Latest News

More Posts

લોકસભા ચૂંટણીના (Election) પ્રથમ તબક્કાનો પ્રચાર બુધવારે થંભી ગયો હતો. પ્રથમ તબક્કાનું (First Phase) મતદાન આવતીકાલે એટલેકે શુક્રવાર 19 એપ્રિલે થશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 21 રાજ્યોની કુલ 102 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. આ તબક્કામાં મતદારો ચૂંટણી લડી રહેલા 1625 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.

19 એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જે બેઠકો પર મતદાન થશે તેની આસપાસના જિલ્લાઓની સીમાઓ સીલ રહેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા લોકસભા મતવિસ્તારોમાં ઘણા રસ્તાઓ પણ સીલ કરવામાં આવ્યા છે. સંવેદનશીલ મતદાન મથકોની આસપાસ ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. નક્સલ પ્રભાવિત વિસ્તારો અને ઉત્તર પૂર્વ વિસ્તારોમાં સ્થિત મતદાન કર્મચારીઓને બૂથ સુધી પહોંચાડવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે. મતદાન નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે થાય તે માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના લગભગ ત્રણ લાખ જવાનોએ ત્રણ સ્તરીય સુરક્ષા બંદોબસ્ત તૈયાર કર્યો છે. ચૂંટણી જિલ્લાઓમાં સંકલિત કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે.

21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 સંસદીય બેઠકો પર મતદાન થશે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની 92 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. અરુણાચલ પ્રદેશની 2 લોકસભા બેઠકો પર મતદાન થશે, જેમાં અરુણાચલ પ્રદેશ પૂર્વ અને અરુણાચલ પ્રદેશ પશ્ચિમનો સમાવેશ થાય છે. આસામની ડિબ્રુગઢ, જોરહાટ, કાઝીરંગા, લખીમપુર અને સોનિતપુર બેઠકો પર મતદાન થશે. બિહારમાં ઔરંગાબાદ, ગયા, જમુઈ અને નવાદા સીટ પર મતદાન થશે.

કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડી લોકસભા બેઠકો પર કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની લગભગ 300 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ બૂથ ઉપરાંત રાષ્ટ્રીય રાજમાર્ગ અને સ્થાનિક માર્ગો પર પણ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. જાહેર પરિવહન અને ખાનગી વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મણિપુર અને બંગાળમાં મતદાન દરમિયાન ત્રણ સ્તરીય સુરક્ષા ઘેરાવામાં આવશે. જે બેઠકો પર મતદાન થશે તેની આસપાસના જિલ્લાઓની સીમાઓ સીલ કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, આસામ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં આંતરરાષ્ટ્રીય સરહદોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ મતદાન મથકોની આસપાસ પેટ્રોલિંગ કર્યું. સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. મોટાભાગના કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ સ્થાનિક પોલીસે કેન્દ્રીય દળો સાથે મળીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. યુપી-ઉત્તરાખંડ બોર્ડર પર સતર્કતા વધારી દેવામાં આવી છે. બિલાસપુર, બાજપુર-સ્વાર બોર્ડર, મસાવાસી બોર્ડર પર પણ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. મતદાન મથકની 200 મીટરની અંદર વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં. બૂથ પર મોબાઈલ ફોનના મર્યાદિત ઉપયોગ અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

જણાવી દઈએ કે 2019માં પ્રથમ તબક્કામાં કુલ 91 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાંથી 31 બેઠકો ભાજપના ખાતામાં ગઈ હતી. આ સાથે જ કોંગ્રેસના માત્ર નવ ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા હતા. આ સિવાય 51 બેઠકો અન્ય પક્ષોએ કબજે કરી હતી. હવે 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાનનો વારો છે. આ પહેલા ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

To Top