Business

શા માટે સીઝનલ ફળો જ ખાવાં જોઈએ?

નીરજા પરીખ

આપણે છેલ્લા કેટલાક અંકોથી ઋતુ પ્રમાણેનાં ફળો વિશે માહિતી મેળવી રહ્યા છીએ. કઈ ઋતુમાં કયાં ફળો આરોગવાં? એ ફળોના ફાયદા શું અને કોણે એ ફળો ન આરોગવાં એ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. હવે આ અંકે આપણે જાણીએ કે શા માટે સીઝનલ ફળો જ આરોગવાં જોઈએ અને સીઝન વગરનાં ફળો ખાવાથી શું તકલીફો આવી શકે?
કુદરત આપણને બદલાતી ઋતુને કારણે વાતાવરણમાં થતાં બદલાવ અને એ બદલાવની સાથે તાદાત્મ્ય સાધવા માટે આપણા શરીરને તૈયાર કરે છે અને આ તૈયારીના ભાગ રૂપે તે જાતભાતનાં ફળો અને શાકભાજીઓનું નિર્માણ કરે છે.

વિજ્ઞાનનાં સંશોધનો અને સર્કેડીયન કલોકને સમજીએ તો આપણાં શરીરમાં સૂર્યના તાપની તીવ્રતા અનુસાર પાચક રસોના ઉત્પાદનના પ્રમાણમાં વધઘટ થાય છે અને એથી જ અમુક ઋતુમાં ઊગતાં ફળો અને શાકભાજીઓ આપણું શરીર માત્ર એ જ ઋતુમાં પચાવવા માટે સક્ષમ હોય છે. દા. ત. ઉનાળાની ગરમીમાં જટિલ કાર્બોહાઈડ્રેટને પચાવવા માટે શરીરમાં યોગ્ય પ્રમાણમાં પાચકરસો ઉત્પન્ન થાય છે અને આપણે ઉનાળામાં કેરી અને દ્રાક્ષ જેવાં વધુ કાર્બોહાઈડ્રેટવાળાં ફળો સરળતાથી પચાવી શકીએ છીએ. જો ફ્રીઝ કરેલી કેરી અથવા તેનો રસ શિયાળામાં આરોગવામાં આવે તો તે પચવામાં ભારે પડી એસિડિટી કરી શકે છે.

વળી, જેતે ઋતુમાં થતાં વાતાવરણના બદલાવને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ મંદ પડે છે. આવા સંજોગોમાં તાજા એ જ ઋતુમાં લણવામાં આવેલાં ફળો રોગપ્રતિકારકશક્તિમાં વધારો કરે છે. વાસી અને ફ્રોઝન ફળોમાં તાજાં ફાળોની સરખામણીએ પોષક તત્ત્વોનું પ્રમાણ ઓછું હોય છે.

સૂર્યના તડકામાં સૂકવેલા અને ફ્રીઝ ડ્રાય કરેલાં ફળોમાં એસિડનું રાસાયણિક બંધારણ કાળક્રમે બદલાવા પામે છે અને જે બદલાયેલાં રાસાયણિક સંયોજનો આપણું શરીર ક્યારેક પચાવવા માટે અક્ષમ હોય છે.

તાજાં ફળો એન્ટી ઓક્સિડન્ટ તત્ત્વો થી ભરપૂર હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય અને ત્વચાની સ્થિતિસ્થાપકતા માટે ખૂબ જરૂરી છે. સમય જતાં ફળોના એન્ટી ઓક્સિડન્ટ તત્ત્વોમાં ઘટાડો થતો જોવા મળે છે. જેથી તાજાં ફળોની સરખામણીમાં ફ્રોઝન ફળો ઓછા ફાયદાકારક હોય છે.

જે ફળો ભારતમાં જેતે ઋતુમાં પાકે છે તેને પચાવવા માટે આપણું શરીર સજજ હોય છે પરંતુ મોંઘાદાટ વિદેશી ફળો જે બહારથી આયાત કરવામાં આવે છે તેને ઉગાડવાથી લઇને આપણાં દેશો સુધી પહોંચાડવામાં ખૂબ સમય લાગતો હોય છે. આ સમય દરમ્યાન તેનાં પોષક તત્ત્વોનું પ્રમાણ ઘટી જતું હોય છે. વળી, આવાં ફળો બગડી ન જાય તે માટે ખાસ પ્રકારનાં રસાયણનો તેના પર છંટકાવ કરવામાં આવે છે જેને કારણે તે શરીર માટે ક્યારેક બિનજરૂરી નુકસાનકારક દ્રવ્યો ( ટોકસીન્સ ) ઉત્પન્ન કરી શરીરને રોગીષ્ટ કરી શકે છે.

આથી, આપણા દેશમાં, આપણાં શહેરમાં, આપણી આસપાસ ઊગતાં ફળો જેતે ઋતુમાં જ આરોગવા એ સૌ માટે ફાયદાકારક છે.

Most Popular

To Top