SURAT

લો હવે માત્ર 500 રૂપિયા ભરીને પોતાની સોસાયટીમાં સીસી રોડ બનાવી શકાશે

surat : આંતરરાષ્ટ્રીય બજારોમાં ( international market) સતત વધી રહેલા તેલના ભાવોને કારણે પેટ્રોલિયમ પેદાશોના ( Petroleum products ) ભાવ પણ ખુબ વધી ગયા છે. તેથી હવે ડામર રોડ બનાવવા કરતા કોંક્રિટ રોડ ( Concrete road) સસ્તા પડે છે તેવી દલીલ સાથે મનપાના સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે હવેથી સોસાયટીઓ સહિતના તમામ રોડ સી.સી.રોડ ( c c road ) જ કરવાની જાહેરાત કર્યા બાદ ગૂરવારે મળેલી સ્થાયી સમિતિમાં સોસાયટીઓમાં સી.સી.રોડ બનાવવા માટેની નવી પોલિસીને ( new policy) પણ મંજૂરી આપી દીધી હતી. જેમાં અગાઉની પોલિસીમાં ફેરફાર કરાયો છે.

અત્યાર સુધી સોસાયટીઓમાં સીસી રોડ બનાવવા માટે સોસાયટીઓએ ફરજિયાત 20 ટકા ફાળો આપવો પડતો હતો, તેની જગ્યાએ હવે 70 ટકા સરકારી ગ્રાન્ટ, 20 ટકા ધારાસભ્ય-સાંસદની ગ્રાન્ટ અને 10 ટકા મનપાની ગ્રાન્ટની મદદથી સોસાયટીઓ કોઇ પણ ભારણ વગર સી.સી.રોડ બનાવી શકશે. અગાઉ 2016માં થયેલા ઠરાવોમાં નજીવા ફેરફાર સાથે આ પોલિસીને મંજૂરી અપાઇ છે. જેનો લાભ રહેણાંક સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડની વસાહતો અને હળપતિવાસ જેવી વસાહતોને મળશે. ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓને આ પોલિસીમાંથી બાકાત રાખવામાં આવી છે.

સોસાયટીવાસીઓ ડામર રોડ બનાવવા માંગતા હોય તો તે વિકલ્પ પણ ખુલ્લો રખાયો છે. જે સોસાયટીઓમાં ડામર રોડ બનેલા હોય તેને સીસી રોડ બનાવવા માટે માત્ર 500 રૂપિયા ભરીને અરજી કરવાની રહેશે, જયારે પ્રથમ વખત રોડ બનાવવાનો હોય તો એસ્ટિમેન્ટ બનાવવા માટે નકકી થયેલા પાંચ હજાર રૂપિયા ભરીને જુની પદ્ધતિ પ્રમાણે જ અરજી કરવાની રહેશે તેવું સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું. હાલમાં 250થી વધુ સોસાયટીઓમાં રસ્તાના કામો કરવાના થતા હોય તેને પણ આ લાભ મળશે.



મનપાના છ પ્લોટના ભાડા રિવાઈઝ્ડ કરાતા 40થી 100 ટકાનો વધારો મળ્યો

સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા સુરત મનપાના વિવિધ હેતુ માટે ભાડાથી અપાતા પ્લોટની વિગતો મંગાવી જે તે પ્લોટને તેના લોકેશન અને માર્કેટવેલ્યુના આધારે ભાડામાં વધારો કરવા નકકી કરાયું હતું. જેના માટે તમામ ઝોનના પ્લોટની વિગતો પણ મંગાવી હતી. તેમજ હવે જે પ્લોટનો ભાડપટ્ટો પુરો થતો હોય અને રિન્યુ માટે આવે ત્યારે નવા ભાવો નક્કી કરવાનું શરૂ કરાયું છે. જેના ભાગ રૂપે ગુરૂવારે મળેલી સ્થાયી સમિતિની મીટિંગમાં પાલ,અડાજણ, ઉત્રાણ-કોસાડ, વેસુ અને ભીમરાડના છ પ્લોટ માટે જૂના ભાડાના બદલે નવા ભાડા નક્કી થતાં આ ભાડાના દરમાં સરેરાશ 40 ટકાથી માંડીને 100 ટકા સુધી વધારો કરાયો છે. તેમજ અગાઉ કરતા 6.23 લાખની વધારાની આવક થઇ છે, આ વધારો ભલે નજીવો છે. પરંતુ આખા શહેરના પ્લોટમાં આ પોલિસી લાગુ થતા મનપાને સમયાંતરે ભાડાની આવકમાં મોટો વધારો થવાની આશા વ્યકત થઇ રહી છે.

Most Popular

To Top