો પણ ધારાસભ્ય છે.

મુખ્તાર અન્સારી મૌની સદર સીટથી સતત પાંચ વખત ધારાસભાની ચૂંટણી જીત્યો હતો. તેમાંની ચાર ચૂંટણી તો તે જેલમાં રહીને જીત્યો હતો. વર્ષ ૨૦૨૨માં છઠ્ઠી વખત તેનો પુત્ર ધારાસભ્ય બન્યો હતો. મુખ્તાર અન્સારી વિરુદ્ધ લગભગ ૬૧ કેસ નોંધાયેલા હતા, જેમાં ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા અને રમખાણોનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણામાં મુખ્તારને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

મુખ્તાર અન્સારી મૂળ રીતે મખ્નુ સિંહ ગેંગનો સભ્ય હતો, જે ૧૯૮૦ના દાયકામાં ખૂબ સક્રિય હતી. અન્સારીની આ ગેંગ કોલસાની ખાણ, રેલ્વે, બાંધકામ, ભંગારના નિકાલ, જાહેર કામો અને દારૂના ધંધા જેવાં ક્ષેત્રોમાં અપહરણ, હત્યા અને લૂંટ સહિતની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે સંડોવાયેલી હતી. તેની મૌ, ગાઝીપુર, વારાણસી અને જૌનપુરમાં વધુ ગતિવિધિ જોવા મળી હતી. ૨૦ વર્ષથી ઓછી ઉંમરે મખ્નુ સિંહ ગેંગમાં જોડાઈને મુખ્તાર ગુનાની સીડી ચઢતો રહ્યો હતો. ગુનાની દુનિયામાં એવી જમીન હડપ કરવી, ગેરકાયદે બાંધકામ, હત્યા, લૂંટ વગેરેની પ્રવૃત્તિ સાથે મુખ્તારનું નામ જોડાયેલું હતું. ગુનાખોરીની દુનિયામાં નામ કાઢ્યા પછી મુખ્તાર અન્સારી મતદારો પરના પ્રભાવને કારણે રાજકારણમાં સક્રિય થયો હતો.

મુખ્તાર અન્સારીનો જન્મ ગાઝીપુરમાં થયો હતો પરંતુ તેનું કાર્યસ્થળ મૌ હતું. ૧૯૯૬માં પહેલી વાર મુખ્તાર બહુજન સમાજ પક્ષની ટિકિટ પર મૌની સદર સીટથી ધારાસભ્ય બન્યો અને પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. ૨૦૦૨માં બસપા તરફથી ટિકિટ ન મળતાં મુખ્તાર અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો હતો અને જીત્યો હતો. આ પછી મુખ્તારે કોમી એકતા દળના નામે પોતાની પાર્ટી બનાવી અને પછી બે વખત ધારાસભ્ય બન્યો હતો. વર્ષ ૨૦૧૭માં મુખ્તારે પોતાની પાર્ટીનું બસપામાં વિલિનીકરણ કર્યું હતું અને બસપામાંથી ચૂંટણી લડી મુખ્તાર અન્સારી મોદી લહેરમાં પણ ચૂંટણી જીત્યો હતો. વર્ષ ૨૦૨૨માં મુખ્તારે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ મુખ્તારનો પુત્ર અબ્બાસ અન્સારી મૌની સદર સીટથી ધારાસભ્ય બન્યો હતો.

ઉત્તર પ્રદેશની લગભગ બે ડઝન લોકસભા બેઠકો અને ૧૨૦ વિધાનસભા બેઠકો પર મુખ્તારનો સીધો કે આંશિક પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. એક સમય હતો જ્યારે મુખ્તાર અન્સારી વારાણસી, ગાઝીપુર, બલિયા, જૌનપુર અને મૌમાં પ્રખ્યાત હતો. આ જિલ્લાઓમાં મુખ્તાર ગેંગનું એટલું વર્ચસ્વ હતું કે બધા રાજકારણી મત માટે તેની સામે ઝૂકી ગયા હતા. માયાવતીએ તો મુખ્તાર અન્સારીને ગરીબોનો મસીહા કહ્યો હતો.

મુખ્તાર એવો ડોન હતો કે જેલ તેનું ઘર હતું. જેલમાં રહીને મુખ્તાર રાજનીતિ કરતો હતો, ચૂંટણી જીતતો હતો અને તેની ગેંગ ચલાવતો હતો. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર બનતાંની સાથે જ મુખ્તાર ગેંગ સામે એટલી હદે કાર્યવાહી કરવામાં આવી કે કોઈએ કલ્પના પણ ન કરી હોય. જે મુખ્તારના નામે ગેરકાયદે વસૂલાત થતી હતી તે આજે બધું જ ઠપ થઈ ગયું છે. વર્ષ ૨૦૨૪ સુધીમાં મુખ્તાર ગેંગના લગભગ તમામ ગુંડાને જેલમાં મોકલવામાં આવ્યા હતા અથવા પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. મુખ્તાર અન્સારીની લગભગ ૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

બાહુબલી મુખ્તાર અન્સારીના ત્રણ ભાઈઓ છે. સૌથી મોટા ભાઈનું નામ સિગબતુલ્લા અન્સારી છે. તેઓ બે વખત મોહમ્મદબાદથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે વર્ષ ૨૦૧૨માં સપાની ટિકિટ પર અને ૨૦૧૭માં કોમી એકતા દળની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. તેમના મોટા પુત્ર સુહેબ ઉર્ફે મન્નુ અન્સારી મોહમ્મદાબાદ, ગાઝીપુરના સમાજવાદી પક્ષના ધારાસભ્ય છે, જ્યારે અન્ય બે પુત્રો સલમાન અને સહર અન્સારી સ્થાનિક રાજકારણમાં સક્રિય છે અને પોતાનો વ્યવસાય ચલાવે છે. બીજા ભાઈ અફઝલ અન્સારી સાંસદ છે. ૧૯૮૫ થી ૧૯૯૬ સુધી તેઓ ચાર વખત સીપીઆઈ અને એક વખત સમાજવાદી પક્ષની ટિકિટ પર ધારાસભ્ય રહ્યા હતા.

અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અન્સારીને પ્રથમ વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અગાઉ તેને મહત્તમ ૧૦ વર્ષની સજા થઈ હતી. સુપ્રિમ કોર્ટના આદેશ પર પંજાબની રોપર જેલમાંથી ઉત્તર પ્રદેશમાં પરત આવ્યા બાદ મુખ્તાર પર કાયદાનો દોર કડક થવા લાગ્યો હતો. તેને દોઢ વર્ષમાં જુદી જુદી અદાલતો દ્વારા આઠ વખત સજા ફટકારવામાં આવી હતી, જેમાં બે વખત આજીવન કેદનો સમાવેશ થતો હતો. તેના કારણે મુખ્તાર અન્સારી માટે જેલમાંથી જીવતાં બહાર આવવું લગભગ અશક્ય બની ગયું હતું. મુખ્તારનો એક પુત્ર અબ્બાસ હાલમાં કાસગંજ જેલમાં સજા કાપી રહ્યો છે, જ્યારે નાનો પુત્ર ઉમર અબ્બાસ બે દિવસ પહેલાં પિતાને મળવા મેડિકલ કોલેજ આવ્યો હતો. પરિવારના નજીકનાં લોકોએ જણાવ્યું કે વહીવટીતંત્ર દ્વારા ઉમરને તેના પિતાના મૃત્યુની જાણ થતાં જ તે ખુરશી પરથી નીચે પડી ગયો હતો. ઉમરના કહેવા પ્રમાણે જ્યારથી તે સમજણો થયો ત્યારથી તેણે તેના પિતા વગર વર્ષો વિતાવ્યાં છે.

માફિયા સરદાર મુખ્તાર અન્સારીને વર્ષ ૨૦૧૬માં બાંદા જેલમાં મોકલવામાં આવ્યો હતો ત્યારે જેલ પ્રશાસન પર હત્યાનાં કાવતરાનાં ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા.  વર્ષ ૨૦૧૭માં તે પ્રોટેક્શન વોરંટ પર પંજાબની રોપર જેલમાં ગયો હતો; પરંતુ એપ્રિલ ૨૦૨૧માં તેને ફરીથી બાંદા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારથી મુખ્તાર અન્સારી અને તેનો પરિવાર સતત જેલ પ્રશાસન પર હત્યાના પ્રયાસો કરવાનો આરોપ લગાવી રહ્યો છે.

અલ્હાબાદમાં અતીક અને તેના ભાઈની હત્યા બાદ તેના પુત્ર અને વકીલે મુખ્તાર અન્સારી બીમાર હોવાનો અને જેલ પ્રશાસન પર તેની સારવાર ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી મુખ્તારના ભૂતપૂર્વ સાંસદ ભાઈએ જેલના પ્રશાસન પર મુખ્તારની હત્યા માટે બહારના લોકોને જેલમાં પ્રવેશ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે જેલ પ્રશાસન મુખ્તારની હત્યાનું કાવતરું ઘડી રહ્યું છે. હાલમાં જ મુખ્તારના વકીલે પણ જેલ પ્રશાસન પર તેને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top