Charchapatra

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

ગ્રહણ ખગોળીય ઘટના છે. ૮-૧૧-૨૦૨૨ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હતું. કમનસીબે બહુ મોટો જનસમુદાય ગ્રહણને ખગોળીય ઘટના તરીકે સમજી શક્તો નથી. દેશ /દુનિયામાં જે કોઈ ઘટનાઓ બને છે તે દરમ્યાન ગ્રહણ આવે તો તેને ગ્રહણનો પ્રભાવ દર્શાવી લોકોને ડરાવવાનો હાસ્યાસ્પદ પ્રયાસ થાય છે. કોરોનાની અસર, સત્તા પરિવર્તન, યુદ્ધો, નેતાઓ પર થતા હુમલાઓ, પુલ તૂટવા જેવી દુર્ઘટનાઓ કે રાજકીય ઉથલપાથલ વગેરેને ગ્રહણની અસર દર્શાવાય છે. અંધશ્રદ્ધા ચેપી રોગ છે જે માનવજાતને સતત ડરાવતો રહે છે.

ચંદ્ર પૃથ્વીના પડછાયામાં ઢંકાઇ જાય છે અને તેના પર સૂર્ય પ્રકાશ નથી અને તે અંધારામાં જતો રહે છે. આ ખગોળીય ઘટનાને સમજીએ, સ્વીકારીએ. જો માણસને પરમાત્મામાં વિશ્વાસ, શ્રદ્ધા, હોય તો ડરવાની જરૂર જ નથી. કોઈનું ખોટું કે ખરાબ કરવું નથી કે કર્યું નથી તો ઈશ્વરનો ડર રાખવાની જરૂર ખરી?! સત્ય ઈશ્વર છે. ઈશ્વર સત્ય છે.આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનાં કાવ્યની એક પંકતિ અહીં સૂચક રહેશે, “ કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં.”
સુરત            – અરુણ પંડયા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અમને જોઈએ હસતું રમતું ગુજરાત
અંતે ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગ્યું અને ‘સાહેબે’ આ ગુજરાત મેં બનાવ્યું છે ના નારા સાથે ચૂંટણીપ્રચારનાં શ્રીગણેશ કર્યાં! પણ અહીં ‘સાહેબ’ને વિનમ્ર ભાવે પૂછવું છે કયું ગુજરાત? કોનું ગુજરાત? એ ગુજરાત કે જે કોરોના કાળમાં સતત રોતું કકળતું રહ્યું! સ્મશાનોમાં લાશોના ઢગલાવાળું ગુજરાત? ઓકસીજન અને દવાઓ માટે વલખાં મારતું ગુજરાત? કે પછી કોરોના કાળમાં તદ્દન નિષ્ક્રિય રહેલ ધારાસભ્યો અને કોર્પોરેટરોનું ગુજરાત? કોરોનામાં ભૂખે મરીને મોતને હવાલે થયેલ શ્રમિકોનું ગુજરાત કે પછી બોટાદના લઠ્ઠાકાંડ અને મોરબીના પુલની હોનારતવાળું ગુજરાત?

હોસ્પિટલોની બેદરકારીથી જીવતાં ભુંજાયેલાં નિર્દોષ ગુજરાતીઓનું ગુજરાત? શું ગુજરાત આ ભૂલી શકશે? ચૂંટણી જાહેર થઇ ગઇ છે ત્યારે કોને મત આપવો એ જનતા ઉપર નિર્ભર છે, પણ એક વાત સ્પષ્ટ છે. ધર્મ અને જ્ઞાતિ ઉપર આધારિત ચૂંટણી કયારેય જીતાતી નથી! એટલે કોઇ પણ પક્ષની લોભામણી જાહેરાતોને વશ થયા વગર એ પક્ષની ભૂતકાળની કામગીરીઓ ધ્યાને લઇ સાચા ઉમેદવારને ઓળખી મત આપવાનો સમય હવે આવી ગયો છે. કારણ કે અમને જોઇએ છે હસતું રમતું ગુજરાત, નહીં કે રોતું કકળતું ગુજરાત!
સુરત            – ભાર્ગવ પંડયા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top