Entertainment

કિયારા ડૉનને ફસાવશે?

ફિલ્મોનું પ્રમોશન શરૂ થાય તો તેની સાથે કયારેક ગોશીપનું પ્રમોશન પણ થવા માંડે છે. હમણાં સિધ્ધાર્થ મલ્હોત્રા તેની ‘યોધ્ધા’ ફિલ્મના પ્રમોશનમાં રાશી ખન્નાના હાથમાં હાથ નાંખીને આવ્યો. રાશી એ ફિલ્મનો ભાગ છે એટલે સિધ્ધાર્થના હાથમાં હાથ નાંખે તો તે ગપસપ ન બનવી જોઇએ પણ ઘણા એવું સમજવા માંડયા કે આ રાશી હવે કિયારા અડવાણીના લગ્નજીવનમાં લાલબત્તી સમી છે. કિયારા જો કે આવી ગપસપથી મુકત ‘ડોન-3’ની તૈયારીમાં છે.તે વધારે ગપસપમાં રહેવામાં માનતી નથી. કદાચ પ્રમોશનની જરૂર હોય તો સિધ્ધાર્થ મલ્હોત્રાને હશે, કિયારાને નહીં. તે આવનારા સમયમાં એકદમ અવ્વલ ક્રમે પહોંચે કે નહીં તે ખબર નથી. મૂળ વાત તેનામાં ટોપ પર પહોંચવાની ટેલેન્ટ તો છે પણ ઝનૂન નથી. બાકી તેનામાં નિર્માતા અને દિગ્દર્શકો વિશ્વાસ મૂકી રહ્યા છે. એ વિશ્વાસ મૂકનારામાં સંજય લીલા ભણશાલીથી માંડી ફરહાન અખ્તર, અયાન મુખરજી પણ હોય તો માનવું જોઇએ કે કિયારા હવે ટોપ ઝોનમાં છે. અરે, એટલું જ નહીં એસ. શંકર જેવા સાઉથના દિગ્દર્શકની ‘ગેમ ચેન્જર’માં પણ તે રામચરન સાથે આવે છે તો તેના મોઢામાં ઘી શક્કર છે એમ કહેવું જ પડે. કોઇ પણ અભિનેતા યા અભિનેત્રીને સારા દિગ્દર્શક, સારા બેનરની તલાશ હોય છે કારણ કે તો જ સારા કામની તક ઊભી થાય છે.
કોઇ અભિનેત્રી ટોપ પર છે એવું સમજવા માટે તેની ફિલ્મ 200-500 કરોડનો ધંધો કરે એવું જરૂરી નથી હોતું. માત્ર મોટી સફળતામાં તેનો હિસ્સો નોંધાતો હોય છે. ‘કબીરસીંઘ’ અને ‘શેરશાહ’ની સફળતામાં કિયારાને 100 માંથી 65 માર્ક મળ્યા હતા. પરદા પર તેની હાજરી પ્રેક્ષકોને ગમી હતી. ‘ભુલભુલૈયા-2’ અને ‘સત્ય પ્રેમ કી કથા’માં પણ કિયારાનું મહત્ત્વ સ્વીકારાયું હતું. તે જે પણ હીરો સાથે આવે છે તે હીરોની વેલ્યુ વધારી દે છે. તેના લુકમાં અને બોડી લેંગ્વેજમાં પોઝિટિવિટી છે. તેનું સ્મિત સંમોહક છે. ‘ડોન-3’માં ફરહાન અખ્તરે આ વખતે રણવીર સીંઘ સામે કિયારાને પસંદ કરી છે. સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં તે વિકી કૌશલ સાથે આવવાની છે. ભણશાલીએ ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણે, આલિયા ભટ્ટને સ્ટારડમને ઊંચા આસને બેસાડયા પછી હવે કિયારાને એ આસન તરફ દોરવી રહ્યાં છે. અરે, શશાંક ખેતાને પણ સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે કિયારાની ફિલ્મ પ્લાન કરી છે. એવી જ એક અન્ય ફિલ્મમાં તે વિષ્ણુ વર્ધનના દિગ્દર્શનમાં કામ કરી રહી છે. ઉપરાંત ‘વોર-2’માં ઋત્વિક રોશન અને એન.ટી. રામારાવ જુનિયર સાથે તો છે જ.
કિયારા અડવાણી વધારે શોર કર્યા વિના કામ કરે છે. તેણે તેના સિધ્ધાર્થ સાથેના સંબંધને પણ મિડિયામાં બહુ ચગવા દીધો ન હતો. તે પોતાનાં લક્ષ્યો શાંત રીતે પાર પાડે છે. તે મોટા બેનર શોધતી નથી, મોટાં બેનરો હવે તેને શોધે છે. બીજી વાત એ પણ છે કે સિધ્ધાર્થ સાથેના લગ્નજીવન પછી પણ તેની કામ કરવાની રીતમાં કોઇ ફરક નથી પડયો. તે કોઇને ગોડફાધર પણ નથી બનાવતી કે સિધ્ધાર્થની પણ મદદ નથી લેતી. કિયારાની એ વાત પણ નોંધવી જોઇએ કે તે પોતાને ટોપની પુરવાર કરવા હીરોઇનકેન્દ્રી ફિલ્મોમાં કામ નથી કરતી. હિન્દી મનોરંજક ફિલ્મોનું એક જે માળખું છે તેમાં હીરો-હીરોઇન- વિલન-મ્યુઝિકનું જે મહત્ત્વ છે તેનો સ્વીકાર કિયારાએ પણ કર્યો છે. તે આ બધું યોજનાપૂર્વક નથી કરતી, બલ્કે તેનામાં જે સહજતા છે તે જાળવી રાખીને કરે છે. કિયારા કોઇ દિવસ કહેતી નથી કે મારે દીપિકા યા આલિયા યા દિશા પટની કે જહાન્વી કપૂરથી આગળ નીકળી જવું છે. સારી ફિલ્મમાં સારાં કામ જ રસ્તા દેખાડે છે. કિયારા બસ એ જ રસ્તે છે.

Most Popular

To Top