SURAT

પુણા, ઓમકાર સોસાયટી પાસે ગેસ સુસવાટા ભેર લિકેજ થવાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડ

સુરત: (Surat) પુણાગામ સ્થિત ઓમકાર સોસાયટી પાસે જીઇબી (GEB) દ્વારા ખોદેલા ખાડામાં ગુજરાત ગેસની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જતાં ગેસ સુસવાટા ભેર લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લીકેજની અસરથી તાત્કાલિક ધોરણે ગુજરાત ગેસ તથા જીઇબીના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બીજી તરફ ઘટનાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમને પણ તાત્કાલિક ધોરણે રવાના કરી દેવામાં આવી હતી. 

  • પુણા, ઓમકાર સોસાયટી પાસે મધરાત્રે ગુજરાત ગેસની લાઈનમાં લિકેજ: પાવરકટથી લોકો ત્રાહિમામ
  • ગેસ સુસવાટા ભેર લિકેજ થવાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડ, ગુજરાત ગેસ અને જીઇબીની ટીમના અધિકારીઓના કાફલાને તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરી દેવાયો હતો
  • ગેસ લાઈનની સાથે પાવર કટ થતા સ્થાનિક લોકો ગરમી અને ઉકળાટને કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા

પ્રાપ્ત માહિતી મુજબ પુણાગામ વિસ્તારમાં આવેલી ઓમકાર સોસાયટી નજીક જીઇબી દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. દરમિયાન ગુરુવારે મધ રાત્રે 2:30 કલાકે સોસાયટીમાં ગેસ સપ્લાય કરતી મુખ્ય લાઈનમાં ભંગાણ થતા ગેસ મોટા પ્રમાણમાં લીકેજ થવા લાગ્યો હતો. ધટના અંગે ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવતા પુણા ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.  દરમિયાન ગુજરાત ગેસ, જીઇબીના અધિકારીઓની ટીમ પણ પહોંચી ગઈ હતી. પ્રથમ જીઇબી દ્વારા સ્થાનિક વિસ્તારનો પાવર અને ગેસ લાઈન થોડા કલાક માટે બંધ કરવામાં આવ્યો હતો.

ગુજરાત ગેસની ટીમ દ્વારા ગેસ લાઈન ભંગાણનું કામ વ્યવસ્થિક પૂર્ણ કરી બંને ટીમ દ્વારા ફરી જીઇબી પાવર અને ગેસ લાઈન સ્થાનિક વિસ્તારમાં ચાલુ કરવામાં આવ્યો હતો. જ્યાં ખાડો ખોદવાની કામગીરી ચાલી રહી તે રસ્તા ઉપર જીઇબીનું ટ્રાન્સફોર્મર પણ હતું. કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે પુણા ફાયર સ્ટેશનની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી તેવું ફાયર સબ ઓફિસર દિનુ પટેલે જણાવ્યું હતું. વધુમાં ગેસ લાઈન અને પાવર કટ થતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેવું પણ જાણવા મળ્યું હતું.

Most Popular

To Top