Madhya Gujarat

લસુન્દ્રાના ભૂમાફિયાઓને રાજકીય રક્ષણથી રોષ

નડિયાદ: કઠલાલ તાલુકાના લસુન્દ્રાના દાદાના મુવાડા ગામે ખોટી રીતે જમીન વેચાણના દસ્તાવેજ કરવામાં આવ્યા હતા. જમીન પચાવી પાડવા ગુનો આચરનારાઓ સામે કાર્યવાહી કરવા ગ્રામજનોએ દીવાની ફોજદારી કાર્યવાહી કરી છે. આમ છતાં જમીન હડપ કરવાનું ષડયંત્ર રચનારા ભૂમાફિયાઓ સામે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ખોટી રીતે જમીનના વેચાણ દસ્તાવેજના કેસોનો તાત્કાલિક નિર્ણય લેવા ગ્રામજનોએ કલેકટરના આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

કઠલાલના દાદાના મુવાડા તાબે લસુન્દ્રામાં રહેતા ચીમનભાઈ ધીમાભાઈ બારૈયા અને અન્ય ગ્રામજનોએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં લસુન્દ્રાના રેવન્યુ સર્વે નં-1668 પૈકી 1670 પૈકી, 1671 પૈકી, 1663, 1664, 1667, 1672, 1673 તથા 2082 પૈકી વાળી જમીનોના ખોટી રીતે પાવર ઓફ એટર્ની હોલ્ડર તેમજ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ ખોટી રીતે કરી ગામની દૂધ સહકારી મંડળી, આંગણવાડી તથા મંદિરો, રહેણાંક મકાનો હોવા છતાં તેમજ રેકર્ડમાં બીજા હકમાં ખેડૂતોના ગણોત હક્ક દર્શાવેલા હોવા છતાં ખોટી રીતે દસ્તાવેજો થયા હોવાની જાણકારી મળતા ગ્રામજનોએ ખોટા વેચાણ દસ્તાવેજ બાબતે રેવન્યુ રાહે કાર્યવાહી જે-તે ગુનો આચરનારાઓ સામે દીવાની તથા ફોજદારી કાર્યવાહીઓ કરી છે.

પરંતુ ગુનો આચરનારાઓ રાજકીય વર્ગ ધરાવતા મોટા માથા હોય સરકાર દ્વારા આ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાને બદલે છાવરવામા આવી રહ્યા છે. ત્યારે આ અંગે યુદ્ધના ધોરણે ગુના આચારનારાઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે. વધુમાં હાલમાં હંસપુરા(દસક્રોઈ-અમદાવાદ)ની જમીનો બાબતે જમીનોના માલિકો જેમાં 18 ઈસમોના અપહરણ થયાના ન્યુઝ ચેનલોમાં અહેવાલ પ્રસારિત થયા હતા. આ ગુનો આચારનારાઓ ચૌહાણ અભયસિંહ ગોવિંદસિંહ તથા જનકસિંહ કુંદનસિંહ ચૌહાણ, દિલીપસિંહ નટવરસિંહ (રહે.પીપળાવાળોવાસ સિંગરવા તળાવ નજીક) તથા તેમના મળતીયાઓએ દાદાના મુવાડા લસુન્દ્રા ગામની જમીનો ખોટી રીતે રેકર્ડ સાથે ચેડા કરી દસ્તાવેજો બનાવ્યા છે. આ ટોળકીએ લસુન્દ્રા દાદાના મુવાડા ગામની જમીનો હડપ કરવા કૃત્ય આચર્યું છે. જેથી આ માથાભારે ભૂમાફિયાઓથી ગ્રામજનોના જીવનું જોખમ ઊભું થયું છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં ખોટી રીતે વેચાણ થયેલી જમીનોના કેસોનો તાત્કાલિક નિકાલ લાવવા અને ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

Most Popular

To Top