તથ્યો વગરના આક્ષેપ

સેન્ટ્રલ ઈલેકટ્રોનિકસ લીમીટેડને ભારત સરકાર રૂપિયા ૨૧૦ કરોડમાં વેચશે. તેનો વિપક્ષો દ્વારા વિવાદ ઊભો કરાઈ રહ્યો છે અને કંપનીની કિંમત ૭00 કરોડથી ૧૭00 કરોડ વિપક્ષો દ્વારા અંદાજવામાં આવી રહી છે. પરંતુ વિપક્ષો પાસે એવો કોઈ વેપારી છે કે જે સી.ઈ.એલ. ને ૪00 કરોડમાં પણ ખરીદવા ઈચ્છતો હોય. સી.ઈ.એલ.નો ૨૦૧૯-૨૦૨૦ નો ચોખ્ખો નફો ૩.૧૨ કરોડ રૂપિયા છે. ૨૧૦ કરોડ રૂપિયા બેન્કમાં ટર્મ ડીપોઝીટ કરાય તો પણ ટેક્ષ કપાતા વાર્ષિક રૂપિયા આઠ કરોડ કે વધુ વ્યાજ આવે. વિપક્ષોના આક્ષેપ તથ્યો વગરના છે અને સી.ઈ.એલ. નો વાર્ષિક અહેવાલ, બેલેન્સશીટ, દેવું વિગેરેનો અભ્યાસ કર્યા વગરના છે. બારડોલીના ખેડૂતોના પ્રતિનિધિઓ જયારે ગાંધીજી પાસે મહેસુલ વધારાનો પ્રશ્ન લઈને પહોંચ્યા ત્યારે ગાંધીજીએ સરદાર પટેલને એ તપાસી જવા કહ્યું કે, સમસ્યા સાચી છે કે નહીં? સરદાર પટેલે તથ્યોને આધારે ખેડૂતોના પ્રશ્નને વ્યાજબી ગણ્યો અને ગાંધીજીએ સરદાર પટેલને આગળ વધવા કહંયું. સરદાર પટેલે અંગ્રેજોએ બનાવેલ સમિતિ સમક્ષ પણ મહેસુલ વધારો ગેરવ્યાજબી છે તે આંકડા સહિત પુરવાર કરી બતાવ્યું. ડીસઈન્વેસ્ટમેન્ટ મૂડી નિવેશ) કે સરકારી કંપનીઓને વેચવાની નીતિનો વિરોધ થઈ શકે પરંતુ કંપનીના વેચાણ કિંમત કે મૂલ્યાંકન બાબતે વિરોધપક્ષોએ તાર્કિક અભિગમ અપનાવવાની જરૂર છે. વડા પ્રધાન મોદી સાહેબનો જમીન કે કંપનીના મૂલ્યાંકન બાબતનો અનુભવ એટલો વિશાળ છે કે સી.ઈ.એલ.ના જ નહીં, અન્ય કોઈ પણ જમીન કે કંપનીના વેચાણ કિંમતમાં ભૂલ કાઢી શકે નહીં. વેચાણની પ્રક્રિયાની ક્ષતિ હોય તો તેની સાથે મૂલ્યાંકનને સાંકળી શકાય નહીં એ વાત ટુ-જી સ્પેકટ્રમના કેસમાંથી શીખવા જેવી છે. મોદી સાહેબનો અનુભવ જોતાં પ્રક્રિયામાં પણ ગેરરીતિ થાય અને પોતાની પ્રતિભા દાવ ઉપર લાગે એવી ભૂલ તેઓ કરે એ શકય નથી. વિરોધપક્ષો પાસે ઘણા બધા સમર્પિત વેપારીઓ છે. જો સી.ઈ.એલ. ની કિંમત ખોટી મુકાઈ હોય તો તેમના વેપારીઓ પાસે ઊંચી બોલી ન બોલાવી શકે અને દેશને ફાયદો ન કરાવી શકે?

અમદાવાદ   – કુમારેશ ત્રિવેદી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top