ભારત સરકાર ઊંઘતી રહી અને ચાઈનીઝ કંપનીઓએ ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ કબજે કરી લીધું

હિન્દી-ચીની ભાઈ ભાઈ… વર્ષો પહેલા આ નારો લાગ્યો હતો અને આ નારાની ભારે મોટી કિંમત ચૂકવી છે. હજુ પણ ચૂકવી રહ્યું છે. ભારતના કેટલાક પ્રદેશો હડપ કરી જવા માટે ચીન સદાય તત્પર છે અને ભારતની સ્ટ્રેટેજી તેની સામે નબળી પડી રહી છે. હાલમાં જ લદાખમાં પેંગોગ લેક પાસે ચીને પુલ બનાવી દીધો હોવાની માહિતી બહાર આવી છે. ચીન સતત ભારતને નુકસાન કરી રહ્યું હોવાથી છાશવારે ચીની વસ્તુઓના બહિષ્કારની ઝુંબેશ શરૂ કરવામાં આવે છે પરંતુ તેને સફળતા મળતી નથી. માત્ર લોકોની લાગણીને છંછેડીને અભિયાન પૂરંુ કરી દેવામાં આવી રહ્યું છે. ઉપરથી ચીન દ્વારા એટલી હદે ઉત્પાદકતા વધારવામાં આવી છે કે તેનો માલ-સામાન ખૂબ મોટા પ્રમાણમાં ભારતમાં ઠલવાઈ રહ્યો છે. ચીનની કંપનીઓ દ્વારા ખોટ ખાઈને પણ એવી રીતે ભારતમાં માલની નિકાસ કરવામાં આવી રહી છે કે ભારતની કંપનીઓ તેની સામનો કરી શકતી નથી. સરકાર દ્વારા આ મામલે કશું કરવામાં આવતું નથી અને તેને કારણે ચીનની કંપનીઓ બમણા જોરથી ભારતમાં પોતાના ઉત્પાદનો ઘુસાડી રહી છે.

વાત મોબાઈલની થઈ રહી છે. 136 કરોડની વસતી હોવાને કારણે ભારતમાં મોબાઈલની મોટાપાયે ખપત રહે છે. એક સમય હતો કે જ્યારે મોબાઈલ ક્ષેત્રે પ્રથમ નંબરે નોકિયા કંપની હતી. બાદમાં સ્માર્ટ અને ટચ ફોનની શરૂઆત થતાં સેમસંગે મેદાન માર્યું હતું. હાલમાં બજારમાં સેમસંગ અને આઈફોનની બોલબાલા છે પરંતુ તેની સામે ચીનની કંપનીઓ પણ ગાંજી જાય તેમ નથી. સરવે એવું કહે છે કે ભારતમાં સ્માર્ટ ફોનના માર્કેટ પર હવે ચીનનો કબજો થઈ ગયો છે. એટલી હદે આ કબજો થયો છે કે ભારતના સ્માર્ટ ફોન માર્કેટમાં ભારતીય કંપનીઓનો હિસ્સો જ માત્ર એક ટકો રહ્યો છે. છેલ્લાં છ વર્ષમાં આ સ્થિતિ સર્જાઈ ગઈ છે. સને 2015માં ભારતના સ્માર્ટ ફોનના માર્કેટમાં ભારતની કંપનીઓનો હિસ્સો 68 ટકા હતો અને સામે ચાઈનીઝ કંપનીઓનો હિસ્સો માત્ર 32 ટકા જ હતો. પરંતુ હવે સ્થિતિ આખી બદલાઈ ગઈ છે. માત્ર ભારતીય કંપનીઓ જ નહીં, સેમસંગ અને આઈફોનને પણ ચાઈનીઝ કંપનીઓ હંફાવી દીધી છે. સેમસંગની હિસ્સેદારી જે 24 ટકા હતી તે પણ હવે ઘટીને 17 ટકા થઈ ગઈ છે. જ્યારે તેની સામે ચીનની રિયલમી અને વનપ્લસ બ્રાન્ડ ભારે પ્રગતિ કરી રહી છે.

ચાઈનીઝ કંપનીઓ દ્વારા સ્માર્ટ ફોનની ઓછી કિંમત રાખવાની સાથે તેના ખૂબ સારા સ્પેશિફિકેશન આપવામાં આવી રહ્યાં હોવાથી ભારતીય બજારોમાં ચીનની કંપનીઓના મોબાઈલ ફોન વધુ વેચાઈ રહ્યાં છે. પોતાના મોબાઈલ વધારે વેચવા માટે ચાઈનીઝ કંપનીઓ ખોટ પણ સહન કરી રહી છે. કોઈપણ કંપની ખોટ કરીને માલ વેચે નહીં પરંતુ ચીનની સરકારો દ્વારા એ રીતે તેમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાં છે કે તેઓ ભારતીય બજારને પોતાના હસ્તક લઈ રહ્યાં છે. ચાઈનીઝ કંપની ભારતના બજારોમાં પોતાના ઉત્પાદનો ઘુસાડી જાય અને ભારતીય કંપનીઓ મોઢા જોતી રહે તે સ્થિતિ ભારતની ઈકોનોમી માટે ખૂબ ખરાબ છે. ભારતમાં સ્માર્ટ ફોન વેચીને ચાઈનીઝ કંપનીઓ મોટાપાયે વિદેશી હુંડિયામણ ચીનમાં લઈ જઈ રહી છે. આ તો સ્માર્ટ ફોનની વાત છે પરંતુ અન્ય ઉત્પાદનોમાં પણ ભારતની કંપનીઓને ચાઈનીઝ કંપનીઓ પછાડી રહી છે.  આ સ્થિતિથી ભારત સરકારે ચેતવા જેવું છે. જો ભારત સરકાર ઝડપથી પગલાં નહીં લે તો આગામી દિવસોમાં આખા ભારતમાં ચાઈનીઝ કંપનીના મોબાઈલ જ વેચાતા હશે અને ભારતીય કંપનીઓએ બંધ થવાનો વારો આવશે તે નક્કી છે.

Most Popular

To Top