Charchapatra

ઝંખના

જીવનની મૂળભૂત જરૂરિયાતો સંતોષાયા પછી પણ કશુંક પામવા કે એકઠું કરવાની અંતહીન ઇચ્છાઓ કેમ આપણને દોડાવ્યા કરે છે? આપણે સૌ ટાઇમલેસ ફોર્મ લેસ અને બાઉન્ડલેસ એટલે નિત્ય, નિરાકાર અને અનંત છીએ. આપણી અંદર રહેલા ચૈતન્યનો મૂળ સ્વભાવ જ વિસ્તરણ છે. અમર્યાદિત સિધ્ધિ, સંપત્તિ કે સફળતાની ઘેલછા તો એક લક્ષણ છે. શરીરના સીમાડામાં મુંઝવણ અનુભવતી ઊર્જાનું એક બાહ્ય લક્ષણ જેને આપણે સમજી નથી શકતા. વિસ્તરણની ઝંખના કુદરતી હોવા છતાં પણ આટલા બધા અજંપા, અસંતોષ અને અકળામણનું કારણ એ છે કે આપણા વિસ્તરણની દિશા અયોગ્ય છે.

ચૈતન્યનું પેટ ભરવાને બદલે આપણે શરીર ઓળખ અને અહંકારને ખખડાવ્યા કરીએ છીએ. આત્માનો ખોરાક સંગીત, પુસ્તકો, પ્રવાસ અને પ્રેમ છે. રખડપટ્ટી, મહેફિલ અને મહોબ્બત છે. એ પ્રાણી હોય કે મનુષ્ય, કોઇ એક સજીવ સાથેનો ગાઢ સંબંધ આપણને જેટલો તૃપ્ત કરે છે એટલો સંતોષ પદાર્થોના ખડકલા કર્યા પછી પણ નથી થતો. મૂળભૂત રીતે આપણે કનેકશન ઝંખીએ છીએ. આ અનંત અને અમર્યાદિત બ્રહ્માંડ સાથેનું જોડાણ ઝંખીએ છીએ. આપણે સંવેદનાઓ અને અનુભવો ઝંખીએ છીએ. સામગ્રી નહીં?
ગંગાધરા- જમીયતરામ હ. શર્મા       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top