Gujarat

આજથી ક્ષત્રિય આંદોલન આક્રમક: રાજ્યભરમાં ભાજપનો જાહેરમાં વિરોધ કરાશે, 26 બેઠકો માટે કરાયું આયોજન

ગાંધીનગર: (Gandhinagar) પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ સાથે વિરોધ શરૂ થયો છે. રૂપાલાનું ફોર્મ રદ કરવાની માંગણી સાથે શરૂ થયેલું આ આંદોલન (Movement) આવતીકાલથી આક્રમક સ્વરૂપ લેશે, તેવો ક્ષત્રિય સમાજના સંકલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી ક્ષત્રિય સમાજનું આંદોલન રાજ્યની 26 એ 26 લોકસભા બેઠકો ઉપર ભાજપના વિરોધ સાથે આક્રમકતા થી શરૂ થશે.

  • દુશ્મનો દુશ્મન આપણો દોસ્ત નીતિ અપનાવીને ભાજપના ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરાશે
  • વડાપ્રધાન હોય કે ગૃહ મંત્રી હોય તમામનો વિરોધ થશે – 26 લોકસભા બેઠકો માટે ક્ષત્રિય આગેવાનોને વિરોધ કાર્યક્રમ માટે જવાબદારીઓ નક્કી કરાઈ

ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની આજે અમદાવાદના ગોતા ખાતે રાજપુત ભવન ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના 92 સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, અને આ પ્રતિનિધિઓએ રૂપાલાનું ફોર્મ રદ કરવા મામલે રાજકોટમાં મળેલા સંમેલનમાં 19મી તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આજે 19 તારીખ પૂર્ણ થતાં આવતીકાલે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- ટુ શરૂ કરવામાં આવશે.

સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહએ જણાવ્યું હતું કે 14મી તારીખે રાજકોટ ખાતે મળેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં રૂપાલાનું ફોર્મ 19મી સુધી પાછું નહીં ખેંચાય તો ઓપરેશન ભાજપ શરૂ કરવામાં આવશે. જેનું અલ્ટીમેટમ આજે પૂર્ણ થતાં હવે આવતીકાલથી ઓપરેશન ભાજપ શરૂ કરવામાં આવશે. રાજ્યભરમાં હવે ભાજપનો જાહેરમાં વિરોધ કરી ભાજપ વિરુદ્ધ સક્ષમ પાર્ટીના ઉમેદવારને મતદાન કરવા લોકોને અપીલ કરવામાં આવશે.

ક્ષત્રિય સમાજ દ્વારા હવે નવું સૂત્ર આપવામાં આવ્યું છે મત એ જ અસ્ત્ર, અને મત એ જ શસ્ત્ર આ સૂત્ર પ્રમાણે આવતીકાલથી રાજ્યની 26 લોકસભા બેઠકો ઉપર ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી પડશે. દુશ્મનનો દુશ્મનએ દોસ્ત, આ નીતિ અપનાવીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરવામાં આવશે. ગુજરાતના ગામડે ગામડે સભાઓ સંમેલનો યોજીને તમામ સમાજના લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે આહવાન કરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યભરમાં જ્યાં પણ ભાજપની જાહેર સભાઓ, સંમેલનો, મેળાવળાઓ કે ભાજપની પ્રચાર સભા હશે, ત્યાં સભાઓમાં કાળા વાવટાઓની જગ્યાએ હાથમાં કેસરિયા ઝંડા થી વિરોધ કરી ક્ષત્રિય સમાજ પોતાનો વિરોધ રજૂ કરશે.આંદોલનને વધુ વેગવંતુ અને આક્રમક બનાવવા માટે તેમજ મહિલાઓને પણ આ આંદોલનમાં જોડવા માટે દરેક જિલ્લાઓમાં એક દિવસના પ્રતિક ઉપવાસ ક્ષત્રિય દ્વારા પણ કરવામાં આવશે એક દિવસનો પ્રતિક ઉપવાસ કરી પોતાનો વિરોધ રજૂ કરશે. ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતના પાંચ ઝોનમાં 22 એપ્રિલથી તમામ ધાર્મિક સ્થળો ઉપર ધર્મરથ કાઢીને ગામડે ગામડે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લોકોને જાગ્રત કરશે.

Most Popular

To Top