Editorial

નવા વર્ષમાં જાણીએ શ્રી ક્રિષ્ણા શું કહે છે

એક જ એવાં વિશ્વગુરુ જેની આપણને ગમતી આવૃત્તિ સ્વીકારવાની છૂટ! ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે. ગીતા એટલા માટે નથી રચાઈ કારણ કે ભગવાનને ઉપદેશ આપવો છે, ગીતા એટલા માટે રચાઈ છે કારણ કે પરમભક્ત અર્જુન પાસે ભગવાનને પૂછવા માટે અનેક સવાલો છે. તમારામાં અપાર શક્તિઓ હોવા છતાં આગળ વધી શકાતું ના હોય તો ગીતા તમને ઉપયોગી છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનથી લઈને એટમ બોમ્બના જનક પ્રખ્યાત અમેરિકન ભૌતિકશાસ્ત્રી રોબર્ટ ઓપેનહાઇમર સુધી ભગવદ્દ ગીતા પ્રેરણાસ્ત્રોત બની છે. શ્રી કૃષ્ણ આધુનિક સમયનાં સૌથી લોકપ્રિય અવતાર છે.

આ એક જ એવાં વિશ્વગુરુ છે જેણે આપણને બધાને તેમની મનગમતી આવૃત્તિ સ્વીકારવાની છૂટ આપી છે. આજે કૃષ્ણ જન્મોત્સવ. પાંચ હજારથી વધુ વર્ષોથી તેને દરેક ઘરમાં હર્ષભેર મનાવવામાં આવે છે. કૃષ્ણ ખુદ આનંદ છે. જીવનનાં કોઈક ને કોઈક પ્રસંગે આપણે જાતને શ્રી કૃષ્ણ સાથે સાંકળી શકીએ એટલાં એ સહજ છે. ભગવાનના બીજા કોઈ પણ અવતારની સરખામણીમાં શ્રી કૃષ્ણ સૌથી વધુ માનવીય ગુણો ધરાવતો અવતાર ગણી શકાય.

તેમણે પૃથ્વી પર મનુષ્ય માતા-પિતાને ત્યાં જન્મ લીધો, બાળકથી લઈને યુવાવસ્થા અને છેવટે એક પૂર્ણ પુરુષ એમ તબક્કાવાર કોઈ સામાન્ય મનુષ્યની જેમ મોટા થયા, આપણે અનુભવીએ એ દરેક લાગણીઓ તેમણે અનુભવી. એક સામાન્ય માણસની જેમ જ તેઓ બધા કૌશલ્યો શીખ્યા, તેનો અભ્યાસ કરી આગળ વધ્યા, એ બધી પીડા સહન કરી, આપણી જેમ જીવનના દરેક તબક્કે આનંદનો અનુભવ કર્યો, જેને લીધે સાધારણ માણસ તેમને પોતાનાથી સહજ રીતે જોડી શકે છે.

કૃષ્ણાવતાર એટલે જ પૂર્ણાવતાર કહેવામાં આવે છે. એવું કહેવાય છે 16 કળાઓ ધરાવતી વ્યક્તિ ભગવાનની બરાબર છે અથવા એમ કહીએ કે તે પોતે ભગવાન છે. પથ્થરો અને ઝાડ એ 1થી 2 કળાના જીવો છે. પ્રાણીઓ અને પક્ષીઓમાં 2થી 4 કળા હોય છે. એક સામાન્ય માનવમાં 5 કળાઓ છે અને એક સંસ્કારી સમાજમાં માનવીમાં 6 કળાઓ છે. તેવી જ રીતે, વિશિષ્ટ પુરુષમાં 7 કળાઓ, ઋષિ અને મહાપુરુષોમાં 8 કળાઓ હોય છે. અહીં સપ્તર્ષિગન, મનુ, દેવતા, પ્રજાપતિ, લોકપાલ વગેરે 9 કળાઓ ધરાવે છે. આ પછી 10 અને 10થી વધુ કળાઓની અભિવ્યક્તિ ફક્ત ભગવાનના અવતારોમાં જ વ્યક્ત થાય છે.
ભક્તો હંમેશા શ્રી કૃષ્ણએ તેમના જીવન દ્વારા જે પણ સ્વરૂપોનો પરિચય કરાવ્યો છે તેને પૂજી શકશે પરંતુ, કૃષ્ણનું અસ્તિત્વ તેનાથી ઘણું ઉપર છે. તેઓ સાતત્ય અને નીતિનો અનુપમ પ્રકાશ છે!! આજનાં સમયમાં તેઓ તેમની દિવ્યતાને આધારે જ પ્રમુખ દેવોમાં સ્થાન નથી પામ્યા પરંતુ, તેઓ પૂજનીય બન્યા છે તેમની આગવી, આધુનિક અને ભવિષ્યવાદી વિચારધારા ને લીધે! જીવન જીવવાની પદ્ધતિઓ, જીવનના વિરોધાભાસનો સ્વીકાર તેમજ જીવનનો અર્થ અને હેતુ શોધવાની પ્રવીધિઓ જેવા વિષયો પરના તેમનાં વિચાર તેમના સમયથી ઘણા આગળ અને નૂતન રહ્યા છે.

મનુષ્ય તરીકે શ્રી કૃષ્ણએ આપણને ‘જળકમળવત્ત’ રહી જીવતા શીખવ્યું છે. તેમના જીવનકાળ દરમિયાન એવા અનેક પ્રસંગો આવ્યા જ્યાં તેઓ પોતાની તમામ ક્ષમતાઓ અને શક્તિ વડે વિવિધ કસોટીઓ પર ખરા ઉતર્યા છે. મહાભારતના એ યુદ્ધમાં જગતના સૌથી બળવાન, શૌર્યવાન બાણાવળી અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બંને સેના વચ્ચે લેવાનું કહે છે. બંને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવે છે. યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગે છે.

તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી જાય છે. આ સમયે કૃષ્ણે ધર્યું હોત તો પોતાના પરમભક્ત અર્જુનને બદલે પોતે કૌરવોની આખી સેનાએ સામે કાફી હતા. ખરેખર ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન શ્રી કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે, જેમાં દરેકે લડવું પડે છે. યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.

ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે. ગીતા એટલા માટે નથી રચાઈ કારણ કે ભગવાનને ઉપદેશ આપવો છે, ગીતા એટલા માટે રચાઈ છે કારણ કે પરમભક્ત અર્જુન પાસે ભગવાનને પૂછવા માટે અનેક સવાલો છે. છેલ્લે અર્જુનને સમજાય જાય છે કે, યુદ્ધ તો કરવું જ પડશે ત્યાંથી ગીતાનો સાર પૂરો થઈ જાય છે. શ્રી કૃષ્ણએ આપણને શરીર અને આત્માને અલગ-અલગ છતાં સહઅસ્તિત્વમાં જોતા શીખવ્યું છે. કૃષ્ણ અગાધ પ્રેમ, શક્તિ, શાણપણ, હિંમત, શૌર્ય, સંવેદનશીલતા, ઋજુતા, સદ્દગુણ અને દિવ્યતાનું મૂર્ત રૂપ છે, જેને મેળવવા કે પોતાના બનાવવા માટે એકમાત્ર શરત છે – શરણાગતિ!!

આપણે એક વખત પોતાને હરિશરણ ધરી દઈએ અને જાતને આ અને પછીની કોઈ પણ જિંદગી માટે તેમને સોંપી દઈએ તો કૃષ્ણ આપણને જેવા છીએ તેવા ગુણ-અવગુણથી યુક્ત જ સ્વીકારી લેવાનું વચન આપે છે. તેમનાં કાર્યો અને વિચારધારા એ વાતની સાબિતી છે કે તેઓ સમયથી પહેલા પણ હતા, અત્યારે પણ આપણી સાથે છે અને સમયના અંત બાદ પણ તેઓ આપણી સહાય અર્થે આપણી સાથે જ રહેશે. અર્જુનને વિષાદ યોગ થયો એટલે જ ગીતા રચાઈ.

તમારામાં અપાર શક્તિઓ હોવા છતાં આગળ વધી શકાતું ના હોય તો ગીતા તમને ઉપયોગી છે. અર્જુનમાં અપાર શક્તિઓ હતી છતાં ગાંડીવ ઉપાડતાં હાથ કાંપી રહ્યા હતા, એટલે અર્જુન માટે ગીતા રચાઈ. આપણને અહીં પ્રશ્ન થાય કે, અર્જુનને જેવો વિષાદ યોગ થયો એવો યુધિષ્ઠિર કે બીજા ભાઈઓને કેમ ન થયો? એટલે જ ગીતા અર્જુનના કૃષ્ણ સાથેના સંવાદથી જન્મી છે, નહીં કે, ધર્મરાજા યુધિષ્ઠિર, મહાબલી ભીમ કે નકુલ-સહદેવથી. જીવનમાં વિષાદ યોગ પાર કર્યા પછી જ અનાસકિતના આનંદ સુધી પહોંચી શકાય છે, એવું ગીતા શીખવે છે. ગીતા સાંભળ્યાં પછી જ અર્જુને ગાંડીવ ઉઠાવ્યું હતું. ગીતા એવું સૂચવે છે કે, ભગવાનને સતત પ્રશ્નો પૂછતો રહે એવો ભક્ત તેમને પ્રિય છે.

એટમ બોમ્બના જનક પ્રખ્યાત અમેરિકન ભૌતિકશાસ્ત્રી રોબર્ટ ઓપેનહાઇમરે ભગવદ ગીતા વિશે કહ્યું હતું કે, ગીતા એ એક મહાન ગ્રંથ છે, જેણે મારા જીવનને સૌથી વધુ પ્રભાવિત કર્યો છે. એટલું જ નહીં, પ્રસિદ્ધ ઑસ્ટ્રિયન ફિલસૂફ રુડોલ્ફ સ્ટેઇનરે ગીતાને એક અદ્ભુત પ્રેરણાત્મક પુસ્તક ગણાવ્યું અને કહ્યું કે તેને સમજવા માટે જરૂરી છે કે આપણે આપણા અંતરાત્મા સાથે સુમેળ સાધીએ. આલ્બર્ટ આઈન્સ્ટાઈનએ કહ્યું હતું – જ્યારે હું ભગવદ ગીતા વાંચું છું અને ભગવાને આ બ્રહ્માંડ કેવી રીતે બનાવ્યું તે વિશે વિચારું છું ત્યારે બીજું બધું ખૂબ જ અનાવશ્યક લાગે છે. મેં ભગવદ ગીતાને મારી પ્રેરણાના મુખ્ય સ્ત્રોત તરીકે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને મારા સિદ્ધાંતોની રચનાના હેતુ માટે માર્ગદર્શક બનાવી છે. એવું કહેવાય છે કે, ભગવદ્ ગીતા સ્વામી વિવેકાનંદના બે સૌથી પ્રિય પુસ્તકોમાંથી એક હતી (બીજું પુસ્તક “ધ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ” હતું). 1888-1893માં જ્યારે વિવેકાનંદ આખા ભારતમાં સાધુ તરીકે પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે તેમણે તેમની પાસે માત્ર બે પુસ્તકો રાખ્યા હતા – ગીતા અને ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ.

અમેરિકન કવિ અને ફિલસૂફ હેનરી ડેવિડ થોરે પણ કહ્યું હતું કે, વહેલી સવારે હું ગીતાના વિલક્ષણ અને બ્રહ્માંડ-વિષયક-ઉદભવતી ફિલસૂફીથી મારી બુદ્ધિને સીંચું છું, જેની સરખામણીમાં આપણું આધુનિક વિશ્વ અને આધુનિક સાહિત્ય ઓછું અને તુચ્છ લાગે છે. પ્રુશિયન ફિલોસોફર-વિદ્વાન વિલ્હેમ હમ્બોલ્ટે ગીતાને વિશ્વની સૌથી દાર્શનિક અને વિશ્વને પહોંચાડવા માટેનું સૌથી ઊંડું જ્ઞાન ગણાવ્યું હતું. પ્રખ્યાત ઉર્દૂ ફિલસૂફ શાયર ઈકબાલે પણ કહ્યું હતું કે, માનવ-બૌદ્ધિકતાના ઈતિહાસમાં શ્રી કૃષ્ણનું નામ હંમેશા આદર સાથે લેવામાં આવશે.

ગાંધી, વિનોબા ભાવે, ઓરોબિંદો, સુનિતા વિલિયમ્સ વગેરે અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ભગવદ ગીતાની મહાનતા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે, જેમાં વિશ્વની અન્ય ઘણી વ્યક્તિઓ પણ સામેલ છે. આપણે અહીં અગણિત ઉદાહરણ આપી શકીએ એમ છીએ કે શા માટે શ્રી કૃષ્ણ આધુનિક સમયનાં સૌથી લોકપ્રિય અવતાર છે. આ એક જ એવાં વિશ્વગુરુ છે જેણે આપણને બધાને તેમની મનગમતી આવૃત્તિ સ્વીકારવાની છૂટ આપી છે.

Most Popular

To Top