Latest News

More Posts

સુરતઃ ભટારમાં ઝઘડાની અદાવતમાં એક ગ્રાહકે તેના મિત્રો સાથે મળી મીઠાઈની દુકાન જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દેતાં ભયનો માહોલ ફેલાયો હતો. વેપારીએ દુકાનમાં આગ લગવનાર ગ્રાહક સહિત ત્રણ લોકો વિરૂદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરાની દેવી કૃપા સોસાયટીમાં રહેતા મૂળ રાજસ્થાનના 25 વર્ષીય પંકજભાઇ બખ્તારસિંગ રાજપુરોહિત, ભટાર બી.કે.પાર્ક સોસાયટીમાં બાલાજી સ્વીટ નામની દુકાન ચલાવે છે. પંકજ ગત 4થીના સવારે દુકાન પર હતો ત્યારે ગટ્ટુ નામના ઇસમે દુકાન પર આવી સામાન ખરીદ્યો હતો, જેનું 500 રૂપિયાનું બિલ કયુઆર કોડથી કરી આપ્યું હતું. બપોરે બારેક વાગ્યે ફરી ગટ્ટુ આવીને પંકજ પાસે કેશ માંગતા તેણે તેને તે રૂપિયા કેસ આપતા ફરી તેણે દુકાનનાં ક્યુઆર કોડ પર પેમેન્ટ કરી આપ્યું હતું. થોડા સમય બાદ ગટ્ટુ દુકાન પર આવીને રૂ.1875 નો સામાન લઈને પેમેન્ટ ઓનલાઈન ટ્રાન્સફર કર્યું હતું.

સાંજે પંકજના ભાઈ બજરંગભાઈ દુકાન પર હાજર હતાં તે વખતે ગટ્ટુ દુકાને ફરીથી આવીને 2 હજારનો સામાન લીધો અને 5 હજાર રોકડા લઈને 7 હજાર ટ્રાન્સફર કરવાનું કહેતા પંકજનાં ભાઈ બજરંગભાઈએ તેમના મોબાઇલનો ક્યુઆર કોડ પર ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. ગટ્ટુએ પંકજના ભાઈના મોબાઇલનો ક્યુઆર સ્કેન કરીને 7 હજાર ટ્રાન્સફર કરી દીધા હોવાનું જણાવ્યું હતું, જો કે પંકજનાં ભાઈએ મોબાઇલ ચેક કરતાં પેમેન્ટ નહિ આવ્યું હોવાનું માલમ પડ્યું હતું.

શંકા જતાં વધુ તપાસ કરતા ગટ્ટુએ સવારથી કોઇ પેમેન્ટ કર્યા વગર જ દુકાનેથી માલસામાન તથા રોકડા રૂપિયા લઈ ગયો હોવાનું માલમ પડ્યું હતું. જે અંગે પંકજના ભાઈએ પંકજને ફોન કરી સમગ્ર હકીકત જણાવી હતી. હકીકત જાણી પંકજ તુરંત દુકાને દોડી આવ્યો હતો. પંકજ દુકાને આવતા જ ગટ્ટુ તેની સાથે ઝગડો કરીને ભાગી ગયો હતો.

બાદમાં ગત 7મીની મોડી રાત્રે પંકજના મોબાઇલ પર દિપક શર્માએ ફોન કરીને જણાવ્યું હતું કે તમારી દુકાન પર આગ લાગેલ છે. જેથી પંકજે સવારમાં જઈને દુકાનની આજુબાજુમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા ત્રણેક છોકરાઓ દુકાનને આગ લગાવીને ભાગતા દેખાતા હતા. ફૂટેજને આધારે આજુબાજુમાં રહેતા લોકોને પુછતા આગ લગાડનાર ત્રણેય છોકરાઓ રામ, પ્રકાશ અને સુભાષ નામના અને તેઓ ગટ્ટુના મિત્રો હોવાનું જાણવા મળ્યું હતું. ખટોદરા પોલીસે ગટ્ટુ,પ્રકાશ અને સુભાષ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

To Top