Comments

પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર કેશુભાઈ પટેલ ઉપર આરોપ હતો કે તેમણે તેમના કામનું માર્કેટીંગ કર્યું નહીં

1928 માં જન્મ લેનાર કેશુભાઈ પટેલને ગુજરાતની પ્રજાએ બે વખત મુખ્યંત્રી થવાની તક આપી હતી. 1995 માં છ મહિના માટે અને 1998 માં ત્રણ વર્ષ માટે તેઓ ગુજરાતના શાસક બન્યા. તેમની ઉપર આરોપ હતો કે તેઓ તેમની સરકાર દ્વારા થતાં લોક ઉપયોગી કામનું માર્કેટીંગ કરતા નથી. મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને અનેક વખત મળવાનું સૌભાગ્ય મળ્યું. એક મુલાકાતમાં મેં હિંમત કરી તેમને પ્રશ્ન પૂછી લીધો કે તમારી સરકાર લોકો માટે જે કામ કરે છે તેનો તમે પ્રચાર કેમ કરતા નથી? તેમના સ્થૂળ ચહેરા ઉપર એકદમ હાસ્ય ધસી આવ્યું. તેમણે કહ્યું, અરે ભાઈ, સરકાર તો પ્રજાની માઈબાપની ભૂમિકા અદા કરે છે.

કોઈ મા બાપ પોતાનાં સંતાનો માટે જે કંઈ કરે તેનો થોડો હિસાબ રાખે કે પછી અમે અમારાં સંતાનો માટે શું કર્યું તેના ઢોલ નગારા પીટે છે. કુદરતે મારા હિસ્સે જે જવાબદારી સોંપી છે તેનું મારે કામ કરવાનું છે. કેશુભાઈ પટેલ એક એવું વ્યકિતત્વ, જેની ઉપર કોઈને પણ ગુસ્સો આવે છે, વિરોધીને પણ આદર આપવાની ફરજ પડે તેવો માણસ, 29 ઓકટોબર 2020 માં તેમનું દેહાવસાન થયું. ભારત સરકારે તેમને  મરણોત્તર પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા.જે એવોર્ડ  રાષ્ટ્રપતિ ભવન ખાતે  તેમના પુત્ર ભરત પટેલે સ્વીકાર્યો હતો.

અત્યંત સામાન્ય માણસ, મુખ્યમંત્રી બન્યા પછી પણ સામાન્ય જ રહ્યો, કોઈ વ્યકિતગત અપેક્ષા અને જીજીવિષા વગરનો માણસ, જીવનના પાંચ દાયકા રાજકારણમાં પસાર કર્યા પછી રાજકારણના આટાપાટા આવ્યા જ નહીં, બેદાગ માણસ, ચહેરા ઉપર જેવું નિર્દોષ હાસ્ય તેવું જ નિર્દોષ જીવન રહ્યું. દારુણ ગરીબીમાં જન્મ થયો, ઘરની જમીન હતી, પણ જમીનમાં નાખવા ખાતરના પૈસા ન્હોતા, એટલે રોજ રાત પડે કેશુભાઈ  અને જેમના ભાઈ ખેતરની બાજુમાંથી પસાર થતી ગટરમાં ઉતરી તેનો કદડો કાઢી ખાતર તરીકે પોતાના ખેતરમાં પાથરી દેતા હતા, આર્થિક સ્થિતિના અભાવે સ્કૂલનું શિક્ષણ પણ પૂરું થયું નહીં, આઝાદી મળી તેના બે દાયકા પહેલાં જન્મ થયો હોવાને કારણે આઝાદી કોને કહેવાય તેની પાક્કી સમજ હતી.

રાજકારણમાં આવવાની કયારેય ઈચ્છા ન્હોતી પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફ તેમનો લગાવ આઝાદી પહેલાંથી જ રહ્યો, રોજ  રાજકોટની શાખામાં જવાનો ક્રમ હતો.એક દિવસ શાખાના ગણવેશ અને લાઠી સાથે શાખામાંથી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે રાજકોટના બજારમાં રાજકોટનો કુખ્યાત લીલીયા  દાદા વેપારીઓને રંજાડી રહ્યો હતો, લીલીયા દાદાની એવી ધાક હતી કે આખું રાજકોટ તેનાથી કાંપતું હતું, પણ તે દિવસે લીલીયાની દાદાગીરી જોઈ કેશુભાઈનું લોહી ઉકળી ઊઠયું. તેમણે સાઈકલ ઊભી રાખી, બજારમાં લીલીયાને પડકાર્યો, આ પહેલી ઘટના હતી કે લીલીયા સામે પડકાર ઊભો થયો. સંઘની લાઠી હાથમાં કેશુભાઈ લાઠીનો કરતબ બતાડયો અને બજારમાંથી લીલીયાને નાસી જવું પડયું, આ ઘટના કેશુભાઈ તો ભૂલી ગયા પણ ત્યાર બાદ રાજકોટ નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે રાજકોટના વેપારીઓ કેશુભાઈને મળવા આવ્યા અને કહ્યું, તમારે ચૂંટણી લડવાની છે. પહેલાં તો કેશુભાઈએ કહ્યું, અરે ભાઈ બે ટંકના રોટલાની તકલીફ છે ત્યાં કયાં ચૂંટણી લડવી, પણ વેપારીઓ માન્યા નહીં, કેશુભાઈના પ્રારબ્ધમાં રાજકારણ હતું અને તેઓ સુધરાઈમાં નગર સેવક તરીકે ચુંટાઈ આવ્યા.

બાબુભાઈ જશભાઈ પટેલની સરકારમાં પણ તેઓ મંત્રી બન્યા, એટલે સરકારી બંગલો મળ્યો, મંત્રી થયા એટલે ગાંધીનગર રહેવું અનિવાર્ય હતું, એટલે રાજકોટ છોડયું, પણ કેશુભાઈનાં પત્ની લીલાબાએ ગાંધીનગર આવવાનો નન્નો ભણી દીધો, લીલીબાએ કહ્યું, મારી ભેંસો મૂકી હું ગાંધીનગર આવીશ નહીં, લીલાબાને ગાંધીનગર લાવવા માટે કેશુભાઈને પોતાની ભેંસો પણ સરકારી બંગલામાં લાવવી પડી હતી, કેશુભાઈ પટેલ અને લીલાબા એકદમ દેશી દંપતી, શિક્ષણ નહીં બરાબર પરંતુ પ્રશ્નની પાક્કી સમજ અને તેના ઉકેલની આવડત હતી, લીલાબાને તે મંત્રી કે મુખ્યમંત્રીનાં પત્ની છે તેવો ભાર કયારેય લાગ્યો નહીં, ભાર વગરની જિંદગી તેઓ જીવ્યા, ગાંધીનગર બેસતા આઈએએસ અધિકારીને પ્રશ્ન સમજાય તેના કરતાં ઝડપથી કેશુભાઈ પટેલ પ્રશ્ન સમજી જતાં, કારણ ગામડાનો માણસ અને પોતાનું જીવન પણ વિપરીત પરિસ્થિતિમાં પસાર થયું હતું.

1980 માં જનસંઘમાંથી ભાજપ થયું,અમદાવાદમાં નદીને પાર એક પ્રદેશ કાર્યાલય હોય તેવી કેશુભાઈ પટેલ અને શંકરસિંહની ઈચ્છા હતી. પોતાની ઓફિસ ખરીદી શકે એટલા પૈસા તો ભાજપ પાસે ન્હોતા, એટલે એલીસબ્રીજ પાસે આવેલા એલીસ શોપીંગ સેન્ટરમાં એક દુકાનમાં પ્રદેશ કાર્યાલય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ભાડું મહિને 1500 રૂપિયા હતું, પણ બે-ત્રણ મહિનામાં કેશુભાઈ હાંફી ગયા, કારણ મહિને 1500 રૂપિયાનું ભાડું કયાંથી લાવવું તે પણ એક પ્રશ્ન હતો. આખરે દુકાન ખાલી કરી. આજે જયાં ભાજપનું પહેલું પ્રદેશ કાર્યાલય હતું ત્યાં સૌરાષ્ટ્ર ગાંઠિયા નામની દુકાન ચાલે છે, પછી કેશુભાઈ ઓછા ભાડામાં કાર્યાલય ખાડિયામાં લઈ ગયા. 1980 માં ભાજપનું કોઈ ભાવ પૂછતું ન્હોતું. તે ભાજપને 1995 માં એકલા હાથે બહુમતી અપાવવામાં કેશુભાઈની ભૂમિકા મહત્ત્વની હતી, કારણ 1995-1998 માં કેશુભાઈ ભાજપના પોસ્ટ બોય હતા. કેશુભાઈને 123 બેઠકોની બહુમતી મળી એટલી ભાજપના કોઈ મુખ્યમંત્રીને મળી નથી. ખેર, કેશુભાઈ અને કેશુભાઈ જેવા માણસનો યુગ પૂરો થયો. નવી પેઢીના રાજકારણીઓને આવો પણ એક માણસ રાજકારણમાં હતો તે એક કલ્પના કથા જેવું લાગશે.   
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top